હવે નેધરલેન્ડ સરકારે વધાર્યું ઈઝરાયલનું ટેન્શન, PM નેતન્યાહૂના ખાસ મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ
Israel-Netherlands Controversy : ઈઝરાયલ ગાઝામાં ભયાનક હુમલાઓ કરી રહ્યું છે, જેમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે આ મામલે નેધરલેન્ડ સરકારે કડક વિરોધ દર્શાવી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)ના ખાસ બે મંત્રીઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પહેલા બંને મંત્રીઓ પર બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, નોર્વેએ પ્રતિબંધ લગાવ્યો હતો.
નેધરલેન્ડે નેતન્યાહૂના ખાસ બે મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ
નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસ્પર વેલ્ડકૈંપે (Caspar Veldkamp) સોમવારે મોડી રાત્રે સાંસદોને પત્ર લખ્યો છે અને તેમાં બેન્જામિનના બે ખાસ મંત્રીઓ પર પ્રતિબંધ અને કેટલીક કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘ગાઝામાં યુદ્ધ બંધ થવું જોઈએ.’ આ પ્રતિબંધ ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન-ગ્વીર (Ben Gvir) અને નાણાંમંત્રી બેજેલેલ સ્મોટ્રિચ (Bezalel Smotrich) પર લગાવાયો છે. આ બંને મંત્રીઓ નેતન્યાહૂ સરકારના મહત્ત્વના સહયોગી છે.
આ પણ વાંચો : હું કદાચ ચાયના જઈશ જો શી-જિનપિંગ આમંત્રણ આપશે તો : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું
યહૂદી વસ્તી અને ગાઝા યુદ્ધ મામલે બંને મંત્રીઓ પર પ્રતિબંધ
નેધરલેન્ડના આક્ષેપ મુજબ, બંને મંત્રીઓ યહૂદી વસ્તી અને ગાઝામાં યુદ્ધ યથાવત્ રાખવાનું સમર્થન કરતા હતા. બંને મંત્રીઓ પેલેસ્ટાઈનીઓને સ્વેચ્છાએ પલાયન થવા માટે પ્રોત્સાહિત કરતા હતા અને યહૂદીઓની વસ્તી વસાવવાનું સમર્થન કરતા હતા. ગત મહિને બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, નોર્વેએ આ બંને મંત્રી પર પ્રતિબંધ લગાવ્યો હતો. રિપોર્ટ મુજબ મંગળવારે બ્રસેલ્સમાં યુરોપીય સંઘના નેતાઓ વચ્ચે મુલાકાત અને ઈઝરાયલ સાથે વેપાર સમજૂતી પર સમીક્ષા થવાની છે. નેધરલેન્ડ સમજૂતીની કેટલીક બાબતો રદ કરવા માંગે છે.
બંને મંત્રીઓએ આપી પ્રતિક્રિયા
બીજીતરફ નેતન્યાહૂના બંને મંત્રીઓએ પ્રતિક્રિયા આપી છે. બેજેલેલ સ્મોટ્રિચે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘યુરોપિયન નેતાઓ ઇસ્લામિક ઉગ્રવાદના જૂઠાણા સામે ઝૂકી રહ્યા છે અને ભવિષ્યમાં યહૂદીઓ યુરોપમાં પણ સુરક્ષિત નહીં રહે.’ બેન-ગ્વીરે કહ્યું કે, ‘હું પોતાનું કામ ચાલુ રાખીશ. યુરોપમાં યહૂદી મંત્રીને નાપસંદ કરવામાં આવે છે, આતંકવાદીઓને સ્વતંત્રતા આપવામાં આવે છે અને યહૂદીઓને બહિષ્કાર કરવામાં આવે છે.’
આ પણ વાંચો : મધ્ય લંડનના ટાવર બ્રિજ પાસે છરાબાજીમાં ચારને ઇજાઓ : બેનાં મોત : એક હજી ગંભીર