કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Canada Shooting : કેનેડાના ટોરોન્ટો શહેરમાં ચાલી રહેલા એક પ્રખ્યાત સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન શનિવારે રાત્રે અચાનક ગોળીબાર થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. મિડટાઉન ટોરોન્ટોમાં આયોજિત વાર્ષિક લેટિન સાંસ્કૃતિક ઉત્સવ 'સાલ્સા ઓન સેન્ટ ક્લેયર' દરમિયાન થયેલા આ માસ શૂટિંગમાં (સામૂહિક ગોળીબાર) ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાસ્થળે મચી ગઈ ભારે દોડધામ
ટોરોન્ટો પોલીસ સર્વિસના જણાવ્યા અનુસાર, આ ભયાનક ઘટના શનિવારે રાત્રે આશરે 8 વાગ્યા પછી સેન્ટ ક્લેયર એવેન્યુ વેસ્ટ અને અર્લિંગ્ટન એવેન્યુ પાસે બની હતી. ફેસ્ટિવલની ભીડ વચ્ચે અચાનક ફાયરિંગ શરૂ થતાં જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે ભારે દોડધામ (ભગદડ) મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસનું 'એક્ટિવ શૂટર' એલર્ટ અને કડક ચેતવણી
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પાંચ લોકો ગોળી વાગવાથી ઘાયલ હાલતમાં મળ્યા હતા, જેમાંથી બે લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે બાકીના ત્રણને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક તપાસ બાદ ટોરોન્ટો પોલીસે સ્થિતિને અત્યંત ગંભીર ગણાવીને વિસ્તારમાં 'એક્ટિવ શૂટર' (સક્રિય હુમલાખોર) નું એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને સામાન્ય જનતાને આ વિસ્તારથી દૂર રહેવાની કડક હિદાયત આપી છે.
હુમલાખોરની શોધખોળ અને તપાસ તેજ
આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હોવાથી પોલીસની વિવિધ ટીમો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ હાલ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે અને ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરીને પુરાવા એકત્ર કરી રહી છે.









