Get The App

ગાઝામાં મદદ કેન્દ્રમાં ટેન્ક લઈને ઘૂસી ઈઝરાયલની સેના, અંધાધૂંધ ગોળીબારમાં 30ના મોત: રિપોર્ટ

Updated: Jun 1st, 2025

GS TEAM

Google News
Google News
ગાઝામાં મદદ કેન્દ્રમાં ટેન્ક લઈને ઘૂસી ઈઝરાયલની સેના, અંધાધૂંધ ગોળીબારમાં 30ના મોત: રિપોર્ટ 1 - image

Israel-Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે ગાઝાવાસીઓ ભારે સંકટમાં મુકાઈ ગયા છે. અહીં અવાર નવા મિસાઈલ હુમલા, ગોળીબારની ઘટનાઓને કારણે અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા છે. એટલું જ નહીં અહીંના મોત સામે ઝઝૂમવાની સાથે ભૂખમરો અને પાણી સંકટનો પણ સામનો કરી રહ્યા છે. અહીં મદદ કરતી સંસ્થાઓ પણ અનેક હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગાઝામાં મદદ કરતું કેન્દ્ર ઈઝરાયલની સેનાનો શિકાર થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ટેન્ક સાથે રફામાં ઘૂસેલી ઈઝરાયલી સેનાનો આડેધડ ગોળીબાર

ઇઝરાયલી સેના ટેન્ક સાથે દક્ષિણ ગાઝાના રફામાં ઘૂસી ગયું છે અને અહીં ગાઝા માનવીય ફાઉન્ડેશન પાસે આજે (1 જૂન) અંધાધૂંધ ગોળીબાર કર્યો છે, જેમાં 30થી વધુ લોકોના મોત અને 175 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને ખાન યુનિસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગડી જશે

મદદ કેન્દ્ર પાસે ઉભેલી ભીડ પર અચાનક ગોળીબાર

ધ ગાર્જિયનના અહેવાલ મુજબ, સ્થાનિક લોકોએ કહ્યું કે, ‘હજારો લોકો માનવીય સહાયતા કેન્દ્ર પાસે ઉભા હતા, ત્યારે અચાનક ઈઝરાયલ સેનાના ટેન્કો આવ્યા અને કથિત રીતે ભીડ પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ મૃતકો અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પેલેસ્ટાઈનમાં ભોજન-પાણી પર સંકટ

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેના થોડા કલાકો બાદ આ ઘટના બની છે. બીજીતરફ હમાસે વચગાળાના યુદ્ધવિરામ માટે સંમતી વ્યક્ત કરી છે. હમાસની માંગ છે કે, ઈઝરાયલી સેના ગાઝામાંથી સંપૂર્ણ પરત જતી રહે. આંતરરાષ્ટ્રીય સમાતાર એજન્સીઓના રિપોર્ટ મુજબ, ઈઝરાયલી હુમલાના કારણે પેલેસ્ટાઈનીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમને ભોજન અને પાણી પણ મળી રહ્યું નથી. ઈઝરાયલે માર્ચમાં ગાઝાના તમામ સપ્લાય અટકાવી દીધા હતા. ઇઝરાયલનો આક્ષેપ છે કે, હમાસના લોકો અહીંથી સામાન છિનવી રહ્યા છે. જ્યારે હમાસે ઇઝરાયલના આક્ષેપોને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો : શું બાંગ્લાદેશમાં શેખ હસીનાને અપાશે ફાંસીની સજા? 'માનવતા વિરુદ્ધ ગુનો' કરવાનો આરોપ લગાવાયો