માફી ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સંપર્કમાં હોવાનો દાવો
શમિમ માફીએ મોહજેર-૬ ડ્રોન, બોમ્બ ફ્યુઝ, દારૂગોળા માટે 7 કરોડ ડોલરના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો આરોપ
કેલિફોર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની અમેરિકન એટર્નીની ઓફિસે ઈરાની મૂળની ૪૪ વર્ષીય શમિમ માફી પર ગેરકાયદે રીતે હથિયારોના સોદા કરવાનો આરોપ મૂક્યો છે. માફી પર આરોપ મૂકાયો છે કે તેણે એટલાસ ઈન્ટરનેશનલ બિઝનેસ નામની ઓમાનમાં રજિસ્ટર્ડ ફ્રન્ટ કંપનીનો ઉપયોગ કરીને ૨૦૨૫માં હથિયારોનો સોદો કર્યો હતો.
અમેરિકન સત્તાવાળાઓએ શમિમ માફી પર મોહજેર-૬ હુમલાખોર ડ્રોન માટે સાત કરોડ ડોલરના ટ્રાન્ઝેક્શન થયાનો દાવો કર્યો છે. આ ડ્રોન ઈસ્લામિક રાષ્ટ્રના સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોના લોજિસ્ટિક્સમાંથી મેળવેલા ઈરાની લશ્કરી ગ્રેડના માનવરહિત ડ્રોન છે. આ જ નેટવર્કે કથિત રીતે સુદાનના સંરક્ષણ મંત્રાલયમાં ૫૫,૦૦૦ બોમ્બ ફ્યુઝ ખસેડયા હતા, જે ૨૦૨૩થી ગૃહયુદ્ધમાં સપડાયેલું છે.
ફરિયાદ પક્ષે જણાવ્યું છે કે શમિમ માફી પાસે આ પ્રકારના હથિયારોના સોદા કરવાની કોઈ કાયદાકીય મંજૂરી નહોતી. કોર્ટ ફાઈલિંગ્સમાં નોંધવામાં આવ્યું છે કે માફી ડિસેમ્બર ૨૦૨૨થી જૂન ૨૦૨૫ વચ્ચે ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સીધા સંપર્કમાં હોવાનું તેના ફોન રેકોર્ડ્સ દર્શાવે છે. માફીએ ૨૦૧૩માં ઈરાન છોડી દીધું હતું અને ૨૦૧૬માં તેણે અમેરિકાનું કાયમી નાગરિકત્વ મેળવ્યું હતું. જોકે, માફીએ ઈરાનની સરકાર તરફથી ક્યારેય પણ અમેરિકામાં કોઈપણ પ્રવૃત્તિ કરી હોવાનો ઈનકાર કર્યો હતો.
ફરિયાદ પક્ષે આરોપ મૂક્યો છે કે ૨૦૨૦માં ઈરાનની ઓથોરિટીએ શમિમ માફીને તેના પિતા તરફથી વારસામાં મળેલી મિલકતો જપ્ત કરી લીધી હતી. ત્યાર બાદ ઈરાનના જાસૂસી મંત્રાલયે તેને પોતાની મિલકતો પાછી મેળવવા માટે અમેરિકામાં કારોબાર શરૂ કરવાનું જણાવ્યું હતું. તાજેતરના વર્ષોમાં સુદાનના સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેના સંઘર્ષ સહિત કેટલાક સંઘર્ષોમાં મોહાજેર-૬ ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું જોવા મળ્યું છે.


