ટ્રમ્પના ગાઝા પ્લાનને ઝટકો? અમેરિકાની અપીલ બાદ પણ ઈઝરાયલનો હુમલો, 6ના મોત
Israel Strikes Gaza : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં શાંતિ પ્રસ્તાવ જાહેર કર્યાના થોડા જ કલાકોમાં ઈઝરાયલે હમાસના ઠેકાણાઓ પર ભયાનક હુમલો કર્યો છે. તેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ટ્રમ્પે ગાઝામાં શાંતિ સ્થાપવાની યોજના અંગે કહ્યું હતું કે, ‘હમાસ શાંતિ માટે તૈયાર થઈ ગયું છે, માત્ર તેણે ઈઝરાયલી બંધકોને છોડી મૂકવા તેમજ યુદ્ધ સમાપ્ત કરવાની અમેરિકાની યોજનાની કેટલીક શરતોને સ્વિકારવા અસહમતી વ્યક્ત કરી છે.
બંધકોની મુક્તિની તૈયારી વચ્ચે ઈઝરાયલે હુમલો કર્યો
ખાસ વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે શનિવારે વહેલી સવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ઈઝરાયલ હમાસની પ્રતિક્રિયા બાદ ઈઝરાયલી બંધકોની મુક્તિ માટેની ટ્રમ્પની ગાઝા યોજનાના પ્રથમ તબક્કાના તાત્કાલિક અમલીકરણ'ની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાન સામે હજુ કેમ અનેક પડકારો? હમાસે અનેક શરતો માનવાનો કર્યો ઇન્કાર
ઈઝરાયલી સરકારે હુમલાઓ ઘટાડવા આદેશ આપ્યો હતો
ઈઝરાયલી સરકારના કાર્યાલયના નિવેદન બાદ ઈઝરાયલી મીડિયાએ કહ્યું કે, ‘દેશના નેતૃત્વએ ગાઝામાં હુમલાઓ ઘટાડવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયલના સૈન્ય પ્રમુખે એક નિવેદનમાં સેનાને ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ માટેની તૈયારીઓ વધારવાનો આદેશ આપ્યો છે. જોકે તેમણે ગાઝામાં સૈન્ય ગતિવિધિ ઘટાડવા મામલે કશું કહ્યું ન હતું.
હમાસ પાસે 48 બેઠકોમાંથી 20 જીવિત હોવાનો અંદાજ
ઈઝરાયલે 7 ઓક્ટોબર-2023ના હુમલાના જવાબમાં ગાઝામાં આક્રમણ શરૂ કર્યું હતું. ઈઝરાયલી આંકડાઓ મુજબ હમાસ પાસે હજી પણ 48 બંધકો છે, જેમાંથી 20 જીવિત હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયલના સૈન્ય અભિયાને ગાઝામાં અત્યાર સુધીમાં 66,000થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે. સૈન્ય હુમલાથી ગાઝાની બદત્તર સ્થિતિ થઈ ગઈ છે, સહાય પ્રતિબંધોને કારણે કેટલાક વિસ્તારોમાં માનવીય સંકટ ઊભું થયું છે.