Get The App

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો 'વાતચીત'નો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, કહ્યું - ક્યારેય નહીં...

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો 'વાતચીત'નો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, કહ્યું - ક્યારેય નહીં... 1 - image

Donald Trump and Iran : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે રાજદ્વારી મોરચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાની વચ્ચે વાટાઘાટોને લઈને વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.

ટ્રમ્પનો વાટાઘાટોનો દાવો અને ઈરાનનો સ્પષ્ટ ઇન્કાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનનું નવું નેતૃત્વ તેમની સાથે વાતચીત કરવા ઇચ્છે છે અને તેઓ પણ આ માટે સહમત થયા છે. જોકે, ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરીશું નહીં." લારીજાનીનું આ નિવેદન ટ્રમ્પના દાવાને સીધેસીધું નકારે છે અને બંને દેશો વચ્ચેની તિરાડ વધુ સ્પષ્ટ કરે છે.

'તેમણે મોડું કરી દીધું'– ડોનાલ્ડ ટ્રમ્પ

ફ્લોરિડા સ્થિત પોતાના નિવાસસ્થાનેથી 'ધ એટલાન્ટિક' મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના નેતાઓએ વહેલી તકે સંપર્ક કરવો જોઈતો હતો. તેમણે ઉમેર્યું કે, "તેઓ હવે વાત કરવા માંગે છે અને હું પણ તૈયાર છું, પરંતુ તેમણે આ કામ ઘણું વહેલું કરી લેવું જોઈતું હતું. તેઓએ ઘણો લાંબો સમય રાહ જોઈ છે અને હવે રમત તેમના માટે અઘરી બની ગઈ છે." ટ્રમ્પે એવો પણ ઉલ્લેખ કર્યો કે અગાઉ વાટાઘાટોમાં સામેલ ઘણા લોકો હવે હયાત નથી, જે ઈરાન પરના તાજેતરના સૈન્ય હુમલાઓ તરફ ઇશારો કરે છે.

4થી 5 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલવાનો અંદાજ

સૈન્ય કાર્યવાહી અંગે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે આ સંઘર્ષ હજુ 4થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેમણે કહ્યું કે, ઈરાન એક મોટો દેશ છે અને તેની સામેની સૈન્ય પ્રક્રિયા પૂર્ણ થવામાં આટલો સમય લાગી શકે છે. ટ્રમ્પના મતે યુએસ સૈન્ય જરૂર પડ્યે પોતાની કામગીરી ચાલુ રાખશે, ભલે તેઓ કૂટનીતિ માટે દરવાજા ખુલ્લા હોવાનું કહેતા હોય.

ઈરાનમાં રાજકીય અનિશ્ચિતતા અને નવું નેતૃત્વ

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ તેહરાનમાં રાજકીય સ્થિતિ અસ્થિર બની છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું છે કે દેશની સર્વોચ્ચ સત્તા ચલાવવા માટે એક કામચલાઉ કાઉન્સિલની રચના કરવામાં આવી છે, જેમાં તેઓ પોતે, ન્યાયતંત્રના વડા અને ગાર્ડિયન કાઉન્સિલના એક સભ્ય સામેલ છે. ખામેનેઈના અવસાન બાદ ઈરાનની ભાવિ દિશા અને અમેરિકા સાથેના તેના સંબંધો અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.