કેનેડા, બ્રિટન, રશિયા જેવા 31 દેશોના રાજદ્વારીઓની પેલેસ્ટાઈન મુલાકાત વચ્ચે ઈઝરાયલે કર્યું ફાયરિંગ
Israel Fires 31 Nation Diplomats: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઈઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મુદ્દે તપાસ થઈ રહી છે, એવામાં હવે ઈઝરાયલ પર પણ આરોપ લગાવવમાં આવી રહ્યો છે કે, તેણે વેસ્ટ બેન્કમાં 31 દેશના રાજદૂતો પર ફાયરિંગ કરી છે. જોકે, આ ગોળીબાર તેમને નિશાન બનાવવા માટે નહતો કરાયો, પરંતુ તેમને ચેતવણી આપવા માટે કરવામાં આવ્યો હતો કે તેમની અહીં જરૂર નથી. મળતી માહિતી મુજબ, આ હુમલો બુધવારે (21 મે) એવા સમયે થયો જ્યારે કુલ 25 રાજદ્વારીઓ ઈઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં જેનિન પહોંચ્યા. આ દરમિયાન ઈઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો હતો. હાલ આ ગોળીબારની નિંદા થઈ રહી છે.
રાજદ્વારીઓ પર ગોળીબારની કરાઈ નિંદા
સોશિયલ મીડિયા પર ઘણા ફૂટેજ પણ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ રાજદ્વારીઓ મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. આ દરમિયાન, તેમની નજીક જ ગોળીબાર કરવામાં આવે છે. જેના કારણે રાજદ્વારીઓ ગભરાઈ જાય છે અને આશ્રય લેવા માટે ભાગવા લાગે છે. આ રાજદ્વારીઓમાં 31 દેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. તેમાંથી ઘણા રાજદૂત છે અને કેટલાક દૂતાવાસના સ્ટાફ છે. આ દેશોમાં ઈટલી, કેનેડા, ઇજિપ્ત, ચીન, રશિયા, જોર્ડન, બ્રિટન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. ઘણા શક્તિશાળી દેશોના રાજદ્વારીઓ પર ચેતવણીરૂપે કરવામાં આવેલા આ ગોળીબારની વૈશ્વિક સ્તરે નિંદા થઈ રહી છે. જેના કારણે આગામી સમયમાં ઈઝરાયલને મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા
અનેક દેશોએ કર્યો વિરોધ
હકીકતમાં રાજદ્વારીઓનું આ જૂથ પેલેસ્ટાઇનની ઓથોરિટી દ્વારા આયોજિત પ્રવાસ પર ગયું હતું. પેલેસ્ટાઇનના વહીવટીતંત્રે તેમને ત્યાં માનવાધિકાર ઉલ્લંઘનની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બોલાવ્યા હતા. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, આ યાત્રા પૂર્વ મંજૂરી સાથે કરવામાં આવી રહી હતી, પરંતુ તેનો રૂટ ખોટો હતો. આ રાજદ્વારીઓ પૂર્વનિર્ધારિત માર્ગની વિરુદ્ધ જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેમને ગંભીર ચિંતાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. હવે આ મામલાએ તણાવ વધારી દીધો છે. કેનેડા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ઘણા યુરોપિયન દેશોએ ઇઝરાયલી રાજદૂતોને બોલાવીને આ ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત
22 દેશોએ ઈઝરાયલ સામે વાંધો ઉઠાવ્યો
જણાવી દઈએ કે, પહેલાથી જ યુરોપથી જાપાન સુધી કુલ 22 દેશો ઈઝરાયલનો વિરોધ કરી રહ્યા છે. આ દેશોનું કહેવું છે કે, ઈઝરાયલે હવે ગાઝામાં સૈન્ય કાર્યવાહી રોકી દેવી જોઈએ. આ સિવાય માનવીય સહાય પર પણ કોઈ પ્રકારની રોક ન લગાવવી જોઈએ. હાલ, ઈઝરાયલે માનવીય સહાયને આંશિક રૂપે જવા દીધી છે પરંતુ, હજુ સુધી સંપૂર્ણ છૂટ આપવામાં નથી આવી. જોકે, અમેરિકામાં ઈઝરાયલના દૂતાવાસના સ્ટાફની હત્યાથી તણાવ ફરી વધી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે, તેમાં હમાસ સાથે જોડાયેલા લોકો જ આ હત્યામાં સામેલ હોય શકે છે. જોકે, હજુ સુધી હમાસે આ ઘટનાની જવાબદારી નથી લીધી.