VIDEO: સીરિયા ગૃહયુદ્ધમાં ઈઝરાયલની એન્ટ્રી, 89 મોત, 200 ઈજાગ્રસ્ત
Syria Civil War : સીરિયા યુદ્ધમાં હવે ઈઝરાયલની એન્ટ્રી થઈ ગઈ છે. ઈઝરાયલી સેનાએ સીરિયામાં અનેક ટેન્કો પર હુમલા કર્યા છે. બીજી તરફ સીરિયાના સ્વિડા શહેરમાં બે દિવસથી જાતીય હુમલા અને ભીષણ હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 89 લોકોના મોત અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલે સીરિયામાં ડ્રુઝ સમાજની સુરક્ષાનો હવાલો આપી ટેન્કો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.
ઈઝરાયલી સેનાનો સીરિયામાં ટેન્કો પર હુમલો
ઈઝરાયલી સેનાએ સીરિયામાં અનેક ટેન્કોનો ખાતમો બોલાવ્યો છે. ઈઝરાયલી સેનાએ વીડિયો જાહેર કરીને કહ્યું કે, ‘અમે ડ્રુઝ સમાજની સુરક્ષાને ધ્યાને રાખીને ચેતવણી આપી હતી, ત્યારબાદ સીરિયામાં ટેન્કો પર હુમલા કર્યા છે.’ શિયા ઈસ્લામની શાખાનો ડ્રુઝ સમાજ એક ધાર્મિક લઘુમતી છે. આ સમાજની કુલ વસ્તી 10 લાખની છે, જેમાંથી અડધાથી વધુ લોકો સીરિયામાં રહે છે, જ્યારે બાકીના ઈઝરાયલના કબજા હેઠળના ગોલન હાઈટ્સ અને લેબનોનમાં ફેલાયેલા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સમાજના લોકો ઈઝરાયલની સેનામાં પણ કામ કરે છે, તેથી જ ઈઝરાયલ ડ્રુઝ સમાજને સહયોગી માને છે.
હિંસામાં સીરિયા સેનાના 14 જવાનોના મોત
સીરિયા માનવાધિકાર પર દેખરેખ રાખી રહેલી બ્રિટનની ‘ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ’ સંસ્થાએ કહ્યું કે, ‘સીરિયાના સ્વિડામાં થયેલી હિંસામાં બે બાળકો, બે મહિલાઓ અને સીરિયાની સેનાના 14 જવાનોના મોત થયા છે.’ બીજી તરફ સીરિયા ગૃહમંત્રાલયે 30થી વધુ લોકોના મોત અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહ્યું છે.’
ડ્રુઝ યુવક પર હુમલા બાદ હિંસા ભડકી
રિપોર્ટ મુજબ સ્વિડાના અલ-મસમિયાહ વિસ્તારમાં એક કામચલાઉ ચેકપોસ્ટ પરથી હિંસા શરૂ થઈ હતી. અહીં બેડૌઈન સમાજના કેટલાક લોકોએ સ્થાનિક ડ્રુઝ યુવક પર હુમલો કર્યો હતો, જેના કારણે ડ્રુઝના લોકોએ બેડોઈન સમાજના અનેક લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ મામલો કાબુમાં આવી ગયો હતો, પરંતુ પછી આખા વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી.
સીરિયન ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુરુદ્દીન અલ-બાબે કહ્યું કે, ‘રાજ્ય અને સ્વીડાના કોઈપણ સમાજ કે ધાર્મિક નેતાઓ વચ્ચે દુશ્મની નથી. સરકાર માત્ર સ્થાનિક લોકો પર આતંક મચાવનાર આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો : જો 50 દિવસમાં યુદ્ધ બંધ નહી કરો તો અતિતીવ્ર ટેરિફ લાદીશ : પુતિનને ટ્રમ્પની ગંભીર ચેતવણી