એક સમયે ઈરાનના પાક્કા મિત્રો હતા અમેરિકા-ઈઝરાયલ, એવું શું થયું કે બન્યા કટ્ટર દુશ્મન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran, Israel, and America: ઈઝરાયલ અને અમેરિકાએ ભેગા મળીને ઈરાન પર કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું છે. હાલની સ્થિતિને જોતાં લાગી રહ્યું છે કે આગામી સમયમાં સ્થિતિ વધુ વિકટ થઈ શકે, પણ તેમને જાણીને આશ્ચર્ય થશે કે આજે એકબીજાના દુશ્મન બની બેઠેલા ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા એક સમયે મિત્ર રાષ્ટ્રો હતા.
ઈરાન અને અમેરિકાની મિત્રતા
બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાને મિડલ ઈસ્ટમાં એક એવા મિત્ર રાષ્ટ્રની જરૂર હતી. જે સોવિયેત યુનિયનને રોકી શકે. એવામાં અમેરિકા ઈરાનના રાજાના ગલ્ફના 'પોલીસમેન' કહેતા. અમેરિકા ઈરાનને આધુનિક હથિયારો આપતો અને તેના બદલામાં ઈરાનના રાજા અમેરિકાના હિતોનું રક્ષણ કરતાં.
એક સમયે અમેરિકાએ જ ઈરાનને યુરેનિયમ અને પરમાણુ ટેકનોલોજી આપી હતી
અમેરિકા અને ઈઝરાયલ ભેગા થઈને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરે છે. ઈરાનને પરમાણુ બોમ્બ બનવવાથી રોકવા હુમલા પણ કરવામાં આવ્યા છે. પણ આશ્ચર્યની વાત છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકાએ જ શરૂ કરાવ્યો હતો! વર્ષ 1957માં અમેરિકાએ જ એટમ્સ ફોર પીસ પ્રોગ્રામ હેઠળ ઈરાનને પરમાણુ ટેકનોલોજી અને રિએક્ટર આપ્યા હતા. પરમાણુ અંગે ઈરાન અને અમેરિકા વચ્ચે કરાર પણ થયા હતા.
અમેરિકા-ઈરાનમાં દુશ્મનાવટમાં બીજ 1953માં રોપાયા હતા
ઈરાનના વડાપ્રધાન મોહમ્મદ મોસાદ્દેગેએ ઈરાનમાં ઓઈલ કંપનીઓનું રાષ્ટ્રિયકરણ કર્યું. સરકારે બ્રિટિશ કંપનીઓની સંપત્તિ પોતાના હસ્તક લઈ લીધી. તે પછી બ્રિટન અને અમેરિકાની CIAએ મળીને ઈરાનમાં ગુપ્ત ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશનનું નામ હતું ઓપરેશન 'એજેક્સ'. મોસાદ્દેગેને પદ પરથી હટાવી જેલમાં નાંખી દેવાયા. ફરીથી રાજાને સત્તા સોંપી દેવાઈ. ઈરાનના રાજા અમેરિકાની નજીક ગણાતા. જેથી ઈરાનના ધાર્મિક નેતાઓને તેઓ પસંદ નહોતા. જે બાદ આયતુલ્લા ખોમેનીના નેતૃત્વમાં ઉગ્ર આંદોલન થયું અને રાજાએ દેશ છોડી અમેરિકામાં શરણ લીધી. તે સમયે અમેરિકાના રાજદૂતોને 444 દિવસ સુધી ઈરાનમાં જ બંધક બનાવી લેવામાં આવ્યા હતા.

અમેરિકા અને ઈરાનના સંબંધોની ટાઈમલાઈન
1925-1941: રઝા શાહ પહેલવી
ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ 'પર્શિયા'નું નામ બદલીને 'ઈરાન' રાખ્યું.
1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી, તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા.
16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો.
ઈરાનને સત્તાવાર રીતે 'ઇસ્લામિક રિપબ્લિક' જાહેર કરવામાં આવ્યું.
1979: અમેરિકાએ ઈરાન પર પ્રથમ વખત આકરા પ્રતિબંધો લગાવ્યા.
1979-1989 : આયતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું.
ઈરાન-ઈરાક યુદ્ધમાં અમેરિયકએ ઈરાકના સદ્દામ હુસૈનને સમર્થન આપ્યું, હથિયારો પણ આપ્યા.
1988 : અમેરિકાની સેનાએ ભૂલથી ઈરાનનું પેસેન્જર વિમાન તોડી પાડ્યું, 290 લોકોના મોત થયા.
1989-વર્તમાન : આયતુલ્લા ખામેનેઈ, ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે.
2002 : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાનને દુનિયા માટે જોખમી દેશ જાહેર કર્યો.
2015 : અમેરિકાના પ્રમુખ ઓબામાના શાસનમાં ઈરાન સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાઈ. પરમાણુ કાર્યક્રમ રોકવાની શરતે અમેરિકાએ ઈરાન પર અમુક પ્રતિબંધ હટાવ્યા.
2018 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરાર ભંગ કર્યો. ઈરાન પર ફરી આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા.
2020 : અમેરિકાએ ઈરાનના ટોચના જનરલ કાસેમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી.
