ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત
Israel vs Hamas War Updates : ગાઝામાં ઇઝરાયલે હવે હોસ્પિટલોને પણ ટારગેટ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય આક્રોશ વચ્ચે પણ ઇઝરાયેલના જારી હુમલામાં 82ના મોત થયા છે અને તેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલય અને એરિયા હોસ્પિટલોએ જણાવ્યું હતું. ઇઝરાયેલે ગાઝાવાસીઓને આખુ ઉત્તરી ગાઝા ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે.
ઇઝરાયલે અલ અવદા હોસ્પિટલ પર કરેલા ડ્રોન હુમલાના લીધે હોસ્પિટલ સ્ટાફની હિલચાલ મર્યાદિત થઈ ગઈ હતી. હોસ્પિટલના ડિરેક્ટર ફોન પર હતા ત્યારે આ હુમલો થયો હતો. આ ઉપરાંત અગાઉ ઇઝરાયલે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પર પણ હુમલો કર્યો હતો.
ઇઝરાયલના હુમલાના કારણે ગાઝાની ૨૦ લાખની વસ્તીને આરોગ્ય સેવા પૂરી પાડતી 36 હોસ્પિટલમાંથી 20 અંશત: ધોરણે માંડ-માંડ ચાલી રહી છે. ઇઝરાયેલના લશ્કરી દળો હવે ફક્ત હોસ્પિટલ પર બોમ્બાર્ડિંગ જ કરી રહ્યા છે તેવું નથી, તેના પર રીતસરનો કબ્જો જમાવી રહ્યા છે. તેની સાથે સ્ટાફના બહાર આવવા જવા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. તેમા પણ એકમાત્ર બચી ગયેલા મેડિકલ સેક્ટર અલ-અવદા હોસ્પિટલને અલગથલગ પાડી દીધું છે. તેની બધી જ કમ્યુનિકેશન ચેનલ બંધ કરી દીધી છે. આના લીધે હોસ્પિટલો માટે લોકોને તબીબી સહાય પૂરી પાડવી અઘરી પડી છે.
જો કે તેઓને સૌથી વધુ ડર તો ગમે ત્યારે ખાબકતા ઇઝરાયેલના ડ્રોનનો છે. હવે ગાઝામાં તબીબી સેવા સંપૂર્ણપણે ખતમ થઈ જાય તે દિવસો બહુ દૂર નથી. ઇઝરાયેલ આખા ગાઝાને સાફ કરવા તરફ આગળ વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આગામી દિવસોમાં ગાઝામાં હેલ્થ સર્વિસ સંપૂર્ણ ખતમ થઈ જશે. ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં યુએનના ૧૦૦થી પણ વધુ આરોગ્ય કર્મચારીઓના મોત થયા છે. આ બધા સામે ઇઝરાયેલનો દાવો છે કે હમાસના આતંકીઓ હોસ્પિટલોને કમાન્ડ સેન્ટર બનાવતા હોવાથી અમારે હુમલા કરવા પડે છે.
ઇઝરાયલ પર ગાઝામાં ચાલતુ યુદ્ધ અટકાવવું આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યુ છે. અગાઉ ૨૩ દેશોની ધમકી પછી યુકેએ ઇઝરાયેલ સાથે મુક્ત વ્યાપાર મંત્રણા સ્થગિત કરી હતી. યુકે, કેનેડા અને ફ્રાન્સે ગાઝામાં યુદ્ધ અટકાવવા માટે મજબૂત પ્લાનની તૈયારી દાખવ્યા પછી યુકેએ આ પગલું લીધું છે.
આ ઉપરાંત યુરોપીયન યુનિયનના વિદેશી નીતિના વડાએ જણાવ્યું હતું કે તેઓ ગાઝા યુદ્ધમાં ઇઝરાયેલને અટકાવવા તેની સાથે વેપાર સંબંધોની સમીક્ષા કરવાના છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે હમાસ પાસેના બધા બંધક પરત ફરે અને હમાસનો પરાજય થાય અને તે શસ્ત્રવિહીન થાય અને કદી ગાઝામાં પરત ન ફરે તો જ તે યુદ્ધ અટકાવશે. હમાસે બધા બંધકો છોડવાની યુદ્ધનો અંત લાવવાની વાત સ્વીકારી છે, પરંતુ બદલામાં ગાઝામાંથી સંપૂર્ણપણે ઇઝરાયેલના સંપૂર્ણપણે નીકળી જવાની શરત મૂકી છે. જો કે હમાસે શસ્ત્રવિહીન થવાની અને ગાઝામાંથી સંપૂર્ણપણે નીકળી જવાની વાત ફગાવી દીધી છે.
ઇઝરાયેલે મંગળવારે ગાઝામાં ડઝનેક ટ્રકો ભરેલી માનવીય સહાય ગાઝાવાસીઓ સુધી જવા દેવાની છૂટ આપી હતી, પરંતુ આ સહાય હજી સુધી ગાઝાવાસીઓ સુધી પહોંચી નથી. યુએન હ્યુમેનિટેરિયન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગાઝાના કેરેમ શેલોમ ખાતેથી કોઈપણ ટ્રક લેવામાં આવી નથી. આ સ્થળ ઇઝરાયેલી સરહદ છે જે દક્ષિણ ગાઝાને ક્રોસ કરે છે. અન્ય યુએન પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગાઝામાં સહાય સામગ્રી પ્રવેશી હોવા છતાં સહાય કામદારો તેને વિતરણ કેન્દ્રો સુધી લઈ જઈ શક્યા નથી. ઇઝરાયેલના લશ્કરે તેઓને પુરવઠો બીજી ટ્રકમાં લઈ જવાની ફરજ પાડતા કામદારોનો સમય પૂરો થઈ ગયો હતો.