Get The App

ઈરાન પર હુમલાને લઈ મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
ઈરાન પર હુમલાને લઈ મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી 1 - image


Iran-Israeli War : ઈરાન પર હુમલા કરવા માટે અતિ ઉતાવળા થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ભારે મૂંઝવણમાં મૂકાયા છે. તેમણે ઈરાનમાં કંઈક મોટું થવાનો ઇશારો કર્યો હતો અને તહેરાન ખાલી કરાવવા પણ કહ્યું હતું. એટલું જ નહીં તેઓ વારંવાર ઈરાનને ધમકી પણ આપતા હતા. એવું લાગતું હતું કે, અમેરિકા ઈરાન પર ભયાનક હુમલા કરશે. તેણે ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો પણ મધ્ય-પૂર્વમાં ખસેડ્યા હતા, જોકે હવે બાજી પલટી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે અને ટ્રમ્પ ઈરાન સાથે પંગો લઈ ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. આમ તો ટ્રમ્પ તાત્કાલીક હુમલો કરવાની ફિરાક હોવાનું દેખાઈ રહ્યું હતું, જોકે હવે તેમણે ઈરાનને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હજુ પણ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ચાલી રહ્યા છે. ઇઝરાયલનો જન્મ થયા બાદ તેણે ક્યારેય આવા હુમલા જોયા નથી.

‘ઈરાનમાં કંઈક મોટું થવાનું’ કહેનારા ટ્રમ્પે પાછીપાની કરી?

વિશ્વભરને એવું લાગી રહ્યું હતું કે, ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં અમેરિકા સામેલ થશે અને ઈરાનમાં ભયાનક ખુવારી સર્જાશે. જોકે હવે ટ્રમ્પે પાછીપાની કરતાં અને ઈરાનને બે અઠવાડિયાનો સમય આપતાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું અમેરિકા મધ્ય-પૂર્વમાં નબળું પડી રહ્યું છે. ટ્રમ્પની નિવેદનબાજી હંમેશા વિરોધાભાસ રહી છે. અગાઉ ટ્રમ્પ ઈરાન સાથે રાજદ્વારી સમાધાન કરવાની તરફેણમાં હતા, જોકે હવે તેમણે પરિસ્થિતિ બદલી નાખી છે.

ટ્રમ્પની બે મોઢાની વાત

ન્યુયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેણે ઈરાનને પરમાણુ સમજૂતી માટે 60 દિવસનો સમય આપ્યો હતો, જે 13 જૂને સમાપ્ત થયો છે. ત્યારબાદ ઇઝરાયલ ઈરાન પર ભયાનક હુમલા કરી રહ્યુ છે. પછી ટ્રમ્પે એવું કહ્યું હતું કે, તેઓ હુમલાની યોજના જાણતા હતા. એકતરફ તેઓ ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છે, સમાધાન કરવાની હિમાયત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેઓ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીનું પણ સમર્થન કરી રહ્યા છે. આમ ટ્રમ્પ મૂંઝવણમાં મૂકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પે પોતાના નિવેદનોને જ જટિલ બનાવી દીધા છે.

આ પણ વાંચો : જેના કારણે યુદ્ધ શરૂ થયું તે રિપોર્ટથી IAEAનો યુટર્ન, ઈરાને કહ્યું- હવે બહુ મોડું થઈ ગયું

ટ્રમ્પની નીતિથી સમર્થકો નારાજ

ઇઝરાયલને સમર્થન આપવા મામલે ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અમેરિકા’ અભિયાનમાં જોડાયેલા લોકો વિભાજીત છે. અલ જજીરાએ 14 જૂને લખ્યું છે કે, ‘ટ્રમ્પના સમર્થકો માર્જોરી ટ્રેલર ગ્રીન અને ચાર્જી કર્ક યુદ્ધની વિરુદ્ધમાં છે. ટ્રમ્પનો કોઈપણ સમર્થક ઇચ્છતો નથી કે, અમેરિકા યુદ્ધમાં ફસાય, કારણ કે આ નીતિ ‘અમેરિકા ફર્સ્ટ’ સિદ્ધાંતોથી વિરુદ્ધ છે, તેથી આ બાબત ટ્રમ્પ પર આંતરિક દબાણ થયું હોવાનું દર્શાવી રહી છે. તેમણે ઈરાન પર હુમલો કરવાની યોજનામાં પાછીપાની કર્યા બાદ એવું લાગી રહ્યું છે કે, તેઓ પોતાના સમર્થકોને નારાજ કરવા માંગતા નથી. બીજી તરફ કોંગ્રેસ અને વૈશ્વિક સમુદાયના દબાણને કારણે પણ ટ્રમ્પ મૂંઝવણમાં મૂકાયા હોઈ શકે છે.

ટ્રમ્પે ઇઝરાયલના હુમલાનો પણ વિરોધ કર્યો હતો

અમેરિકા ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં પડદા પાછળ ગેમ રમી રહ્યું હોવાનું ચોતરફ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે ઈરાને પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે ચર્ચા કરવાનો ઇન્કાર કરી દીધો હતો, ત્યારબાદ ઇઝરાયલે ઈરાન પર ભયાનક હુમલા શરુ કર્યા હતા, પછી ટ્રમ્પને હુમલાની માહિતી હોવાની વાત સામે આવી હતી. આ તમામ ઘટનાક્રમ અમેરિકા તરફ ઇશારો કરી હોવાનું દેખાઈ રહ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ટ્રમ્પને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu) સાથે પણ બનતું નથી. ન્યુયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ ટ્રમ્પે શરુઆતમાં ઇઝરાયલ હુમલાનો વિરોધ કર્યો હતો, કારણ કે ટ્રમ્પની ‘પરમાણુ યોજના’માં યુદ્ધ આડે આવી રહ્યું હતું. એવું કહેવાય છે કે, ઇઝરાયલે અમેરિકા સાથે વાતચીત કર્યા વગર અને કોઈપણ મદદ લીધા વગર ઈરાન પર હુમલો કર્યો, જેના કારણે અમેરિકામાં ટ્રમ્પની સ્થિતિ નબળી પડી. ત્યારબાદ ટ્રમ્પે યુદ્ધને સમર્થન કરી પોતાના છબીને બચાવવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને 1 હજાર ભારતીય વિદ્યાર્થીઓ માટે એરસ્પેસ ખોલ્યો

ટ્રમ્પે કર્યો દાવો, પણ સાબિત ન થયો

યુદ્ધની કમઠાણ વચ્ચે ટ્રમ્પે વધુ એક દાવો કર્યો હતો. તેમણે ઈરાનને કોઈપણ શરત વગર આત્મસમર્પણ કરવાની માંગ કરી હતી અને અમેરિકા-ઇઝરાયલે ઈરાનના ઍરપોર્ટ પર નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો હતો, જોકે આ બાબત સાબિત થઈ શકી નથી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ(Iran Supreme Leader Ali Khamenei)એ આ ધમકીને રદીયો આપીને કહ્યું હતું કે, ઈરાન ક્યારેય આત્મસમર્પણ નહીં કરે. પછી ઈરાને ઇઝરાયલ પર જોરદાર મિસાઇલ હુમલો કર્યો અને ટ્રમ્પને વિચારવા મજબૂર કરી દીધા.

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં તાનાશાહ કિમની પણ એન્ટ્રી, રશિયા-ચીન પણ તેહરાનના સમર્થનમાં

Tags :