- વાસ્તવમાં અમે ઈરાનને પરાજિત કરી જ દીધું છે તેમ છતાં યુદ્ધ પુરું થયું છે : તેમ કહી શકાય નહીં : અમેરિકી પ્રમુખ
એરફોર્સ-વનમાં : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઈરાનનાં લશ્કરને એટલી હદે નુકસાન થયું છે કે, તેને બેઠા થતાં આશરે ૧૦ વર્ષ લાગશે. રવિવારે (અમેરિકી સમય પ્રમાણે) એન્ડયુ એસ્લેએ તરફ જતાં પ્રમુખ માટેના ઉડતા કિલ્લા જેવા વિમાન એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે, આમ છતાં આ યુદ્ધ પુરૂ થયું છે તેમ વિધિવત કહી શકાય નહીં. અમે તેને અત્યારે જ ઘણું નુકસાન કર્યું છે. જો અત્યારે પણ ત્યાંથી નીકળી જઈએ તો પણ તેને બેઠા થતાં બીજા ૧૦ વર્ષ લાગશે.
પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, હકીકતમાં અમે ઈરાનને પરાજિત કર્યું છે. તેના એક પછી એક નેતાઓને પણ ખતમ કર્યા છે. તેના એક-બે-ત્રણ નેતાઓને તો ખતમ કર્યા જ છે પરંતુ વધુ સંખ્યા તો હવે જાણી શકાશે. તેઓએ ઈરાનના તેલ ભર્યા ટાપુ ખર્ગ ટાપુ ઉપરના હુમલાનો પણ આ સાથે ઉલ્લેખ કર્યો હતો. ત્યાં તેલ લઈ જતા પાઇપ્સ પણ છે. પરંતુ તે તો પાંચ મિનિટમાં જ તોડી નખાય તેમ છે. તેઓ મંત્રણા કરવા હવે ખરેખર ઇચ્છે છે. પરંતુ તેમણે જે કરવું જોઈએ તે તો કરતા નથી. તેથી યુદ્ધ ખેંચાઈ રહ્યું છે.
દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પનાં ઉકત નિવેદનને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે, ઈરાને કદી મંત્રણા કરવાની માગણી કરી જ નથી. અમે અમેરિકાનાં આ ગેરકાયદે યુદ્ધનો બરોબર સામનો કરતા જ રહીશું, જ્યાં સુધી યુદ્ધ ચાલશે ત્યાં સુધી લડતા રહીશું અને અમારૃં રક્ષણ કરતા રહીશું.
ટૂંકમાં આ યુદ્ધનો તત્કાળ જો કોઈ ઉકેલ આવે તેમ નિરીક્ષકો માનતા નથી.


