Get The App

બાંગ્લાદેશમાં સર્જાઈ રહેલો માહોલ ભારત માટે ખતરાની ઘંટડી! વિઝા પણ સેન્ટર બંધ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
Bangladesh Islamic State Insurgency


Bangladesh Islamic State Insurgency: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિતિ ફરી એકવાર તણાવપૂર્ણ બની છે. બુધવારે ભારતીય હાઈકમિશન તરફ કૂચ કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓને પોલીસે અધવચ્ચે રોકી દીધા હતા. 'જુલાઈ યુનિટી'ના બેનર હેઠળ નીકળેલા આ વિરોધ પ્રદર્શનમાં ભારત વિરોધી ઉગ્ર નારેબાજી કરવામાં આવી હતી અને પદભ્રષ્ટ વડાંપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.

ભારત વિરોધી નારાબાજી અને શેખ હસીનાની માંગ

પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત સમર્થિત રાજકીય પક્ષો અને મીડિયા સંગઠનો બાંગ્લાદેશ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે ભારત ગયેલા શેખ હસીના અને અન્ય નેતાઓને બાંગ્લાદેશને સોંપવામાં આવે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રાજદ્વારી વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રામપુરા બ્રિજ પાસે જ બેરિકેડ્સ લગાવી પ્રદર્શનકારીઓને અટકાવી દેવાયા હતા.

ભારતની સુરક્ષા અંગે ચિંતા અને હાઈ કમિશનરને તેડું

આ ઘટનાના થોડા કલાકો પહેલા જ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાને તેડાવ્યા હતા. ભારતે ઢાકા સ્થિત પોતાના મિશનની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રાજદ્વારી મિશનોની સુરક્ષા સુનિશ્ચિત કરે. ઉલ્લેખનીય છે કે ઢાકામાં સુરક્ષાના કારણોસર ભારતીય વિઝા સેન્ટર(IVAC) પણ બંધ રાખવાની ફરજ પડી હતી.

ચૂંટણી મુદ્દે બાંગ્લાદેશનું આકરૂ વલણ

બાંગ્લાદેશમાં આગામી 12 ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણી યોજાવાની છે. ભારતે આ ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાય તેવી માંગ કરી છે. જેના જવાબમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશી બાબતોના સલાહકાર એમ. તૌહીદ હુસૈને કહ્યું કે, 'ચૂંટણી કેવી રીતે કરાવવી તે બાબતે અમારે પાડોશી દેશોની સલાહની જરૂર નથી.' તેમણે એમ પણ આક્ષેપ કર્યો કે શેખ હસીનાના સમયમાં જ્યારે અયોગ્ય રીતે ચૂંટણીઓ થતી હતી ત્યારે ભારત ચૂપ હતું.

કેમ બગડી સ્થિતિ?

ઢાકામાં તાજેતરમાં સરકાર વિરોધી આંદોલનના મુખ્ય ચહેરા શરીફ ઉસ્માન હાદીની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ આક્રોશ ફાટી નીકળ્યો છે. આંદોલનકારી નેતા મહેફૂઝ આલમે ચેતવણી આપી છે કે જો હાદી જેવા લોકો સુરક્ષિત નથી, તો ભારત અને અન્ય દેશોના હિતોનું રક્ષણ કરનારા દુશ્મનો પણ અહીં સુરક્ષિત રહેશે નહીં.

આ પણ વાંચો: જાપાનમાં ઐતિહાસિક ઘટના, પ્રજાએ સરકાર સામે જ કર્યો કેસ, કહ્યું - અમારા જીવ જોખમમાં મૂક્યા

સજેબ વાજેદ જોયની ગંભીર ચેતવણી

શેખ હસીનાના પુત્ર સજેબ વાજેદ જોયે અમેરિકાથી આપેલા એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર આશંકાઓ વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે મહંમદ યુનુસની વચગાળાની સરકાર જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનોને પ્રોત્સાહન આપીને દેશને ઇસ્લામિક શાસન તરફ ધકેલી રહી છે, જે લોકશાહીની સીધી હત્યા સમાન છે. જોયે વધુમાં ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી નિકટતા ભારતની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ત્યાં ફરીથી આતંકી ટ્રેનિંગ કેમ્પ સક્રિય થયા છે. તેમના મતે, અલ-કાયદા અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનો હવે ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ વિદ્રોહ ફેલાવવા માટે થઈ શકે છે. આવામી લીગ જેવી મુખ્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખીને બાંગ્લાદેશને એક 'અસફળ ઇસ્લામિક સ્ટેટ' બનાવવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.

શેખ હસીનાનું પ્રત્યાર્પણ

શેખ હસીનાને પરત સોંપવાની માંગ પર જોયે કહ્યું કે, બાંગ્લાદેશમાં તેમની માતા વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન નથી થઈ રહ્યું. તેમને વકીલો સાથે પણ વાત કરવા દેવામાં આવતી નથી, તેથી ભારતે આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.

બાંગ્લાદેશમાં સર્જાઈ રહેલો માહોલ ભારત માટે ખતરાની ઘંટડી! વિઝા પણ સેન્ટર બંધ 2 - image

Tags :