For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજથી IPL : કોરોનાથી કંટાળેલા ક્રિકેટ ચાહકો માટે કાર્નિવલ

- દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં ટી-20ના રોમાંચક મુકાબલા : 10 નવેમ્બરે ફાઇનલ

- ક્રિકેટ જગતના બેતાજ બાદશાહો કોરોનાથી બચવા 'બાયો બબલ' રચી રમશે

Updated: Sep 18th, 2020

Article Content Image

ક્રિકેટ ઈતિહાસમાં સૌપ્રથમ વખત સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે : આજે રાત્રે 7.30 થી  મુંબઈ ઈન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર

અબુ ધાબી, તા. 18 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

કોરોનાથી માનસિક રીતે છેલ્લા છ મહિનાથી કંટાળેલા અને ભયભીત પણ બનેલા દેશના કરોડો ક્રિકેટ ચાહકો માટે રમત જગત અને મનોરંજન માણવાનું પણ લગભગ બંધ છે ત્યારે યુએઈમાં આવતીકાલથી શરૂ થઈ રહેલ આઈપીએલ બહુ મોટી રાહત અને હળવાશ આપશે તેમ કહી શકાય. દેશ વિદેશના સ્ટાર ખેલાડીઓ ધરાવતી આઠ ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. 

કાલે સાંજે 7.30 વાગે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ પર રમાનાર મેચથી આ વર્ષની ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ભારતમાં કોરોનાનો વધતો જતો વ્યાપ પામી જઈને ભારતીય ક્રિકેટ બોર્ડને એવો અંદાજ તો આવી જ ગયો હતો કે આ વખતે આઈપીએલ ભારતમાં નહીં રમાય તેથી તક મળે તો કોરોનાની અસર નહીવત હોય તેવા દેશમાં યોજવાનું મનોમન નક્કી થયેલું.

ભારતીય ક્રિકેટ બોર્ડના નસીબે એ રીતે જોર કર્યું કે આ વર્ષે ઓક્ટોબર - નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20નો વર્લ્ડકપ મોકૂફ રહ્યો અને ભારતીય ક્રિકેટ બોર્ડને આઈપીએલમાં યોજવાની તારીખો મળી ગઈ. જો આમ ન થયું હોત તો આઈપીએલ શક્ય ન બની હોત.

આઈપીએલના યજમાન બનવા ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને યુએઈ ત્રણેય તૈયાર હતા પણ ભારતીય ક્રિકેટ બોર્ડે યુએઈ પર પસંદગી ઉતારી. દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં આઈપીએલની મેચો રમાશે. 10 નવેમ્બરના રોજ ફાઈનલ જંગ ખેલાશે.

આઈપીએલમાં ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ, રોહિત શર્મા કેપ્ટન છે તે મુંબઈ ઈન્ડિયન્સ, તેમજ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ છે. તેઓના બહેતરીન ખેલાડીઓ જોતા ક્રિકેટ વિશ્વની સ્ટાર વોર પણ કહી શકાય. જોકે ટી-20નું ફોરમેટ એ રીતનું હોય છે અન્ય ટીમો પણ પ્રતિભાવાન ખેલાડીઓની સમતુલા ધરાવતા જ હોઈ તેઓ પણ ચેમ્પિયન બની શકે છે.

કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને કોલકાતાં નાઈટ રાઈડર્સ અન્ય ટીમો છે. પ્રત્યેક ટીમ એકબીજા સામે બે-બે વખત ટકરાશે. ક્વોલિફાયર રાઉન્ડ પહેલાં 56 મેચો રમાશે.  3 નવેમ્બરે તે લીગ રાઉન્ડ પુરૂ થશે. તે પછી પોઈન્ટની રીતે પ્રથમ અને ત્રીજી રહેલી ટીમ તેમજ એલિમિનેટર રાઉન્ડમાં ત્રીજી અને ચોથી રહેલી ટીમ ટકરાશે. 

ક્વોલિફાયર ટુ માં ક્વોલિફાયર વનમાં હારેલ વિરૂદ્ધ એલિમિનેટરમાં જીતેલ ટીમ રમશે અને જીતનાર ટીમ ફાઈનલમાં ક્વોલિફાયર બનવા વિજેતા સામે ટકરાશે. ફાઇનલ 10 નવેમ્બરે છે. આઈપીએલના ઈતિહાસમાં પહેલી વખત ફાઈનલ શનિ કે રવિવારે નહીં હોય પણ મંગળવારે યોજાવાની છે.

પ્રત્યેક ટીમ અન્ય સાત ટીમ સામે બે બે વખત લીગ તબક્કામાં ટકરાશે. અને તેના આધારે પોઈન્ટ ટેબલ બનશે. 10 મેંચો બપોરે 3.30થી અને બાકીની લીગ તબક્કા સુધીની મેચો સાંજે 7-30 થી ભારતીય સમય પ્રમાણે રમાશે. આઈપીએલ જેવા કદની આ સૌપ્રથમ ક્રિકેટ વિશ્વની ટુર્નામેન્ટ હશે જે સ્ટેડિયમમાં એક પણ પ્રેક્ષકો વગર રમાશે.

કોરોનાના પ્રોટોકોલને નજરમાં રાખીને પ્રત્યેક ટીમનું યુએઈમાં આગમન થયું ત્યારથી તેઓ 'બાયો બબલ'માં રહે છે એટલે કે તેઓ આઈપીએલની ટીમો સિવાય કોઈના સંપર્કમાં નહીં આવે હોટલથી સ્ટેડિયમ અને સ્ટેડિયમથી હોટલ તે જ તેઓનો નિત્યક્રમ રહેશે. તેઓ જ્યાં પણ જશે ત્યાં તેવી તકેદારી રખાશે કે તેમના ગુ્રપ સીવાય કોઈ ન હોય.

ચેન્નાઈના કેપ્ટન ધોની, મુંબઈના રોહિત શર્મા, બેંગ્લોરના કોહલી, પંજાબના કે એલ રાહુલ, રાજસ્થાનના સ્ટિવ સ્મિથ, દિલ્હીના શ્રેયસ ઐયર અને હૈદ્રાબાદના કેપ્ટન વોર્નર અને કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિક છે. 19 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર લીગ મેચો એક પણ દિવસના બ્રેક વગર રમાશે તેમાં પણ 10 દિવસ તો દિવસમાં બે મેચો રમાનાર છે.

IPLના વિજેતાઓ

વર્ષ

ચેમ્પિયન

રનર્સ અપ

2008

રાજસ્થાન રોયલ્સ

ચેન્નાઈ સુપરકિંગ્સ

2009

ડેક્કન ચાર્જર્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2010

ચેન્નાઈ સુપરકિંગ્સ

મુંબઈ ઈન્ડિયન્સ

2011

ચેન્નાઈ સુપરકિંગ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2012

કોલકત્તા નાઈટ રાઈડર્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

2013

મુંબઈ ઈન્ડિયન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

2014

કોલકત્તા નાઈટ રાઈડર્સ

કિંગ્સ ઈલેવન પંજાબ

2015

મુંબઈ ઈન્ડિયન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

2016

સનરાઈઝર્સ હૈદ્રાબાદ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2017

મુંબઈ ઈન્ડિયન્સ

પૂણે વોરિયર્સ

2018

ચેન્નાઈ સુપર કિંગ્સ

સનરાઈઝર્સ હૈદ્રાબાદ

2019

મુંબઈ ઈન્ડિયન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

Gujarat