ઈરાનની દરિયાઈ ચાંચિયાગીરી!, હોર્મુઝમાં UAEના 2 સરકારી ઓઈલ ટેન્કરો પર ડ્રોન એટેક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UAE Accuses Iran Of Drone Attack On ADNOC: યુનાઈટેડ અરબ અમીરાત (UAE)એ ઈરાન પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) માંથી પસાર થઈ રહેલા તેની સરકારી ઓઈલ કંપની ADNOCના બે ઓઈલ ટેન્કરો પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે. UAEના વિદેશ મંત્રાલયે શુક્રવારે આ હુમલાઓને 'દરિયાઈ ચાંચિયાગીરી' ગણાવ્યા છે. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે.
2 ટેન્કરો પર હોર્મુઝમાં કરાયો હુમલો
ADNOC એ જણાવ્યું કે તેની માલિકીના બે ટેન્કરો પર ગુરુવારે સાંજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ, હુમલામાં કોઈને ઈજા થઈ નથી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લેવામાં આવી છે. બ્રિટનની સેનાના UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે પણ પુષ્ટિ કરી છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વખતે બે જહાજો પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને નજીવું નુકસાન થયું છે.
UAE એ ઈરાનને ગણાવ્યું જવાબદાર
UAEના વિદેશ મંત્રાલયે આ હુમલાઓ માટે સીધી રીતે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. મંત્રાલયે આ ઘટનાને દરિયાઈ અવરજવરની સ્વતંત્રતાના સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આર્થિક દબાણ કે બ્લેકમેલના હથિયાર તરીકે ઉપયોગ કરવો એ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) દ્વારા કરવામાં આવતી દરિયાઈ ચાંચિયાગીરી છે. આ પ્રકારની કાર્યવાહી પ્રાદેશિક સ્થિરતા, અહીં રહેતા લોકો અને સમગ્ર વિશ્વની ઉર્જા સુરક્ષા માટે સીધો ખતરો છે. જોકે, ઈરાન તરફથી આ આરોપો અંગે તરત જ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફારસની ખાડીને ખુલ્લા સમુદ્ર સાથે જોડે છે, અને વિશ્વના મુખ્ય ઉર્જા માર્ગોમાં સામેલ છે. અહીં કોઈ પણ પ્રકારના સૈન્ય તણાવ, વૈશ્વિક તેલ અને ઉર્જા પુરવઠાને પ્રભાવિત કરી શકે છે.
શાંતિ વાટાઘાટો માટે મિડલ ઈસ્ટ જશે જેરેડ કુશ્નર
દરમિયાન, ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર આવતા અઠવાડિયે મિડલ ઈસ્ટની મુલાકાત લેશે. તેમનો ઉદ્દેશ્ય ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાઓને આગળ વધારવાનો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક કરારને ઈઝરાયલ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિમાં કુશ્નરની આ યાત્રાને વાટાઘાટો આગળ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ટ્રમ્પ તરફથી ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની દેખરેખ માટે બનાવાયેલા 'બોર્ડ ઓફ પીસ' ના એક અધિકારીના જણાવ્યા મુજબ, કુશ્નર સાથે બોર્ડના વરિષ્ઠ પ્રતિનિધિ નિકોલાઈ મ્લાદેનોવ અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર પણ યાત્રા કરશે. આ ત્રણેય નેતાઓ રવિવારે ઈઝરાયલ પહોંચે તેવી શક્યતા છે, અને ત્યારબાદ તેઓ ઇજિપ્તની રાજધાની કાહિરા જશે.









