ટ્રમ્પના ગાઝા પ્લાન સામે હજુ કેમ અનેક પડકારો? હમાસે અનેક શરતો માનવાનો કર્યો ઇન્કાર
Trumps Gaza Ceasefire Plan : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા શાંતિ યોજના રજૂ કરવામાં આવ્યા બાદ હમાસે પ્રતિક્રિયા આપી છે. હમાસે ઇઝરાયલી બંધકોને છોડી દેવા સંમત થયું છે, જોકે તેણે કેટલીક મહત્ત્વપૂર્ણ શરતો માનવાનો ઇન્કાર કર્યો છે. હમાસનું કહેવું છે કે, તે યોજનાની કેટલીક શરતો અંગે ટ્રમ્પ સાથે વાતચીત કરવા માંગે છે. હમાસનું આ નિવેદન ટ્રમ્પે ફાઇનલ અલ્ટીમેટમ આપ્યા બાદ સામે આવ્યું છે.
ટ્રમ્પની ગાઝા યોજના અંગે હમાસે શરતો મૂકી
ટ્રમ્પે રજૂ કરેલા 20 મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં તાત્કાલીક હુમલાઓ રોકવા અને 72 કલાકની અંદર હમાસ પાસે રહેલા જીવિત ઇઝરાયલી બંધકો અને મૃતદેહોને સેંકડો પેલેસ્ટાઇની કેદીઓના બદલામાં મુક્ત કરવાની શરત છે. હમાસે આ અદલા-બદલીના ટ્રમ્પના ફોર્મ્યુલા પર સત્તાવાર સહમતિ દર્શાવી છે, જોકે હમાસે શરત મૂકી છે કે, અદલા-બદલી માટે જમીની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. જો આવું નહીં થાય તો યોજનામાં અવરોધ ઊભો થઈ શકે છે. હમાસના એક વરિષ્ઠ નેતાએ તો એવું કહ્યું કે, હમાસ ટ્રમ્પની યોજનાને સંપૂર્ણપણે નામંજૂર પણ કરી શકે છે.
હમાસે ટ્રમ્પના પ્રસ્તાવ પર વાતચીત કરવાની ઇચ્છા દર્શાવી
હમાસે અમેરિકી શાંતિ યોજનાની તે વાત સ્વીકારી છે, જેમાં ગાઝાનું શાસન પેલેસ્ટાઇની ટેક્નોક્રેટ્સને સોંપવાની વાત છે. હમાસે ટ્રમ્પના પ્રસ્તાવની અન્ય ઘણી શરતો પર વાતચીત કરવાની ઇચ્છા દર્શાવી છે. તેનાથી એવું લાગી રહ્યું છે કે, હમાસને ટ્રમ્પના પ્રસ્તાવમાં સામેલ કેટલાક મુદ્દાઓ ગમ્યા નથી.
આ પણ વાંચો : સરમુખત્યાર કિમ જોંગનું ફરમાન, ઉત્તર કોરિયામાં મહિલાઓ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ નહીં કરાવી શકે
ઇઝરાયલ તુરંત ગાઝા પર હુમલા અટકાવે : ટ્રમ્પ
હમાસના નિવેદન બાદ ટ્રમ્પે કહ્યું કે, ‘હમાસના નિવેદન પછી મને વિશ્વાસ થઈ રહ્યો છે કે તેઓ કાયમી શાંતિ માટે તૈયાર છે.’ આ સાથે ટ્રમ્પે કહ્યું છે કે, ‘ઇઝરાયલ તુરંત ગાઝા પર હુમલા અટકાવી દે, જેથી અમે બંધકોને સુરક્ષિત અને ઝડપથી બહાર કાઢી શકીએ. ટ્રમ્પના આ આદેશથી ઇઝરાયલની સરકારની કેબિનેટના કેટલાક સભ્યને ગંભીર આશંકા ગઈ છે. બીજી તરફ ટ્રમ્પે હમાસને રવિવાર સુધીમાં યુદ્ધ અટકાવવા કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો હમાસ ડેડલાઇનની અંદર યુદ્ધ ન અટકાવે તો તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે.
આ પણ વાંચો : યુક્રેનમાં રશિયાના આડેધડ હુમલા, સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન-મિસાઇલથી પ્રહાર