Get The App

શાંતિ વાર્તામાં ડખો ! બેઠકમાં ટ્રમ્પે આકરા શબ્દો બોલતા ઈરાને ચાલતી પકડી, કહ્યું- ‘લેબનોન મુદ્દે ઉકેલાયા વગર કોઈ વાત નહીં’

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
શાંતિ વાર્તામાં ડખો ! બેઠકમાં ટ્રમ્પે આકરા શબ્દો બોલતા ઈરાને ચાલતી પકડી, કહ્યું- ‘લેબનોન મુદ્દે ઉકેલાયા વગર કોઈ વાત નહીં’ 1 - image

US Iran Peace Talks Collapse : સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય શાંતિ વાર્તામાં મોટો વળાંક આવ્યો છે અને આ વાટાઘાટો ફરી એકવાર ખોરવાઈ ગઈ છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીએ વિશ્વસ્ત સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સૈન્ય હુમલાની ધમકીઓના વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળે રવિવારે વાર્તા અધવચ્ચે જ છોડી દીધી હતી. ટ્રમ્પના કડક વલણ અને લશ્કરી કાર્યવાહીની ધમકી બાદ ઈરાની પક્ષે તેને વાતચીતના માહોલની વિરુદ્ધ ગણાવીને મીટિંગ હોલમાંથી બહાર નીકળી ગયા છે.

ઈરાની પ્રતિનિધિમંડળે શું કહ્યું?

ઈરાની પ્રતિનિધિમંડળના સભ્ય મેહદી ગોર્બનઝાદેહે સરકારી મીડિયાને જણાવ્યું કે, 'જ્યાં સુધી લેબનાનની સ્થિતિનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અન્ય કોઈ મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં. જો લેબનાનમાં યુદ્ધનો અંત નહીં આવે તો અન્ય વિષયો પર વાર્તા આગળ વધશે નહીં.'

ચાલુ વાતચીત દરમિયાન ટ્રમ્પે ભીષણ હુમલાની ધમકી આપી

ટ્રમ્પે ચાલુ શાંતિ વાર્તા દરમિયાન ઈરાન પર સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે. સ્વિટ્ઝરલેન્ડમાં જે સમયે પ્રથમ રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી, બરાબર તે જ સમયે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લેબનોનની સ્થિતિ અને હિઝબુલ્લાહ તરફ ઈશારો કરતા પોતાના પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર ઈરાનને ધમકાવતી એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, ‘ઈરાને લેબનોનમાં પોતાના ભારે ફંડિંગવાળા પ્રોક્સી (પગારદાર સંગઠન) જૂથોને તાત્કાલિક રોકવા પડશે. જો ઈરાન આવું નહીં કરે, તો અમે ઈરાન પર ફરીથી બહુ મોટો હુમલો કરીશું, જે ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા કરાયેલા હુમલા કરતાં પણ વધુ જોરદાર, શક્તિશાળી અને ભીષણ સૈન્ય હુમલો હશે.’


આ પણ વાંચો : અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં નવો વિવાદ ! એનરિચમેન્ટ મામલે બંને દેશો વચ્ચે ટકરાવ

ઈરાનને ગુસ્સો કેમ આવ્યો?

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી પ્રારંભિક ડીલમાં લેબનોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલની લાંબા સમયથી લડાઈ ચાલી રહી હોવાથી, ઈરાને આ સમજૂતીમાં લેબનોનમાં યુદ્ધવિરામની શરત રખાવી હતી. આ સમજૂતી છતાં ઈઝરાયલે લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા છે, જેનાથી ઈરાન રોષે ભરાયું છે અને તેણે હોર્મુઝ જળમાર્ગ ફરીથી બંધ કરવાની ચેતવણી આપી છે. આ વિવાદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનું વલણ બદલીને ઈરાનને સીધી ધમકી આપી દીધી છે.

બીજી તરફ, ફોક્સ ન્યૂઝ સાથે ફોન પર થયેલી વાતચીતમાં ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની ઈરાનની ધમકી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો જરૂર પડશે તો અમેરિકા આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર પોતાનું નિયંત્રણ મેળવી શકે છે. આ જ ધમકીઓને કારણે ઈરાની પ્રતિનિધિમંડળ વાર્તા અધવચ્ચે છોડીને હોલની બહાર નીકળી ગયું હતું.

ડીલમાં લેબનોનને સામેલ કરાતા ઈઝરાયલ ભડક્યું

ઈઝરાયલનું વારંવાર કહેવું હતું કે, લેબનોનના હિઝબુલ્લાહ જૂથથી તેની સુરક્ષાને મોટો ખતરો છે, તેથી અમેરિકા-ઈરાન સમજૂતીમાં લેબનોનને સામેલ ન કરવું જોઈએ. અમેરિકાએ અત્યાર સુધી આ દલીલ સ્વીકારી નહોતી અને સમગ્ર મિડિલ ઈસ્ટમાં શાંતિ પર ભાર મૂક્યો હતો. પરંતુ રવિવારે ટ્રમ્પની આ નવી પોસ્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે, તેઓ હવે હિઝબુલ્લાહને મોટો ખતરો ગણાવતી ઈઝરાયલની વાત સાથે સહમત થઈ રહ્યા છે અને ઈઝરાયલને છૂટો દોર આપવાના મૂડમાં છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ

શાંતિ વાર્તા વખતે યુરેનિયમ મામલે પણ વિવાદ

શાંતિ વાર્તા સત્તાવાર રીતે શરૂ થતાંની સાથે જ યુરેનિયમ એનરિચમેન્ટના મુદ્દે બંને દેશો સામસામે આવી ગયા હતા. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસુદ પેઝેશકિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમનો દેશ પરમાણુ હથિયાર બનાવવા નથી માંગતો, પરંતુ તે યુરેનિયમ એનરિચ કરવાનો પોતાનો હક કોઈ સંજોગોમાં નહીં છોડે. બીજી તરફ, વ્હાઈટ હાઉસ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા સંપૂર્ણપણે રોકવા માંગે છે અને તેના પર કડક નિયંત્રણો લાદવા દબાણ કરી રહ્યું છે. IAEA ના રિપોર્ટ અનુસાર, ઈરાન પાસે આશરે 440 કિલોગ્રામ યુરેનિયમનો સ્ટોક છે, જે 60% શુદ્ધતા સુધી એનરિચ્ડ છે અને તે પરમાણુ હથિયાર બનાવવાના લેવલની ખૂબ જ નજીક છે.

ઈરાનને 6 અબજ ડૉલર પરત મળવાનો દાવો

મીટિંગ ખોરવાઈ તે પહેલાં, ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની વચ્ચે થયેલા 60-દિવસની વાટાઘાટોના સમજૂતી કરારની બધી શરતો ઈરાનના પક્ષમાં છે. આ સમજૂતી હેઠળ કતારમાં ફ્રીઝ કરાયેલા ઈરાનના 6 અબજ ડોલરનું ફંડ તેહરાનને પરત સોંપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમાણુ બોમ્બ ન હોવો જોઈએ તેવી અમેરિકાની શરત આપણને મંજૂર છે, કારણ કે આપણને બોમ્બ જોઈતો જ નથી. આ વાર્તાની સફળતાથી ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સૌથી વધુ નાખુશ થશે.

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા? આકાશથી સમુદ્ર સુધી તાઈવાન ઘેરાયું, ચીનના ફાઈટર જેટ્સ અને યુદ્ધજહાજો તૈનાત!

પાકિસ્તાનની મધ્યસ્થતા અને હાઈ-લેવલ નેતાઓની હાજરી

સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક રિસોર્ટ અને જ્યુરિખ ખાતે ચાલી રહેલી આ રાજદ્વારી મિશનમાં પાકિસ્તાન મુખ્ય મધ્યસ્થી અને ગેરંટી આપનાર તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. આ બેઠકોમાં ભાગ લેવા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ ત્યાં હાજર છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નર ટેકનિકલ પાસાઓ સંભાળી રહ્યા છે. જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી કરી રહ્યા છે. જોકે, રવિવારે ટ્રમ્પની નવી ધમકીએ આ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દીધા છે.