America-Iran Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israel PM Benjamin Netanyahu) વચ્ચે ફ્લોરિડાના માર-એ-લાગોમાં યોજાયેલી મહત્વની બેઠક બાદ પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ મુલાકાત બાદ ટ્રમ્પે ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી હતી, જેના વળતા જવાબમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને (Iran President Masoud Pezeshkian) અમેરિકાને ધમકી આપી છે.
ઈરાનની અમેરિકાને ધમકી
પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, ‘જો કોઈ હુમલો થયો તો હુમલાખોરે પછતાવું પડશે. ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન કોઈપણ આક્રમણનો અત્યંત સખત અને પછતાવો થાય તેવો જવાબ આપવા સક્ષમ છે.’
...તો અમે શક્તિશાળી હુમલો કરીશું : ટ્રમ્પની ઈરાનને ધમકી
ફ્લોરિડામાં નેતન્યાહુ સાથેની આ વર્ષની પાંચમી મુલાકાત દરમિયાન ટ્રમ્પે ઈરાનના મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમ અંગે આકરા તેવર બતાવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘જો ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકા તેના પર અગાઉ કરતા પણ વધુ શક્તિશાળી લશ્કરી હુમલો કરી શકે છે. વોશિંગ્ટન તેહરાનની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જો ઈરાન ન સુધર્યું તો તેના પરિણામો ખૂબ જ ભયાનક આવશે. જો ઈરાન હથિયારો બનાવવાનું ચાલુ રાખશે તો અમે ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હુમલાને પણ સંપૂર્ણ સમર્થન આપીશું.’
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે, અમેરિકાની ભવિષ્યવાણી
જૂન-2025માં ત્રણે દેશો વચ્ચે સંઘર્ષ થયો હતો
ઉલ્લેખનિય છે કે, આ અગાઉ જૂન-2025માં પણ ઈઝરાયલ-ઈરાન-અમેરિકા વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. 13 જૂને ઈઝરાયલ દ્વારા ઈરાનના વિવિધ ઠેકાણાઓ પર 12 દિવસ સુધી સતત હુમલા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 22 જૂને અમેરિકાએ ઈરાનના નતાન્ઝ, ફોર્ડો અને ઈસ્ફહાન સ્થિત ત્રણ મુખ્ય પરમાણુ કેન્દ્રો પર બોમ્બમારો કર્યો હતો. ટ્રમ્પના મતે ગત વખતે ઈરાનને સમજૂતી કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ હવે જો તે ફરીથી સૈન્ય તાકાત વધારવાનો પ્રયાસ કરશે તો અમેરિકા પાસે તેને તાત્કાલિક નેસ્તનાબૂદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.
આ પણ વાંચો : એસ.જયશંકર બાંગ્લાદેશ જશે, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે


