અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ બનવાની તૈયારીમાં ? તેઓ શહબાઝ શરીફને મળતાં અટકળો તેજ બની રહી છે
- મંગળવારે રાષ્ટ્રપ્રમુખ ઝરદારીના પેલેસમાં શરીફે તેમની મુલાકાત લીધી તે પહેલાં મુનીર શરીફને તેમનાં નિવાસ સ્થાને મળ્યા જેથી અટકળો તેજ બની
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મોટા પાયે રાજકીય ઉથલ-પાથલ થવાની અટકળો ચાલી રહી છે. મંગળવારે વડાપ્રધાન શહબાઝ શરીફનાં નિવાસ સ્થાને ફીલ્ડ માર્શલ મુનીર પહોંચ્યા હતા તે પછી શીરફે પ્રમુખ ઝરદારીની મુલાકાત લીધી. દરમિયાન જન. મુનીર પણ ત્યાં જઈ પહોંચ્યા આ સાથે તેવી અટકળો વહેતી થઈ છે કે પ્રમુખ ઝરદારી ત્યાગપત્ર આપશે અને તેમનું સ્થાન મુનીર લે તેવી પૂરી શક્યતા છે.
જો કે સત્તાવાર રીતે આ અંગે કશું કહેવામાં આવ્યું નથી. પાકિસ્તાનની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસીફે તે તમામ અટકળોને ફગાવી દીધી હતી સાથે કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખે તો વર્તમાન સરકાર અને રાજકીય વ્યવસ્થામાં પૂરેપૂરો વિશ્વાસ દર્શાવ્યો હતો.
બીજી તરફ પાકિસ્તાનનું અગ્રીમ વર્તમાનપત્ર જણાવે છે કે મંગળવારે વડાપ્રધાન શરીફે પ્રમુખની મુલાકાત લીધી હતી. તે પહેલાં ફીલ્ડ માર્શલ જનરલ મુનીર પી.એમ.નાં નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને શરીફ સાથે મંત્રણા કરી હતી. ત્યાર પછી મંગળવારે એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકો મળવા લાગી. તે ઉપરથી દેશમાં રાષ્ટ્ર પ્રમુખ બદલાવાની અટકળો તેજ બની રહી છે.
સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે આગળ તેમ પણ કહ્યું હતું કે પ્રમુખનાં રાજીનામાં અને તેમનાં સ્થાને મુનીરને મુકવાની વાત પ્રમુખ ઝરદારી અને વડાપ્રધાન શરીફ વચ્ચે જરૂર ચર્ચાઈ હતી. પરંતુ રાષ્ટ્રપ્રમુખ બદલવાની વાતમાં કોઈ તથ્ય નથી. રાષ્ટ્રપતિએ વર્તમાન સરકાર અને રાજકીય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ દર્શાવ્યો હતો.
નિરીક્ષકો કહે છે કે સંરક્ષણ મંત્રી ભલે જે કહેવું હોય તે કહે પરંતુ પાકિસ્તાનની પરંપરા જોતાં ત્યાં લશ્કરી વડા જ રાષ્ટ્રના વડા બની રહે તે કૈં નવી વાત નથી.
ટૂંકમાં પાકિસ્તાનમાં લોકશાહીનો મૃત્યુઘંટ વાગવાના ભણકારા સંભળાઈ રહ્યા છે.