Get The App

'ગમે ત્યાં છુપાય, મારી નાખીશું': ઈઝરાયલના મંત્રીએ ઈરાનના નવા સુપ્રીમ લીડરની પણ હત્યા કરવાની ધમકી આપી

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
Israel threat to Iran successor
(IMAGE - IANS)

Israel threat to Iran successor: 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું. આ ઓપરેશનને 'લાયન્સ રોર'(Lion's Roar) નામ અપાયું. 86 વર્ષના ખામેનેઈની દફનવિધિ પણ હજુ થઈ નથી અને એમના પુરોગામી નેતાની પસંદગી પણ થવાની બાકી છે, ત્યાં તો ઈઝરાયલે આકરા શબ્દોમાં ધમકી આપતાં કહ્યું છે કે, 'ઈરાનના નવા નેતા કોઈપણ હોય અને ગમે ત્યાં છુપાય, અમે એને મારી નાખીશું.' સંરક્ષણ મંત્રીએ X પર મૂકેલી પોસ્ટમાં લખાયેલી આ ધમકીથી યુદ્ધનો માહોલ ઔર ગરમાઈ ગયો છે.

ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ધમકી આપી

4 માર્ચ, 2026ના રોજ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી 'ઈઝરાયલ કાત્ઝ'એ X પર પોસ્ટ કરીને સ્પષ્ટ ધમકી આપતાં લખ્યું છે કે, 'ઈરાનના શાસન દ્વારા પસંદ કરાયેલ કોઈપણ નવો નેતા જો ઈઝરાયલનો નાશ કરવાની યોજના ચાલુ રાખશે, અમેરિકા અને વિશ્વને ધમકી આપશે અને ઈરાની લોકોને દબાવશે, તો અમે તેની હત્યા કરી દઈશું. તેનું નામ ગમે તે હોય, તે ગમે ત્યાં છુપાયેલો હોય, કોઈ ફરક પડતો નથી.'

ઈઝરાયલ કાત્ઝે એમ પણ કહ્યું છે કે, વડાપ્રધાન નેતેન્યાહૂ અને તેમણે IDF(ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ)ને ઓપરેશન 'લાયન્સ રોર'ના ઉદ્દેશ્યો પૂરા કરવા તમામ રીતે તૈયાર રહેવાની સૂચના આપી છે. એમની આ પોસ્ટથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.

સંભવિત ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ છે?

આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં નવા સર્વોચ્ચ નેતાની પસંદગીની પ્રક્રિયા ઝડપી બની છે. નેતાની પસંદગી 'નિષ્ણાતોની સભા'(Assembly of Experts)કરે છે. અહેવાલો અનુસાર, ખામેનેઈના બીજા નંબરના પુત્ર 56 વર્ષના મોજતબા ખામેનેઈને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) તેમને સમર્થન આપે છે. મોજતબા વર્ષોથી પડદા પાછળથી સત્તા સંભાળતા આવ્યા છે, પરંતુ તેઓ કોઈ જાહેર પદ પર નથી.

શું ઈરાન ડરી ગયું છે?

મોજતબાના નામને પૂરું સમર્થન હોવા છતાં હજુ સુધી સત્તાવાર પુષ્ટિ મળી નથી. તેથી એવી ચર્ચા ચાલી રહી છે કે, નવા નેતાનું નામ જાહેર કર્યા વિના જ ઈરાન લડાઈ ચાલુ રાખવા માંગે છે, જેથી ઈઝરાયલ-અમેરિકા નવા નેતાને લક્ષ્ય ન બનાવે. નવા નેતાની પસંદગી માટે નિષ્ણાતોની સભા જે સંભવિત સ્થળોએ મળે એમ હતું એ સ્થળોએ પણ ઈઝરાયલે હુમલા કર્યા હોવાથી ઈરાન નવા નેતાની પસંદગી ગુપ્ત રાખે એવી શક્યતા જણાઈ રહી છે.

આ પણ વાંચો: 

ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક અને અંતિમ સંસ્કારની તૈયારી ખામેનેઈના માનમાં ઈરાનમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના દેહને તેહરાનમાં ઇમામ ખોમેની ગ્રાન્ડ મસ્જિદમાં રાખવામાં આવ્યો છે, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારબાદ ખામેનેઈને તેમના વતન શહેર મશહદમાં દફનાવવામાં આવશે.

'ગમે ત્યાં છુપાય, મારી નાખીશું': ઈઝરાયલના મંત્રીએ ઈરાનના નવા સુપ્રીમ લીડરની પણ હત્યા કરવાની ધમકી આપી 2 - image