મધ્ય લંડનના ટાવર બ્રિજ પાસે છરાબાજીમાં ચારને ઇજાઓ : બેનાં મોત : એક હજી ગંભીર
- આ ત્રાસવાદી કૃત્ય હોવાનું અત્યારે તો પોલીસ નકારે છે, છતાં સમગ્ર ઇંગ્લેન્ડમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે : જનતાને કહે છે 'ચિંતા ના કરશો'
લંડન : મધ્ય લંડનના ટાવર બ્રિજ પાસે એક ઝનૂની માણસે અકારણ જ છૂરાબાજી ચાલુ કરતાં ૫૮ વર્ષના એક વ્યાપારીનું તો સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું તેમજ એક ૨૭ વર્ષની વ્યક્તિ જે અત્યંત ઘાયલ થઈ હતી, તેને હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરાઇ હતી.
વાસ્તવમાં આ ટાવર બ્રિજ સહેલાણીઓ માટેનું એક મનગમતું સ્થાન છે. અહીં અચાનક જ થયેલી છૂરાબાજીથી લોકો ઘડીભર સ્તબ્ધ બની ગયા હતા. આ છૂરાબાજી કરનાર ઉપર પોલીસે તે મૃત્યુ ન પામે, પરંતુ નાસી પણ ન શકે તે રીતે પગમાં ગોળીબાર કર્યો હતો. તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પોલીસ એવી આશા રાખે છે કે, તેની પાસેથી વધુ માહિતી મળી શકશે.
આ છૂરાબાજીમાં બે ના તો મોત થયા જ હતા, સાથે એક ત્રીજી વ્યકિતને પણ ગંભીર ઇજાઓ થઇ હતી, તેને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટના અંગે ડીટેકિટવ ચીફ સુપ્રીન્ટેન્ડન્ટ એમ્મા બોન્ડે કહ્યું હતું કે, અમારી તપાસ હજી પ્રાથમિક તબક્કામાં જ છે. આ ઘટના કયા સંજોગોમાં અને શા માટે બની તે જાણવા પ્રયત્નો ચાલુ છે. જો કે, આ ઘટના આંચકાજનક તો જરૂર છે. આ તબક્કે તો અમે માનીએ છીએ કે, આ ઘટના પાછળ કોઈ ત્રાસવાદી જૂથ હોવાનું અમે માનતા નથી, સાથે જનતાએ ખાતરી આપીએ છીએ કે, આ ઘટના એક છૂટક ઘટના હોઈ શકે તેથી જનતાને કોઈ ચિંતા કરવાનું કારણ નથી.