જાપાનમાં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું, અસ્તિત્વ સામે જોખમ
Japan Population Crisis: દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં વસ્તીનું સંકટ ગંભીર બની રહ્યું છે. આપણા મિત્ર દેશ જાપાન તેમાં મુખ્ય છે, જ્યાં સળંગ 16મા વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં જાપાનની વસ્તીમાં 9,08,000થી વધુનો ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે દેશમાં જેટલા લોકો જન્મી રહ્યા છે તેના કરતાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો જાપાન આવનારા કેટલાક વર્ષોમાં અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યું હશે.
જાપાનમાં સતત 16મા વર્ષે વસતી ઘટી
જાપાન સ્વસ્થ લોકો અને લાંબા આયુષ્ય માટે જાણીતું છે. પરંતુ, સતત યુવા વસ્તી ઘટવી અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થવો ત્યાંના સ્વાસ્થ્ય માળખા પર પણ બોજ વધારી રહ્યું છે. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ આવા સંજોગોને 'સાયલન્ટ ઇમરજન્સી' ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે દેશમાં મનુષ્યોની વસ્તીનું સંકટ ગંભીર બની રહ્યું છે. અમે ફેમિલી ફ્રેન્ડલી પોલિસી પર વધુ ધ્યાન આપીશું, જેમ કે મફત બાળ સંભાળ અને કામના કલાકોમાં ફ્લેક્સિબલીટી અપનાવવામાં આવશે.'
અત્યારે પણ જાપાનમાં આવી ઘણી નીતિઓ અમલમાં છે, તેમ છતાં મહિલાઓ વધુ બાળકો પેદા કરવા તૈયાર નથી. એટલું જ નહીં, જાપાનમાં મહિલાઓની એક મોટી સંખ્યા એવી છે જેમણે એક પણ બાળકને જન્મ આપ્યો નથી અને આપવા પણ માંગતી નથી.
જાપાનમાં 125 વર્ષમાં સૌથી ઓછા બાળકોનો જન્મ
જાપાન માટે જન્મદરના આંકડા ચિંતાજનક છે. હાલમાં ત્યાંનો જન્મદર 1.2 છે. વર્ષ 2024માં જાપાનમાં માત્ર 6,86,061 બાળકોનો જ જન્મ થયો, જ્યારે 1.6 મિલિયન (16 લાખ) લોકોનું મૃત્યુ થયું હતું. આનો સીધો અર્થ એ છે કે જન્મ લેનારા બાળકોની સંખ્યા કરતાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 10 લાખથી વધુ હતી. સરળ ભાષામાં કહીએ તો, એક બાળકનો જન્મ થયો અને તેની સામે બે લોકો મૃત્યુ પામ્યા.
આ સ્થિતિના કારણે જાપાનની 12 કરોડની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો આ રીતે જ વસ્તી ઘટતી રહેશે, તો દેશમાં માનવ સંસાધનોની મોટી કટોકટી ઊભી થશે. આનાથી જાપાનની અર્થવ્યવસ્થા અને સામાન્ય જીવન પર પણ ગંભીર અસર થશે. નોંધનીય છે કે વર્ષ 2024માં જન્મેલા બાળકોની સંખ્યા છેલ્લા 125 વર્ષમાં સૌથી ઓછી છે.
સતત 16મા વર્ષે વસ્તીમાં ઘટાડો
આ સતત 16મું વર્ષ છે જ્યારે જાપાનની વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. તેમજ જાપાનમાં મોટી સંખ્યામાં વિદેશીઓ વસવાટ કરે છે. 1 જાન્યુઆરી, 2025ના આંકડા મુજબ, જાપાનની કુલ વસ્તીમાં 3 ટકા હિસ્સો વિદેશીઓનો છે.
છેલ્લા એક વર્ષમાં જ જાપાનની કુલ વસ્તીમાં 0.44 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને ભરપાઈ કરવા માટે જાપાને વિદેશી લોકોને આમંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ યોજના પણ ખાસ સફળ થઈ રહી નથી.
આગામી વર્ષોમાં વૃદ્ધોની સંખ્યા યુવાનો કરતાં વધી જશે
જાપાનમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની સંખ્યા 30 ટકા થઈ ગઈ છે, જે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે. આ મામલે મોનાકો પ્રથમ ક્રમે છે. હાલમાં, જાપાનની કુલ વસ્તીમાંથી માત્ર 60 ટકા લોકોની ઉંમર 15થી 64 વર્ષની વચ્ચે છે. જે રીતે દેશમાં જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે, તેના કારણે આગામી કેટલાક વર્ષોમાં વૃદ્ધોની સંખ્યા યુવાનો કરતાં પણ વધી શકે છે.