VIDEO : ગાઝામાં ઈઝરાયલની ફરી એરસ્ટ્રાઈક, વધુ 100 મોત; હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ વર્ષા, પાંચ દિવસમાં 320ના મોત
Israel Air Strike In Gaza : હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલે સતત ચોથા દિવસે ગાઝામાં હુમલો કરતા વધુ 100 લોકોના મોત થયા છે. ગાઝા સ્થિત આરોગ્ય કર્મચારીઓએ કહ્યું કે, ઈઝરાયલી સેનાએ શનિવારની રાતથી રવિવાર સુધી એરસ્ટ્રાઈક કરતા ઓછમાં ઓછા 103 લોકોના મોત થયા છે. ઈઝરાયલ સતત પાંચ દિવસથી ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે, જેમાં કુલ 320 લોકોના મોત થયા છે.
હોસ્પિટલો અને અનેક બિલ્ડીંગોને નુકસાન
અધિકારીઓએ કહ્યું કે, ‘ઈઝરાયલ તફથી સતત હુમલો થઈ રહ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોના મોત થયા છે. હુમલામાં હોસ્પિટલો અને અનેક બિલ્ડીંગોને પણ નુકસાન થયું છે. હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેઓ પહેલેથી જ હુમલાનો શિકાર બનેલા છે અને હવે તેઓ વધુ મુશ્કેલીમાં પડ્યા છે.’
ખાન યુનિસમાં બાળકો-મહિલા સહિત 48ના મોત
સેનાએ ગાઝાના દક્ષિણ શહેર ખાન યુનિસમાં મિસાઈલ એટેક કરતા 18 બાળકો અને 14 મહિલા સહિત 48થી વધુ લોકોના મોત થયા છે. નાસિર હોસ્પિટલે કહ્યું કે, સેનાના અનેક હુમલામાં વિસ્થિપત લોકોના શરણાર્થી શિબિરને પણ ઘણુ નુકસાન થયું છે.
જબાલિયામાં પણ 7 બાળકો સહિત 10 લોકોના મોત
એસોસિએટેડ પ્રેસે ગાઝા આરોગ્ય મંત્રાલય અને સ્થાનિક સિવિલ ડિફેન્સ તરફથી મળેલી માહિતી મુજબ કહ્યું કે, નોર્થ ગાઝાના જબાલિયામાં શરણાર્થી શિબિર પર પણ મિસાઈલ ત્રાટકી છે, જેમાં એક જ પરિવારના 9 સભ્યોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય એક હુમલામાં સાત બાળકો અને એક મહિલા સહિત 10 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : વધુ 11 શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ: IMFની પાકિસ્તાનને ચેતવણી
પાંચ દિવસમાં 320ના મોત
ઈઝરાયલ સતત ચાર દિવસથી ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલી સેનાએ 14 મેએ ઉત્તર અને દક્ષિમ ગાઝામાં હુમલા કર્યા હતા, જેમાં બે ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા છે. જ્યારે 15 મેએ ખાન યુનિસ શહેરમાં થયેલા હુમલામાં 54 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ઈઝરાયલી સેનાએ 16મેએ પણ ગાઝામાં અનેક હુમલા કરતા 93 લોકોના મોત થયા છે. એક પત્રકારે ઈન્ડોનેશિયન હૉસ્પિટલમાં 93 મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. સેનાએ 17-18 મેએ કરેલા હુમલામાં 103 લોકોના મોત થયા છે.
ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 53000 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, સાત ઑક્ટોબર-2023ના રોજ હમાસે દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરી 1200 લોકોને મારી નાખ્યા હતા. જવાબમાં ઈઝરાયલ ગાઝામાં સતત લશ્કરી કાર્યવાહી કરી હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 53,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂત થવું પડ્યું છે.
આ પણ વાંચો : યુક્રેન પર સૌથી મોટી એરસ્ટ્રાઈક, રશિયાએ એકસાથે 273 ડ્રોન વડે હુમલો કરી તબાહી મચાવી