ટ્રમ્પ-મુનીરની મુલાકાતથી ઈરાન ભડક્યું, પાકિસ્તાનને ધમકી આપી કહ્યું, ‘જંગમાં કૂદ્યા તો...’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Threat to Pakistan : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે હવે પાકિસ્તાન સંકટમાં મુકાઈ ગયું છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીર વચ્ચે વ્હાઈટ હાઉસમાં ભોજન અને બેઠક યોજાઈ હતી. ત્યારબાદ યુદ્ધમાં પાકિસ્તાન પણ કોઈ ભૂમિકા ભજવે, તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાનને ચેતવણી આપી છે. નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન જાવેદ હુસેનીએ શુક્રવારે (20 જૂન) કહ્યું છે કે, જો યુદ્ધમાં કોઈ ત્રીજો દેશ સામેલ થશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમને આશા છે કે, પાકિસ્તાન અમારી સાથે ઉભી રહેશે. પાકિસ્તાને સમજવાનું રહેશે કે, જો ઈઝરાયલને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં અન્ય દેશોને હુમલા જોવાની નોબત ઉભી થશે.
‘યુદ્ધમાં ત્રીજો પક્ષ આવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે’
જાવેદ હુસેનીએ કહ્યું કે, ‘જો ઈઝરાયલ-ઈરાન સંઘર્ષમાં કોઈ ત્રીજો પક્ષ આવશે તો વધુ ભયાનક સ્થિતિ સર્જાશે. અમારી પાસે કેટલીક રહસ્યમય શક્તિઓ છે અને અમે તેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખી છે. તેથી અમે ચેતવણી આપી રહ્યા છે કે, જો તેમાં ત્રીજો કોઈ દેશ સામેલ થશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.’ હુસેનીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આમંત્રણ આપ્યા બાદ પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir) વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. અહીં ટ્રમ્પ-મુનીરે સાથે ભોજન લીધા બાદ ચર્ચા-વિચારણા પણ કરી હતી.
આ પણ વાંચો : તાઈવાને વિવાદિત ક્ષેત્રમાં યુદ્ધ જહાજ તહેનાત કરતા ચીન ભડક્યું, 74 ફાઈટર જેટ રવાના કર્યા
પાકિસ્તાનની રાજદ્વારી ગતિવિધિઓ પર ઉઠ્યા સવાલ
ઈરાની અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે અસીમ મુનીરની અમેરિકન યાત્રાની નોંધ લીધી છે. થોડા સપ્તાહો પહેલા મુનીરે ઈરાનમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈ સાથે મુલાકાત કરી હતી અને હવે તેઓ ટ્રમ્પને મળી રહ્યા છે. આ બંને મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર સવાલો થઈ રહ્યા છે કે, ઈરાનનો પાડોશી દેશ કયાં દેશ પાસે ઉભો છે, તેહરાન કે વોશિંગ્ટન? હુસેનીએ ઈરાન-ભારતના સંબંધો અંગે કહ્યું કે, અમને ભારત મામલે કોઈપણ પ્રકારની નારાજગી નથી. તેહરાનને ભારત પાસે ભવિષ્યમાં વધુ સમય અને સહયોગની આશા છે.’
ટ્રમ્પ પાકિસ્તાનમાં પરમાણુ સામાન શિફ્ટ કરવા ઈચ્છે છે?
અમેરિકાના પેન્ટાગોનના સંરક્ષણ મંત્રાલયના પૂર્વ અધિકારી માઈકલ રુબિને ટ્રમ્પ અને મુનીરની ડીનર પાર્ટીને લઈને ગુરુવારે (19 જૂન) ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ટ્રમ્પ કોઈ ફાયદા વગર પાકિસ્તાન સાથે મિત્રતા નહીં કરે. ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી બાદ પરમાણુ કાર્યક્રમોને લગતો સામાન પાકિસ્તાનમાં શિફ્ટ કરવા ઈચ્છે છે, તેથી જ તેઓ પાકિસ્તાન પર નજર રાખીને બેઠા છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને અમેરિકન સેનાઓના ટોચના અધિકારીઓને ઈરાન વિરુદ્ધ રાજદ્વારી સહયોગની જરૂર છે, તેથી તેઓ પાકિસ્તાન સાથે મીઠીમીઠી વાતો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ‘આઈ લવ પાકિસ્તાન’ કહીને પાકિસ્તાનને પોતાનો ખાસ મિત્ર દેશ ગણાવ્યો છે, જોકે તેઓ મિત્રતાથી કંઈક મેળવવા માંગે છે. તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણ નાશ કરવા માંગે છે. જો આવું થશે તો અમેરિકાએ ઈરાનના પરમાણુ સાધનો ક્યાંક તો લઈ જવા પડશે, તેથી તેમણે આ માટે પાકિસ્તાનની પસંદગી કરી હોય, તેવું લાગી રહ્યું છે.’
ઈરાન વિરુદ્ધ પાકિસ્તાની સરહદનો ઉપયોગ
પાકિસ્તાન અને ઈરાન વચ્ચે લગભગ 900 કિલોમીટરની સરહદ છે. આવી સ્થિતિમાં યુદ્ધમાં પાકિસ્તાન નિર્ણાયક ભૂમિકામાં આવી શકે છે. પાકિસ્તાન ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોતાની સરહદ અમેરિકાને ઉપયોગ કરવા માટે આપી શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જ્યારે અમેરિકા અને અફઘાન વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે પાકિસ્તાને અમેરિકાને ઘણી મદદ કરી હતી, તેથી ઈરાન સામે પડનારા અમેરિકાને પણ પાકિસ્તાન મદદ કરી શકે છે. ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એરસ્પેસ મહત્ત્વની સાબિત થઈ શકે છે. જો અમેરિકા ઈરાન પર હુમલો કરવા ઈચ્છશે તો તે પાકિસ્તાન પાસે એરસ્પેસ માંગી શકે છે. જ્યારે અફઘાનિસ્તાન સામે ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારે પાકિસ્તાને પોતાની એરસ્પેસ અમેરિકાને આપી હતી. તેથી જો અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એરસ્પેસ મળી જશે તો તે મિડલ ઈસ્ટમાં વધુ મજબૂત થઈ શકે છે.









