નીરજ ચોપડા જેને 'મિત્ર' કહેતો, તે અરશદ નદીમે જ કહ્યું- હું અમારા દેશની સેના સાથે
Arshad Nadeem Reaction On Neeraj Chopra : ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન ભારતીય ભાલા ફેંક નીરજ ચોપરા ખૂબ જ ટ્રોલ થયો હતો. તેણે પાકિસ્તાની ભાલા ફેંક અરશદ નદીમને આમંત્રણ આપ્યું હતું, જેનો ભારે વિવાદ થયો હતો. જોકે હવે બંને દેશોના સંબંધો અંગે પેરિસ ઓલમ્પિક-2024ના ગોલ્ડ મેડાલિસ્ટ અરશદ નદીમે મોટું નિવેદન આપ્યું છે. તેણે ભારતીય ભાલા ફેંક નીરજ ચોપરા પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કરાર કરી કહ્યું કે, હું હંમેશા પાકિસ્તાની સેના સાથે ઉભો રહીશ.
નીરજે નદીમને આમંત્રણ આપતા વિવાદ થયો હતો
વાસ્તમાં નીરજ ચોપરાએ એનસી ક્લાસિક ટૂર્નામેન્ટ માટે નદીમને આમંત્રણ આપ્યું હતું. 22 મેથી બેંગલુરુમાં યોજાનાર એનસી ક્લાસિક ટુર્નામેન્ટનું નામ ભારતીય સ્ટારના નામથી રાખવામાં આવ્યું હતું. જોકે આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ઘર્ષણ થયું હતું, જેના કારણે ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પર ટ્રોલ થતા નીરજે ખુલાસો કરવો પડ્યો હતો. તેણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ‘હું સૌથી પહેલા સ્પષ્ટ કહેવા માંગું છું કે, મારો અરશદ નદીમ સાથે બહુ મજબૂત સંબંધ નથી. અમે ક્યારેય ગાઢ મિત્રો નહોતા. બંને દેશો વચ્ચે તણાવ થતા હવે અમારી વચ્ચે પહેલા જેવી વાતચીત થશે નહીં. જો કોઈ વ્યક્તિ મારી સાથે સન્માનથી વાત કરશે તો હું પણ સન્માનથી જ વાત કરીશ.’
અરશદ નદીમે બંને દેશોના સંબંધો અને નીરજ અંગે શું કહ્યું?
ભારત-પાકિસ્તાન ઘર્ષ અને નીરજના નિવેદન બાદ હવે અરશદ નદીમનું નિવેદન સામે આવ્યું છે. નદીમે લાહોરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘ભારત સાથે ચાલી રહેલા સંઘર્ષના કારણે હું નીરજ અંગે કોઈપણ ટિપ્પણી કરવા માંગતો નથી. હું એક ગામનો છું. હું માત્ર એટલું જ કહીશ કે, હું અને મારો પરિવાર હંમેશા પાકિસ્તાની સેના સાથે ઉભો રહેશે.’
ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલમ્પિક-2024 પુરુષોની જેવલીન થ્રો સ્પર્ધામાં નદીમ પ્રથમ સ્થાને આવ્યો હતો, જ્યારે નીરજ ચોપરા બીજા ક્રમાંકે રહ્યો હતો. ત્યારબાદ કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નીરજે 90.23 મીટર દૂર સુધી ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો હતો. જોકે આ મેચમાં જર્મનીના જૂલિયન વેબરે 91.06 મીટર ભાલો ફેંકી ભારતીય એથ્લીટને પછાડી દીધો હતો.