ઈઝરાયલના PM પર ગુસ્સે થયા ન્યૂઝીલેન્ડના PM, કહ્યું, ‘નેતન્યાહૂએ હદ પાર કરી દીધી...’
Israel-Gaza War : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu) હમાસનો ખાતમો કરવા માટે ગાઝામાં ભયાનક તબાહી મચાવી રહ્યા છે. ઈઝરાયલી સેના ગાઝામાં અવાજ-નવાર હુમલા કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. રિપોર્ટ મુજબ ગાઝા ભારે સંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે, જેના કારણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને (Christopher Luxon) નેતન્યાહૂ સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
નેતન્યાહૂ રસ્તો ભટકી ગયા : ન્યૂઝીલેન્ડ પીએમ
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને કહ્યું કે, ‘નેતન્યાહૂ ગાઝા મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયની વાત સાંભળતા નથી. તેઓ હવે એટલા આગળ વધી ગયા છે કે, તેઓએ હદ પાર કરી દીધી છે. તેઓ રસ્તો ભટકી ગયા છે. ગાઝા પર રોજબરોજ હુમલાઓ થઈ રહ્યા છે, તે અમે રોજ જોઈ રહ્યા છીએ. આ હુમલાઓ સંપૂર્ણ અસ્વિકાર્ય છે.’
આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીજે નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારબાદ અલ્બનીજે કહ્યું કે, ઈઝરાયલ ગાઝામાં યુદ્ધ બંધ કરવાનો ઈન્કાર કરી રહ્યું છે.
આ પણ વાંચો : ટ્રમ્પ તો ટ્રમ્પ પણ એમના અધિકારીઓ પણ નથી ઝપતાં, ફરી ભારત-પાક. યુદ્ધનો કર્યો ઉલ્લેખ
‘ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે’
લક્સને અત્યાર સુધીની ઈઝરાયલની કાર્યવાહી સામેના સૌથી આકરા નિવેદનોમાં કહ્યું, ‘મને લાગે છે કે નેતન્યાહૂ ખૂબ આગળ વધી ગયા છે. મને લાગે છે કે તેઓ ખોટા માર્ગે જઈ રહ્યા છે. અને મને લાગે છે કે ગાઝા સિટી પરના હુમલા સાથે જે કંઈ થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે, સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે કહ્યું છે કે લોકોને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવા અને ગાઝાને જોડવું એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હશે.’
નેતન્યાહૂના કાર્યાલયે લક્સનની ટિપ્પણી પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઈઝરાયલે આ અઠવાડિયે ગાઝા પર તેના હવાઈ હુમલાઓ ચાલુ રાખ્યા છે અને નેતન્યાહૂ દ્વારા ગાઝા સિટી પર સૈન્ય નિયંત્રણ સ્થાપવાની યોજનાની વ્યાપક નિંદા થઈ છે, જેના કારણે અપેક્ષિત રીતે દસ લાખ જેટલા લોકોને શહેર છોડવાની ફરજ પડશે.
આ પણ વાંચો : જાપાનમાં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું, અસ્તિત્વ સામે જોખમ