Historic Case in Japan: જાપાનમાં આજે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાયદાકીય લડાઈની શરૂઆત થઈ છે. બદલાતી આબોહવા અને પર્યાવરણના રક્ષણ માટે સરકારની 'નિષ્ક્રિયતા' સામે રોષે ભરાયેલા નાગરિકોએ હવે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આશરે 450 જેટલા વાદીઓએ જાપાનની સરકાર સામે દાવો દાખલ કરીને આબોહવા સંકટને રોકવામાં નિષ્ફળતા બદલ વળતરની માંગ કરી છે.
શા માટે લોકોમાં રોષ છે?
અહેવાલો અનુસાર, ગુરુવાર (18 ડિસેમ્બર)ના રોજ દાખલ કરવામાં આવેલા આ મુકદ્દમામાં નાગરિકોએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાદીઓનું કહેવું છે કે સરકારની ઉદાસીનતાને કારણે તેમના 'શાંતિપૂર્ણ જીવન જીવવા' અને 'સ્થિર વાતાવરણનો આનંદ માણવા'ના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સતત વધી રહેલા ગરમીના મોજા (Heatwaves)ને કારણે શ્રમિકોની કાર્યક્ષમતા ઘટી રહી છે અને વ્યવસાયોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
ચાલુ વર્ષે જાપાને 1898 પછીનો સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો છે, જેના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે અને અનેક લોકોના હીટસ્ટ્રોકથી મૃત્યુ થયા છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકી કોમામાંથી બહાર આવતા ધરપકડ
રેકોર્ડબ્રેક ગરમી અને આર્થિક ફટકો
રિપોર્ટ અનુસાર, જાપાનમાં ગરમીનું પ્રમાણ એટલું અસહ્ય બની ગયું છે કે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને બહાર કામ કરતા મજૂરો માટે જીવનું જોખમ ઊભું થયું છે. અનેક કિસ્સાઓમાં લોકો ગરમીને કારણે કામના સ્થળે જ ઢળી પડ્યા હોવાના અહેવાલો છે. વાદીઓનું કહેવું છે કે આ માત્ર કુદરતી આફત નથી, પરંતુ સરકારની ક્લાઈમેટ ચેન્જ સામેની "અપૂરતી લડાઈ"નું પરિણામ છે. સરકારના આબોહવા પરિવર્તનના પગલાં સંપૂર્ણપણે અપૂરતા છે. આ સ્થિતિ નાગરિકોના સુરક્ષિત ભવિષ્ય સાથે ચેડાં સમાન છે.
શા માટે આ કેસ ઐતિહાસિક છે?
ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર માસાકો ઇચિહારાના જણાવ્યા અનુસાર, જાપાનમાં અગાઉ પણ પાવર પ્લાન્ટ્સ સામે પર્યાવરણને લગતા કેસ થયા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ સમૂહે આબોહવા પરિવર્તનને સંબોધવામાં નિષ્ફળ રહેવા બદલ સીધું જ સરકાર પાસે વળતર માંગ્યું હોય. આ કેસ માત્ર જાપાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની શકે છે કે કેવી રીતે જનતા હવે પર્યાવરણીય સુરક્ષા માટે સરકારોને જવાબદાર ઠેરવી રહી છે.