ઈરાન અને ઈઝરાયલ, જે આજે એકબીજાના કટ્ટર દુશ્મન છે, તેઓ એક સમયે ગાઢ મિત્રો હતા. જાણો આ બદલાતા સંબંધોનો ઈતિહાસ
- સંબંધોની શરૂઆત (1947 - 1950)
1947: સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પેલેસ્ટાઈનને આરબ અને યહૂદી રાજ્યોમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો ઈરાને વિરોધ કર્યો.
1948: 14 મેના રોજ ઈઝરાયલ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું.
1949: ઈઝરાયલને UN નું સભ્યપદ આપવા માટેના વોટિંગમાં પણ ઈરાને વિરોધ કર્યો હતો.
1950: જીઓપોલિટિકલ ફાયદા માટે ઈરાને વિરોધ પડતો મૂક્યો. તુર્કી પછી ઈરાન બીજો એવો મુસ્લિમ દેશ બન્યો જેણે ઈઝરાયલને માન્યતા આપી.
- મજબૂત દોસ્તીનો દોર (1953 - 1978)
1953: ઈરાનમાં સત્તાપલટો થયો અને મોહમ્મદ રઝા શાહ પહલવી સત્તામાં આવ્યા. તેઓ અમેરિકા અને પશ્ચિમી દેશોના સમર્થક હતા.
તેલનો સાથ: આરબ દેશોએ ઈઝરાયલ પર તેલ પ્રતિબંધ મૂક્યો ત્યારે ઈરાને ઈઝરાયલની 40% તેલની જરૂરિયાત પૂરી કરી.
સુરક્ષા અને પ્રોજેક્ટ: ઈઝરાયલે બદલામાં ઈરાનને હથિયારો અને ટેકનોલોજી આપી. બંનેએ મળીને હાઈટેક મિસાઈલ માટે 'પ્રોજેક્ટ ફ્લાવર' શરૂ કર્યો હતો. 1957માં મોસાદે ઈરાની ગુપ્ત પોલીસ (SAVAK) ને તાલીમ પણ આપી હતી.
- ઈરાન-ઈરાક યુદ્ધ (1980 - 1988): ઈઝરાયલની ગુપ્ત મદદ
દુશ્મનનો દુશ્મન દોસ્ત: ઈરાન અને ઈરાક વચ્ચે 8 વર્ષ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ જંગમાં ઈઝરાયલ અને ઈરાન બંનેનો સમાન દુશ્મન ઈરાક (સદ્દામ હુસૈન) હતો.
હથિયારોનો પુરવઠો: ઇસ્લામિક ક્રાંતિ પછી પણ, ઈઝરાયલે ઈરાનને ઇરાક સામે લડવા માટે મોટા પાયે હથિયારો આપ્યા હતા.
500 મિલિયન ડોલરની મદદ: એવું માનવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન ઈઝરાયલે દર વર્ષે અંદાજે 500 મિલિયન ડોલરના હથિયારો ઈરાનને સપ્લાય કર્યા હતા જેથી ઈરાક મજબૂત ન બને.
-ક્રાંતિ અને ખામેનેઈનો ઉદય (1979 પછી)
ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને આયતુલ્લા ખામેનેઈના ઉદય સાથે સ્થિતિ બદલાઈ. તેમણે અમેરિકાને મોટો શેતાન અને ઇઝરાયલને નાનો શેતાન કહ્યો. ઈરાને ઈઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તેને શત્રુ દેશ જાહેર કર્યો.
-2024: સીધા જંગની શરૂઆત
14 એપ્રિલ 2024: ઈરાને પહેલીવાર ઈઝરાયલ પર સીધો મોટો હુમલો કર્યો. ઈઝરાયલે પણ વળતી કાર્યવાહી કરી.
ઓક્ટોબર 2024: ઈઝરાયલે નસરૂલ્લાહ અને હાનિયાને ઠાર કર્યા બાદ ઈરાને ફરી મોટો મિસાઈલ હુમલો કર્યો. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ.
-2025: ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો
જૂન 2025: ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, જેમાં અમેરિકા પણ જોડાયું. અમેરિકાએ બોમ્બમારો કરી ઈરાનના પરમાણુ ઠેકાણાઓ નષ્ટ કર્યા. આ દરમિયાન ઈઝરાયલમાં 28 અને ઈરાનમાં 1,000થી વધુ લોકોના મોત થયા હોવાના દાવા થયા હતા.
-ફેબ્રુઆરી 2026: ફરીથી ભીષણ યુદ્ધ
2026ની શરૂઆત: અમેરિકાએ ઈરાન પાસે પોતાના યુદ્ધજહાજો તૈનાત કર્યા. ટ્રમ્પે ઈરાની પ્રદર્શનકારીઓના સમર્થનમાં હુમલાની ચીમકી આપી.
ફેબ્રુઆરી 2026 અંત: ઈઝરાયલે ઈરાન પર સીધો હુમલો કર્યો છે. વળતા જવાબમાં ઈરાને ઈઝરાયલ અને પડોશી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલો છોડી, આ લડાઈ હવે લાંબી ખેંચાય તેવી પૂરી શક્યતા છે.









