‘પાણી બોમ્બ છે, અમે ભૂખ્યા મરી જઈશું’, પાણી માટે તડપતા રહેલા પાકિસ્તાનની સંસદમાં ઉઠ્યો ‘સિંધુ જળ સમજૂતી’નો મુદ્દો
Pakistan Water Crisis : પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનની હાલત બગાડી દીધી છે. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન પાણી માટે તરફડિયાં મારી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડી તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી સમયમાં પણ આ સસ્પેન્ડની કાર્યવાહી યથાવત રહેશે. આવી સ્થિતિમાં સિંધુ નદી પર નિર્ભર પાકિસ્તાન પાણી-પાણી માટે તડપી રહ્યું છે. આ મુદ્દે સંસદમાં ઉઠાવતા પાકિસ્તાની સાંસદે સમજૂતી સસ્પેન્ડની કાર્યવાહીને વૉટર બોંબ ગણાવ્યો છે અને કહ્યું કે, તેને ડિફ્યૂઝ કરવો જ પડશે.
સિંધુ બેસિન આપણી લાઈફલાઈન : પાકિસ્તાની સાંસદ
પાકિસ્તાની સાંસદ સૈયદ અલી જાફરે સંસદમાં કહ્યું કે, ‘પાકિસ્તાનના ડેમ, તમામ પાવર પ્રોજેક્ટ સિંધુ નદી પર બનાવાયેલા છે, આવી સ્થિતિમાં જો સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો પાકિસ્તાનીઓ ભૂખ્યા મરી જશે. સિંધુ બેસિન આપણી લાઈફલાઈન છે, જો આપણે પાણીની કટોકટીનો ઉકેલ લાવીશું નહીં તો આપણે ભૂખ્યા મરી શકીએ છીએ.’
10માંથી 9 પાકિસ્તાની સિંધુ નદી પર નિર્ભર
તેમણે કહ્યું કે, ‘આપણા 10માંથી 9 લોકો સિંધુ પર જ જિંદગી ગુજારી રહ્યા છે. આપણો 90 ટકા પાક પાણી પર નિર્ભર છે. આપણા જેટલા પાવર પ્રોજેક્ટ્સ અને ડેમ છે, તે તમામ સિંધુ નદી પર બનેલા છે. આ આપણા માટે એક વૉટર બોંબ છે, જેને આપણે ડિફ્યુઝ કરવો પડશે.’
પ્રતિબંધ હટાવવા પાકિસ્તાનની ભારત સમક્ષ આજીજી
પાકિસ્તાન ભારતને સિંધુ જળ સંધિ પરનો પ્રતિબંધ હટાવવા માટે સતત આજીજી કરી રહ્યો છે. જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. પાકિસ્તાને ભારતને પત્ર લખીને જળ સંધિ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી કરી હતી. આ અપીલ પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝા દ્વારા ભારતના જળ શક્તિ મંત્રાલયના સચિવ દેબશ્રી મુખર્જીને લખેલા પત્રમાં કરવામાં આવી હતી.