Get The App

'... તો ડિમોના પરમાણુ સાઈટ પર હુમલો કરીશું', ઈઝરાયલ-અમેરિકાને ઈરાનની મોટી ધમકી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
Iran threatens to target Dimona nuclear site

Iran threatens to target Dimona nuclear site: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ISNAના અહેવાલ મુજબ, જો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ ઈરાનમાં સત્તા પરિવર્તન એટલે કે 'રેઝિમ ચેન્જ' કરવાની વ્યૂહનીતિ પર આગળ વધશે, તો ઈરાન વળતા પ્રહારમાં ઈઝરાયલના 'ડિમોના' પરમાણુ મથકને નિશાન બનાવશે. આ ધમકીએ વૈશ્વિક સ્તરે ફફડાટ ફેલાવી દીધો છે.

શાસન ઉથલાવી દેવા માટે આરપારની લડાઈના એંધાણ

આ ગંભીર ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની જનતા માટે વર્તમાન શાસનને બદલવાની તક ઊભી કરવાનો છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેમણે મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી ઈરાનમાં સત્તા પલટો ન થાય ત્યાં સુધી આ જંગ ચાલુ રાખવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત કરતા ટ્રમ્પે ઈરાની જનતાને આહવાન કર્યું હતું કે, 'આ પેઢીઓ પછી મળેલી એકમાત્ર તક છે, હુમલા અટક્યા બાદ પોતાની સરકાર પર કબજો મેળવી લો.'

ચારેબાજુથી ઘેરાયું ઈરાન: સૈન્ય માળખું વેરવિખેર

બીજી તરફ, ઈરાનનું શાસન હાલમાં અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મુકાયું છે. ઈઝરાયલ અને અમેરિકાના સચોટ હુમલાઓએ ઈરાનના ટોચના સૈન્ય નેતાઓથી લઈને મધ્યમ સ્તરના કમાન્ડરો અને કમાન્ડ સેન્ટરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી ભલે આને માત્ર સત્તા પરિવર્તનનું યુદ્ધ ન ગણાવતા હોય, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.

તેહરાનમાં ભારે તારાજી: પોલીસ સ્ટેશનો પર નિશાન

'બેલિંગકેટ'ના સેટેલાઈટ ઈમેજ વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, એકલા તેહરાનમાં જ ઓછામાં ઓછા 15 પોલીસ સ્ટેશનોને તોડી પાડવામાં આવ્યા છે. આ પાછળની ખાસ વ્યૂહનીતિ એ છે કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) અને સ્થાનિક પોલીસની શક્તિને એટલી નબળી પાડી દેવી કે તેઓ સામાન્ય જનતાના સંભવિત વિરોધ પ્રદર્શનોને દબાવી ન શકે. વોશિંગ્ટન અને જેરુસલેમે હવે ઈરાનના શાસનને પાયામાંથી હલાવી દેવા માટેની પૂરી તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચો: 'ઈઝરાયલ માટે કોઈ લડવા નથી માંગતું...' અમેરિકન સેનેટમાં પૂર્વ સૈનિકે ઈરાન યુદ્ધનો વિરોધ કર્યો

ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર તોળાતો ખતરો

ઈરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીએ ખુલ્લી ચેતવણી આપી છે કે તેમનું નિશાન ઈઝરાયલનું મુખ્ય પરમાણુ સંશોધન કેન્દ્ર 'ડિમોના' છે. એટલું જ નહીં, જો સત્તા પરિવર્તનનો પ્રયાસ અટકાવવામાં નહીં આવે, તો ઈરાન પોતાની ઘાતક મિસાઈલો દ્વારા સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાયેલા તમામ ઊર્જા માળખા(Energy Infrastructure)ને પણ ધ્વસ્ત કરી દેશે. ઈરાનનો દાવો છે કે તેઓ આ પ્રકારની આરપારની લડાઈ માટે અગાઉથી જ સજ્જ છે.

હવે જોવાનું એ રહે છે કે, શું ઈરાનની આ 'પરમાણુ ધમકી' ટ્રમ્પ અને નેતન્યાહૂને રોકી શકશે કે પછી મધ્ય પૂર્વ એક ભયાનક મહાયુદ્ધ તરફ ધકેલાશે?

'... તો ડિમોના પરમાણુ સાઈટ પર હુમલો કરીશું', ઈઝરાયલ-અમેરિકાને ઈરાનની મોટી ધમકી 2 - image