World

સ્ટ્રેઈટ્સ ખુલ્લી કરવા ઈરાને મૂકેલી 7 શર્તોનો ટ્રમ્પે આપેલો પ્રતિભાવ ઈરાને સ્વીકાર્યો નહીં : ફરી ભડકો થશે ?

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝ જલસંધિને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ઈરાને મૂકેલી 7 શર્તો ટ્રમ્પે ફગાવી દેતા રાજદ્વારી પ્રયત્નો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ઈરાને તેના પરમાણુ સંકુલો કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. ઈરાનના સુરક્ષા પ્રમુખે અમેરિકાના જવાબને અપૂરતો ગણાવ્યો છે. આ સ્થિતિ વિશ્વમાં નવા સંકટનો ભય ઉભો કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટ્રેઈટ્સ ખુલ્લી કરવા ઈરાને મૂકેલી 7 શર્તોનો ટ્રમ્પે આપેલો પ્રતિભાવ ઈરાને સ્વીકાર્યો નહીં : ફરી ભડકો થશે ?
  • હોર્મુઝ 'બોટલ નેક' ફરી ગંભીર બને છે
  • ઈરાનની કેટલીક શર્તો ટ્રમ્પે ફગાવી દીધી : ઈરાને તેના પરમાણુ સંકુલો કાર્યરત રાખવા નિર્ણય કર્યો : રાજદ્વારી પ્રયત્નો નિષ્ફળ જવાની ભીતિ

નવી દિલ્હી : હોર્મુઝ જલ-સંધિ (સ્ટ્રેઇટસ) ખુલ્લી મુકવા અંગે ઈરાને રજૂ કરેલી સાતે સાત શર્તોનો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલો પ્રતિભાવ ઈરાનને સ્વીકાર્ય બન્યો નથી. વાસ્તવમાં ટ્રમ્પે તે શર્તો એક રીતે કહીએ તો ફગાવી જ દીધી છે. બીજી તરફ ઈરાન-અમેરિકા વચ્ચે કેટલાયે મુદ્દાઓની મડાગાંઠ ઉકલી શકે તેની કોઈ શક્યતા દેખાતી નથી.
તહેરાન-વોશિંગ્ટન વચ્ચેની તંગદિલીનું મૂળ જ હોર્મુઝ સ્ટ્રેઈટસ ઉપર ઈરાને મુકેલી નાકાબંધી છે.
આ ઉપરાંત ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પણ શાંતિ મંત્રણામાં અવરોધરૂપ બન્યો છે.
ઈરાનના સિક્યુરીટી ચીફ અને ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરીટી કાઉન્સીલના સેક્રેટરી મોહસીન રેઝાઈએ અમેરિકાએ ઈરાનની દરખાસ્તો અંગે પાઠવેલા ઉત્તરને અપૂરતો કહ્યો છે. સાથે કહ્યું છે કે વોશિંગ્ટને સૌથી પહેલાં તો હજી બાકી રહેલા મુદ્દાઓ ઉપર મંત્રણા શરૂ કરતાં પૂર્વે ધ્યાન આપવું જોઈએ. અમે તો અમારી શર્તો (હોર્મુઝ ખુલ્લી કરવા માટે) વોશિંગ્ટનને મોકલી દીધી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી આ શર્તો સ્વીકારાશે નહીં ત્યાં સુધી 'શાંતિ-મંત્રણા' શરૂ થઈ શકશે નહીં. અમેરિકાએ કેટલીક શરતો સ્વીકારી છે પરંતુ મોટાભાગની શર્તો પ્રત્યેનું તેનું વલણ અસ્પષ્ટ છે.
ઈરાની અધિકારીએ વધુમાં કહ્યું હતું કે સૌથી પહેલી જરૂરિયાત પરસ્પર પ્રત્યે વિશ્વાસ વધારવાની છે. આ સાથે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે કશી પણ બાંધછોડ નહીં કરવાના નિર્ણયમાંથી એક ડગલું પણ હટવા તૈયાર નથી.
મોહસીન રેઝાઈએ ફરી કહ્યું હતું કે ઈરાને વોશિંગ્ટન સાથે પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ મંત્રણા શરૂ કરી નથી.
આમ હોર્મુઝ સ્ટ્રેઇટસ હોય કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હોય બંને વચ્ચે મડાગાંઠ ચાલુ જ રહી છે. તેલ-પુરૂ-તરાં મધ્યપૂર્વમાં ફરી ભડકો થવાની ભીતિ જગતને સતાવી રહી છે.