Get The App

યુક્રેન પર સૌથી મોટી એરસ્ટ્રાઈક, રશિયાએ એકસાથે 273 ડ્રોન વડે હુમલો કરી તબાહી મચાવી

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
યુક્રેન પર સૌથી મોટી એરસ્ટ્રાઈક, રશિયાએ એકસાથે 273 ડ્રોન વડે હુમલો કરી તબાહી મચાવી 1 - image


Russia Air Strike On Ukraine: રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના શહેરોમાં તબાહી મચાવતાં 273 ડ્રોન વડે હુમલા કર્યા છે. આ હુમલાને યુક્રેનના અધિકારીઓએ અત્યારસુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો ગણાવ્યો છે. કીવમાં એક મહિલાનું મોત થયુ છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. 

યુક્રેનની વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, રશિયાએ મોટાભાગના હુમલા કીવના કેન્દ્રીય ક્ષેત્ર અને દેશના પૂર્વીય ભાગોમાં કર્યા છે. અગાઉ ફેબ્રુઆરી, 2025માં પણ રશિયાએ 267 ડ્રોન હુમલા કર્યા હતા. આજે 273 ડ્રોન વડે હુમલો કર્યો છે.

તુર્કીમાં શાંતિ વાર્તા નિષ્ફળ

હાલમાં જ તુર્કીના ઈસ્તંબુલમાં રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા શાંતિ વાર્તા થઈ હતી. જો કે, આ વાર્તા નિષ્ફળ રહી હતી. બંને પક્ષોએ માત્ર પોતાના કેદીઓના આદાન-પ્રદાન પર મંજૂરી દર્શાવી હતી. પરંતુ યુદ્ધ વિરામ પર કોઈ સહમતિ થઈ ન હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે સોમવારે યુદ્ધ વિરામ મુદ્દે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે. 

આ પણ વાંચોઃ કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકમાં બોમ્બ બ્લાસ્ટ, એકનું મોત, FBIએ આતંકવાદી કૃત્ય ગણાવ્યું

વહેલી સવારે કર્યો હુમલો

રશિયાએ આજે રવિવારે વહેલી સવારે કીવમાં ડ્રોન વડે હુમલાઓ શરૂ કર્યા હતા. જેમાં ઓબુખિવ જિલ્લામાં 28 વર્ષીય મહિલાનું મોત થયુ હતું. જ્યારે ચાર વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ હુમલામાં અનેક ઈમારતોને નુકસાન થયુ હતું. 

88 ડ્રોન પાડી નાખ્યાઃ યુક્રેન

રશિયાના હુમલાનો યુક્રેનને મજબૂતીથી જવાબ આપ્યો હતો. યુક્રેનના વાયુસેનાએ જણાવ્યા પ્રમાણે, તેણે રશિયાના 88 ડ્રોન પાડી નાખ્યા હતાં. જ્યારે 128 ડ્રોન કોઈપણ નુકસાન કર્યા વિના જ જમીન પર પટકાયા હતાં. કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં નવ કલાક સુધી હવાઈ હુમલો થવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. યુક્રેનના ડિસઈન્ફોર્મેશન સેન્ટરના પ્રમુખ આંદ્રેઈ કોવોલેન્કોએ જણાવ્યું હતું કે, રશિયા હંમેશા શાંતિ મંત્રણા દરમિયાન યુદ્ધનો આધાર લઈ ડરાવવાનો પ્રયાસ કરે છે.

રશિયાના અવારનવાર હુમલા

રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરારની બેઠકો વચ્ચે રશિયા અવારનવાર યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. હાલમાં જ યુક્રેનના સુમીમાં એક બસ પર ડ્રોન વડે હુમલો કરતાં નવ લોકો માર્યા ગયા હતાં. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ આ હુમલાને જાણી જોઈને હાથ ધરાયેલુ કૃત્ય ગણાવતાં રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની માગ કરી હતી.


યુક્રેન પર સૌથી મોટી એરસ્ટ્રાઈક, રશિયાએ એકસાથે 273 ડ્રોન વડે હુમલો કરી તબાહી મચાવી 2 - image

Tags :