ચીન કે રશિયા નહીં ઈરાનને બચાવવા માટે આગળ આવ્યા આ 3 શક્તિશાળી દેશો, યુદ્ધ રોકાશે?
Israel-Iran War : ઈઝરાયેલના મિસાઈલ-ડ્રોન હુમલા અને અમેરિકાની ધમકીઓનો સામનો કરી રહેલા ઈરાન માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્રણ સુપરપાવર દેશોએ ઈરાનને બચાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આમ તો રશિયા, ચીન અને તુર્કેઈ ઈરાનનું મિત્ર છે, જોકે જે ત્રણ દેશોએ ઈરાનને બચાવવાની કવાયત શરૂ કરી છે, તેમાં તે ત્રણેયનું નામ નથી.
જર્મની, ફ્રાન્સ, બ્રિટનનો ઈરાનને સાથ
જર્મન રાજદ્વારીને ટાંકીને રોયટર્સમાં એક રિપોર્ટ છવાયો છે, જેમાં કહેવાયું છે કે, આગામી શુક્રવારે સ્વિત્ઝરલેન્ડના જિનીવામાં એક બેઠક યોજવાની, તેમાં જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને ઈરાનના વિદેશ મંત્રીઓ સામેલ થવાની અને આ દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાતચીત કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ત્રણે દેશો ઈઝરાયલ-ઈરાન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરશે. આ માટે તેઓ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે પણ મુલાકાત કરશે.
અમેરિકાની સંમતી મળ્યા બાદ કરશે વાતચીત
રિપોર્ટ મુજબ, ઈઝરાયેલ-ઈરાનનું યુદ્ધ ટાળવા માટે જર્મની, ફ્રાન્સ, બ્રિટનના વિદેશ મંત્રીએ સૌથી પહેલા જિનીવામાં યુરોપીય સંઘના ટોચના રાજદ્વારી કાલા કાલાસ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ઈરાનના વિદેશમંત્રી સાથે બેઠક કરશે. અમેરિકાની સંમતી મળ્યા બાદ જ આ તમામ વાતચીત થશે.
આ પણ વાંચો : ખતરનાક પરિણામ ભોગવવા પડશે: ઈરાન યુદ્ધ મામલે રશિયાની અમેરિકાને ધમકી
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગેની મહત્ત્વની અપડેટ
ઈરાનનો ઈઝરાયલની હોસ્પિટલ પર હુમલો : ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ ભયાનક સ્થિતિ પર પહોંચી ગયું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ અને ડ્રોથી હુમલા કરી રહ્યા છે. ઈરાને તાજેતરમાં ઈઝરાયલની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. 4 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હુમલા બાદના દૃશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન દેખાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી.
હોસ્પિટલ પર હુમલા બાદ ઈઝરાયલની ઈરાનને ધમકી : હોસ્પિટલ પર હુમલા બાદ ઈઝરાયલ ભડકી ઉઠ્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે ઈરાન વિરૂદ્ધ ઉગ્ર મોરચો છેડતાં તેના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. કાટ્ઝનું આ નિવેદન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના બદલો લેવાના વચનની થોડી ક્ષણો બાદ આવ્યું છે. કાટ્ઝે કહ્યું છે કે, હોસ્પિટલ પર હુમલા માટે ખામેનેઈ જવાબદાર છે. આથી હવે અમે સીધા તેમને જ ટાર્ગેટ કરીશું. આ યુદ્ધ એક અપરાધ છે, અને તેની સજા ખામનેઈને મળશે.
આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે! ફાઈટર જેટ રવાના, નેવી પણ એક્શનમાં
ખામેનેઈ ભૂર્ગભમાં ઉતર્યા : ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ઈઝરાયલના હુમલાને ધ્યાનમાં લેતાં અલી ખામેનેઈ આખા પરિવાર સાથે તહેરાનના લાવિજાન બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. આ બંકર ન્યૂક્લિયર સાઈટની નજીક છે. બંકરની પાસે ઈરાન આર્મીનું મથક પણ છે. ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર છે. સેનાની કમાન તેમની પાસે છે. ઈઝરાયલના હુમલાના વિરોધમાં ખામેનેઈએ ખુલ્લેઆમ ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી હતી કે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.
મધ્ય-પૂર્વમાં કાર્યવાહી કરવાની તૈયારીમાં અમેરિકા : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ લીડર અલી ખામેનેઈને સરેન્ડર કરવાની ધમકી આપ્યા બાદ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના કારણે હવે ત્યાં વધુ વિકટ સ્થિતિ ઉભી થવાની સંભાવનાઓ વધી ગઈ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, અમે હમણાં તેમના પર હુમલો કરીશું નહીં, પરંતુ અમારી ધીરજ ધીમે ધીમે ખૂટી રહી છે.