વધુ 11 શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ: IMFની પાકિસ્તાનને ચેતવણી
IMF Put 11 Conditions On Pakistan For Next Bailout: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પાકિસ્તાનની એક અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આતંકવાદને આશરો આપનારા દેશને નાણાકીય સહાય કરતાં વિશ્વભરમાં આઈએમએફની ટીકા થઈ હતી. જો કે, આઈએમએફએ આ લોનનો પહેલો હપ્તો જારી કરતાં પહેલાં જ 11 નવી શરતો મૂકતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી છે.
જો શરતો પૂરી નહીં થાય તો...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને મોટી લોન આપ્યા પછી IMF કદાચ પોતાના નાણાં અટવાઈ જવાનો ભય અનુભવી રહ્યું છે. જેથી IMFએ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો રજૂ કરતાં પહેલાં જ પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે. આ સાથે પાકિસ્તાન પર કુલ શરતો વધીને 50 થઈ છે. IMF દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં.
IMFની કુલ 2.4 અબજ ડોલરની સહાય
ભારત અને પાકિસ્તાનન વચ્ચે જ્યારે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા હતા, ત્યારે આઈએમએફએ પાકિસ્તાનની 1 અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આ સાથે IMFએ હાલના 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ હેઠળ પાકિસ્તાન માટે ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન માટે 1.4 અબજ ડોલરની વધારાની રકમ પણ મંજૂર કરી છે. આમ IMF તરફથી પાકિસ્તાનને કુલ 2.4 અબજ ડોલરની સહાય મળી હતી. આ સહાયથી વિશ્વભરમાં IMF સામે રોષ જોવા મળ્યો હતો.
આઈએમએફએ આ શરતો મૂકી
IMF દ્વારા લાવવામાં આવેલી નવી શરતો પર નજર કરીએ, તો તેમાં સંસદ દ્વારા 17.6 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ ફેડરલ બજેટને મંજૂરી આપવાનો છે, વીજળીના બિલ પર ઊંચો સરચાર્જ લાદવાની શરત પણ મૂકવામાં આવી છે. હાલમાં, પાકિસ્તાનના આયાત નિયમો ફક્ત 3 વર્ષ સુધી જૂની કારની આયાતને મંજૂરી આપે છે, તેને 5 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. વધુમાં, સરકારે 2035 સુધીમાં સ્પેશિયલ ટેક ઝોન અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે પ્રોત્સાહનો તબક્કાવાર બંધ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવો પડશે. તેનો અહેવાલ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો છે.
આ પણ વાંચોઃ યુક્રેન પર સૌથી મોટી એરસ્ટ્રાઈક, રશિયાએ એકસાથે 273 ડ્રોન વડે હુમલો કરી તબાહી મચાવી
એનર્જી સેક્ટર માટે પણ શરતો
- 1 જુલાઈ 2025 સુધીમાં વાર્ષિક વીજળીના દરમાં સુધારો કરવાની સૂચના જારી કરવી.
- 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં અર્ધવાર્ષિક ગેસ ટેરિફ સમાયોજન.
- મે મહિનાના અંત સુધીમાં કેપ્ટિવ પાવર લેવી વટહુકમ લાગુ કરવા માટે કાયમી કાયદો લાવવો.
- જૂનના અંત સુધીમાં ડેટ સર્વિસ સરચાર્જ પર પ્રતિ યુનિટ રૂ. 3.21 મર્યાદા દૂર કરવી.
બજેટ IMFના લક્ષ્યો સાથે સુસંગત હોવું જોઈએ
IMFના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનનું આગામી સંરક્ષણ બજેટ 2,414 અબજ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા 12% વધુ છે, પરંતુ તાજેતરમાં શાહબાઝ શરીફ સરકારે આ મહિનાની શરૂઆતમાં તેમાં 2,500 અબજ રૂપિયા એટલે કે 18% વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે IMFના રાજકોષીય સંતુલન લક્ષ્યની વિરુદ્ધ છે. સંસદને IMF લક્ષ્યોને અનુરૂપ જૂન 2025 સુધીમાં 2026નું બજેટ પસાર કરવા જણાવ્યું છે.