Get The App

અઢી કલાક પણ ન ચાલ્યું ટ્રમ્પનું સીઝફાયર! ઇઝરાયલનો દાવો- ઈરાને ઉલ્લંઘન કર્યું, હવે સેના જવાબ આપશે

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
અઢી કલાક પણ ન ચાલ્યું ટ્રમ્પનું સીઝફાયર! ઇઝરાયલનો દાવો- ઈરાને ઉલ્લંઘન કર્યું, હવે સેના જવાબ આપશે 1 - image


Iran Israel Ceasefire Violation: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકમાં જ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હોવાનો દાવો ઇઝરાયલ કરી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે, તેણે સીઝફાયર શરુ થયાના થોડા જ કલાકો બાદ ઈરાનની મિસાઇલોને ડિટેક્ટ કરી હતી. જો કે, ઈરાન ડિફેન્સ ફોર્સના જનરલ સ્ટાફે ઇઝરાયલના આ દાવાને ફગાવ્યો છે. તેણે કોઈપણ મિસાઇલ હુમલો કર્યો હોવાનો ઇન્કાર કર્યો છે. 

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝે ઈરાનના યુદ્ધવિરામ ભંગની ટીકા કરતાં પોતાની સેનાને આદેશ આપ્યો છે કે, તે ઈરાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનનો મજબૂતીથી જવાબ આપે. ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે સીઝફાયર શરુ થયાના અઢી કલાકમાં જ ઈરાનમાંથી છોડવામાં આવેલી મિસાઇલો ડિટેક્ટ કરી છે. ઉત્તરી ઇઝરાયલમાં સાયરન વાગવા લાગી હતી. ઇઝરાયલે આ મિસાઇલને તોડી પાડતાં વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો.

ઈરાને દાવો ફગાવ્યો

ઇઝરાયલે ઈરાન પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આરોપ મૂક્યો છે. જો કે, ઈરાને આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે. ઈરાનની સેના જરનલ સ્ટાફે નિવેદન આપ્યું હતું કે, ઈરાને સીઝફાયરનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. અમારા તરફથી કોઈ મિસાઇલ છોડવામાં આવી નથી. ઉલ્લેખનીય છે, ટ્રમ્પની  સીઝફાયરની જાહેરાત બાદ ઈરાન અને ઇઝરાયલ બંને દેશોએ યુદ્ધવિરામ પર મહોર લગાવી હતી. 

આ પણ વાંચોઃ અમેરિકા નહીં આ દેશે કરી ઈરાન સાથે વાતચીત: 12 દિવસના યુદ્ધ બાદ રીતે થયું સીઝફાયર, જાણો ઈનસાઇડ સ્ટોરી

ઈરાને વહેલી સવારે કર્યા હતા હુમલા

ઈરાને આજે સીઝફાયર શરુ થાય તે પહેલાં જ ઇઝરાયલ પર અનેક બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. જેનાથી બીર્શબામાં રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. સ્થાનિક એજન્સીઓએ જણાવ્યું હતું કે, હુમલા બાદ એક ઇમારતમાંથી પાંચ શબ કાઢવામાં આવ્યા હતા. અન્યની શોધ થઈ રહી છે. ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના આ હુમલાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં રહેણાંક ઇમારત સંપૂર્ણપણે નષ્ટ થતી જોવા મળી છે. ઇમારતની બહાર ઊભેલી કાર અને વૃક્ષો પણ બળી ગયા છે. 

શરતો સાથે ઇઝરાયલ સીઝફાયર માટે માન્યું

ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું હતું કે, ઇઝરાયલની સરકાર આને હજુ ટેસ્ટિંગ સીઝફાયર ગણી રહી છે. સ્થાનિક સમયાનુસાર સાંજે સાત વાગ્યા સુધી અમલમાં રહેશે. ઇઝરાયલ કોઈ સૈન્ય અભિયાન શરુ કરશે નહીં. નેતન્યાહૂની સરકારે જણાવ્યું કે, લાંબા સમય માટે સીઝફાયરની જાહેરાત કરતાં પહેલાં જોવાનું રહેશે કે, તહેરાન આ સીઝફાયરને કેટલું માન્ય ગણે છે, અને તેને કેટલું સન્માન આપે છે. ઉલ્લેખનીય છે, સૌથી પહેલાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી હતી કે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ક્રમબદ્ધ સીઝફાયર સવારે ચાર વાગ્યે શરુ થશે, જેમાં તહેરાને પહેલ કરવાની રહેશે.

24 કલાકમાં સીઝફાયર અમલી બનશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ઈરાન અને ઇઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી 6 કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઇઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.' 

અઢી કલાક પણ ન ચાલ્યું ટ્રમ્પનું સીઝફાયર! ઇઝરાયલનો દાવો- ઈરાને ઉલ્લંઘન કર્યું, હવે સેના જવાબ આપશે 2 - image

Tags :