ટ્રમ્પ તો ટ્રમ્પ પણ એમના અધિકારીઓ પણ નથી ઝપતાં, ફરી ભારત-પાક. યુદ્ધનો કર્યો ઉલ્લેખ
Image Source: Twitter
White House On India-Pakistan Conflict: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની અમેરિકા મુલાકાત હાલમાં ચર્ચામાં છે. છેલ્લા બે મહિનામાં આ તેમનો અમેરિકાનો બીજો પ્રવાસ છે. આ વચ્ચે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી હતો અને બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ વધુ ભયાવહ થઈ શકતી હતી. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે અમેરિકાએ તાત્કાલિક પગલાં ભર્યા હતા. તમને જણાવી દઈએ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે, મારા હસ્તક્ષેપના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવને રોકી શકાયો.
બ્રુસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં 4 દિવસ સુધી ચાલેલા સૈન્ય તણાવને ખતમ કરવા માટે અમેરિકાએ સક્રિય ભૂમિકા ભજવી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ફોન પર વાત કરીને રાજદ્વારી પ્રયાસો દ્વારા બંને દેશોને શાંત કરવા અને હુમલાઓ રોકવામાં મદદ કરી.
તેમણે તેને અમેરિકા માટે ગર્વની ક્ષણ ગણાવી, કારણ કે અમેરિકન નેતૃત્વ હેઠળ સંભવિત વિનાશક પરિસ્થિતિ ટાળી શકાઈ. બ્રુસે કહ્યું કે, આ પ્રયાસોએ બંને પક્ષોને એકસાથે લાવ્યા અને કાયમી સમાધાનની દિશામાં કામ કર્યું.
બ્રુસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો બદલી ન શકાય. બંને દેશો સાથે અમેરિકાની રાજદ્વારી પ્રતિબદ્ધતા અકબંધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અમેરિકા બંને દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે તે પ્રદેશ અને વિશ્વ માટે ફાયદાકારક છે. આપણે આપણા સંબંધો ન બદલી શકીએ.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર બ્રુસે શું-શું કહ્યું?
ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર વાત કરતા બ્રુસે કહ્યું કે, હું તે સમયે સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં જ હતી. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે પ્રમુખથી લઈને ઉપપ્રમુખ અને વિદેશ મંત્રી બધા ચિંતિત હતા અને તેને ઉકેલવાનો પ્રયાસ કરવા લાગ્યા. અમારો સંપૂર્ણ પ્રયાસ પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને હુમલાઓ રોકવાનો હતો.
તેમણે કહ્યું કે, હું કહેવા માંગુ છું કે, બંને દેશો સાથે અમારા સંબંધો સારા છે અને એવા રાષ્ટ્રપતિ હોવાનો ફાયદો છે જે બધું જાણે છે, દરેક સાથે વાત કરે છે અને તેના કારણે જ આપણે પરિસ્થિતિને સંભાળી લીધી.
તમને જણાવી દઈએ કે, 12 ઓગસ્ટના રોજ ઈસ્લામાબાદમાં અમેરિકા-પાકિસ્તાન આતંકવાદ વિરોધી સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં બંને દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે પોતાની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આસિમ મુનીરનો અમેરિકા પ્રવાસ કેમ ચર્ચામાં?
આસિમ મુનીર બે મહિનામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે ગયા છે. જૂન 2025માં તેમની પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. બીજી તરફ તાજેતરમાં મુનીરે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના કમાન્ડર જનરલ માઈકલ કુરિલાના વિદાય સમારંભમાં ભાગ લીધો અને નવા કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરને અભિનંદન પાઠવ્યા હતા. કુરિલાએ પાકિસ્તાનને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં એક મહાન ભાગીદાર ગણાવ્યું હતું.
ટેમી બ્રુસનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે આસિમ મુનીરે કથિત રીતે ફ્લોરિડામાં કહ્યું હતું કે, જો પાકિસ્તાનને અસ્તિત્વનો ખતરો થયો, તો તે ભારત અને અડધા વિશ્વનો નાશ કરવા માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.