World

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતની મોટી ઓફર, કિવ પહોંચેલા જયશંકરે કહ્યું- ‘શાંતિ માટે અમે કોઈપણ મદદ કરવા તૈયાર’

By GS Team
3 Sep 20264 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનની રાજધાની કીવમાં યુક્રેનિયન સમકક્ષ આન્દ્રી સિબિહા સાથે મુલાકાત કરી. ભારતે યુદ્ધનો અંત વાતચીતથી જ શક્ય હોવાનું જણાવી, શાંતિ પ્રયાસોમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, AI, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા પર પણ ચર્ચા થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતની મોટી ઓફર, કિવ પહોંચેલા જયશંકરે કહ્યું- ‘શાંતિ માટે અમે કોઈપણ મદદ કરવા તૈયાર’

S.Jaishankar Ukraine Visit : ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે યુક્રેનની રાજધાની કીવ ખાતે યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે યુદ્ધનો અંત રણમેદાનમાં નહીં, પરંતુ વાતચીત, કૂટનીતિ અને પરસ્પર સમજૂતી દ્વારા જ શક્ય છે. જયશંકરે સંકેત આપ્યો હતો કે જો રશિયા અને યુક્રેન બંને પક્ષો સહમત થાય, તો ભારત શાંતિ પ્રયાસોમાં સહયોગ કરવા અને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા પણ તૈયાર છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષા, ભારત-યુક્રેન દ્વિપક્ષીય વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર અંગે પણ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે આ પ્રવાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની મુલાકાત બાદ યોજાઈ રહ્યો છે.

નવી દિલ્હી શાંતિ માટે ભૂમિકા ભજવવા તૈયાર

યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા (Andrii Sybiha) સાથેની ઔપચારિક મંત્રણા દરમિયાન એસ. જયશંકર (S. Jaishankar) એ ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે આ સંઘર્ષનો કોઈ કાયમી ઉકેલ સૈન્ય કાર્યવાહીથી આવી શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવો કાયમી ઉકેલ માત્ર વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા જ મેળવી શકાય છે. જો ભારત કોઈ પણ રીતે શાંતિ સ્થાપવામાં મદદરૂપ થઈ શકે તેમ હોય, તો તે પોતાની ભૂમિકા ભજવવા સંપૂર્ણપણે તૈયાર છે.

માત્ર આર્થિક દબાણથી યુદ્ધનો અંત નહીં આવે

કીવ ખાતે વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું કે હવે 5 મા વર્ષમાં પ્રવેશેલા આ યુદ્ધનો ઉકેલ માત્ર તેલ, એલ્યુમિના, ખનિજ, ધાતુ કે ખાતરની ખરીદી કરવી કે નહીં, માત્ર તેના આધારે આ યુદ્ધનો ઉકેલ નહીં આવે. સંઘર્ષનો વાસ્તવિક ઉકેલ સંવાદ અને રાજદ્વારી માર્ગે જ નીકળશે. અમેરિકા રશિયન તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધ મૂકે તો શું ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઘટાડશે, તેવા સવાલના જવાબમાં તેમણે આ સ્પષ્ટતા કરી હતી.

વેપાર અને ઉભરતી ટેકનોલોજી ક્ષેત્રે સહયોગની વિપુલ તકો

દ્વિપક્ષીય વેપાર સંબંધોના ભવિષ્ય અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે યુક્રેન પાસે વિશાળ સંસાધનો અને ક્ષમતાઓ છે, જ્યારે ભારત પણ ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. ડિજિટલ ક્ષમતાઓ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ બંને દેશો વચ્ચે સહયોગના મહત્વના ક્ષેત્રો છે. આ ઉપરાંત AI ટેકનોલોજી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને શાસન વ્યવસ્થામાં નવી તકો ઊભી કરી રહી છે, જેના પર બંને દેશો આગામી સમયમાં ભાગીદારી વિસ્તારશે.

ફાર્મા, કૃષિ અને મશીનરી વેપારમાં પડકારો છતાં નવી આશાઓ

ભારત અને યુક્રેન વચ્ચેનો વેપાર ફાર્માસ્યુટિકલ્સ, અનાજ, ખાતરથી માંડીને મશીનરી, રસાયણો અને કન્ઝ્યુમર ગુડ્સ સુધી વિસ્તરેલો છે. છેલ્લા 4 વર્ષથી ચાલતી યુદ્ધની સ્થિતિ અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓને કારણે વેપારમાં અવરોધો આવ્યા છે, છતાં પરસ્પર આર્થિક સંબંધોમાં મજબૂતી જોવા મળી છે. બેઠકમાં વર્તમાન મુદ્દાઓની સાથે વેપાર સંબંધોની ભવિષ્યની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

શિક્ષણ ક્ષેત્રે સહકાર અને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા

શિક્ષણ બંને દેશો વચ્ચેના સંબંધોનો મહત્વનો સ્તંભ રહ્યું છે અને હાલ પણ અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રીએ યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને સંભાળ રાખવા બદલ યુક્રેનના વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.

આ યુગ યુદ્ધનો નથી: શાંતિ માટે ભારત કટિબદ્ધ

એસ. જયશંકરે યાદ અપાવ્યું હતું કે ભારત સતત માનતું આવ્યું છે કે 'આ યુગ યુદ્ધનો નથી'. તાજેતરમાં બિશ્કેક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પણ કહ્યું હતું કે અનંતકાળ સુધી ચાલતા યુદ્ધની જગ્યાએ હવે શાંતિ સ્થપાવી જોઈએ. યુદ્ધનો દરેક પસાર થતો દિવસ વધુ મોત અને વિનાશ લાવે છે. આ સંઘર્ષનું સમાધાન બંને પક્ષોએ સાથે મળીને શોધવું પડશે અને ભારત આ પ્રક્રિયામાં દરેક સંભવ સહાય કરવા તત્પર છે.

કાળા સમુદ્રમાં જહાજોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા

બંને વિદેશ મંત્રીઓએ કાળા સમુદ્રમાં સુરક્ષા સાથે જોડાયેલા તાજેતરના પ્રવાહો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે ભૂતકાળમાં આવી ઘટનાઓમાં ભારતીય નાવિકોની સુરક્ષા જોખમાઈ છે.

વિદેશ મંત્રીનો 3 દિવસીય કૂટનીતિક પ્રવાસ

વિદેશ મંત્રી એસ. જયશંકરનો આ ત્રિદિવસીય રાજદ્વારી પ્રવાસ 3 થી 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુક્રેન અને પોલેન્ડની મુલાકાત લેશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના તાજા પ્રવાહો અંગે ઉચ્ચ સ્તરીય મંત્રણા કરવાનો છે.