‘ઈઝરાયલને મદદ કરશો તો...’ યુદ્ધના ખતરા વચ્ચે ઈરાને ત્રણ દેશોને આપી ધમકી
Iran-Israel Tension : અમેરિકા સાથે પરમાણુ સોદો રદ કરનાર ઈરાન પર ઈઝરાયલે અનેક હુમલો કરી રહ્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પરમાણુ વિવાદ બાદ ઈરાન અને ઈઝરાયલ એકબીજા પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, જેમાં અને લોકોના મોત થઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને અમેરિકા, ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગ્ડમને ધમકી આપી છે કે, જો તેઓ ઈઝરાયલ વિરુદ્ધ હુમલા અટકાવશે તો તેમના જહાજો અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાશે.
‘...તો ઈઝરાયલે પછતાવું પડશે’ ઈરાનની ધમકી
ઈઝરાયલી એરક્રાફ્ટોએ શનિવારે તહેરાન પર બોંબમારો કર્યો હતો, તો ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. ઈરાને કહ્યું છે કે, અમે ઈઝરાયલ પર એવા હુમલા કરીશું કે જેનાથી તેઓએ પછતાવું પડશે. શનિવારે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા, જેમાં અનેક લોકોના મોત અને ઈજાગ્રસ્ત થયા હતા.
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને ધમકી
યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને ધમકી આપી છે કે, જો ઈઝરાયલના હુમલાના જવાબમાં ઈરાનની મિસાઈલ અને ડ્રોન હુમલાઓને અટકાવવાનો પ્રયાસ કરશે તો અમે ત્રણેય દેશોના જહાજો અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીશું. ઈરાને આ ધમકી આપ્યા બાદ સ્થિતિ વણસી જવાની આશંકા ઉભી થઈ છે.
આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ-ઈરાનનો એકબીજા પર હુમલો
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે શુક્રવારે (13 જૂન) સવારે ઓપરેશન રાઈજિંગ હેઠળ ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ઈરાન ન્યૂક્લિયર પાવર બનાવવાની દિશામાં ઝડપી કામગીરી કરી રહ્યું હોવાથી ઈઝરાયલને વાંધો પડ્યો છે. આ જ કારણે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અનેક હુમલાઓ કરી મોટું નુકસાન કર્યું છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે દાણચોરીથી 200 ડ્રોન સિસ્ટમ ઈરાનમાં ઘુસાડી સંરક્ષણ સિસ્ટમ ઠપ કરી 200 ફાઈટર જેટ અને ડ્રોનથી 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે, જેમાં 100ના મોત અને 400થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલામાં ઈરાનના કમાન્ડર ઈન ચીફ, આર્મી વડા, 20 કમાન્ડર અને છ પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. ઈરાનના વળતા હુમલાના ભયથી ઈઝરાયેલે સમગ્ર દેશમાં ઈમર્જન્સી લાગુ કરવાની સાથે વિશ્વભરમાં દૂતાવાસો બંધ કરી દીધા છે.
ઈરાન-ઈઝરાયલ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી
બીજી તરફ ઈઝરાયલને મદદ કરવા માટે અમેરિકાએ જહાજો-સૈન્ય સંશાધનો મધ્ય-પૂર્વમાં ખસેડ્યા છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ધમકી આપી છે કે, ‘ઈરાન પરમાણુ સોદો નહીં કરે તો નકશામાંથી ભૂંસાઈ જશે. ઈઝરાયલ પાસે અમેરિકન હથિયારોનો ભંડાર છે. ઈરાન વધુ પ્રચંડ અને ક્રૂર હુમલા શરૂ કરશે તો તે બચી નહીં શકે.’ જોકે ઈઝરાયલના હુમલા અને ટ્રમ્પની ધમકી છતાં ઈરાને અમેરિકા સાથેની પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી છે, જેના કારણે આગામી સમયમાં હજુ મોટા હુમલાની સંભાવના વધી ગઈ છે.
આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા, ભારત પાસે મદદ માંગી