World

અમેરિકામાં ફેક યુનિવર્સિટીની જાળમાં ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ, કોર્ટે પણ આપ્યો મોટો ઝટકો

By GS Team
12 Nov 20264 mins read
TukuTouch Logo
અમેરિકામાં નકલી 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન' કૌભાંડમાં 5 ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકી ફેડરલ કોર્ટે તેમની ટ્યુશન ફી પરત મેળવવાની સામૂહિક અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, ઘણા વિદ્યાર્થીઓને આ સંસ્થા માત્ર ગેરકાયદે રોકાણ માટેનું માધ્યમ હોવાની જાણ હતી. હવે આ વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે. આ યુનિવર્સિટી અમેરિકી સરકારનું સ્ટિંગ ઓપરેશન હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ફેક યુનિવર્સિટીની જાળમાં ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ, કોર્ટે પણ આપ્યો મોટો ઝટકો
AI IMAGE

Scam With Indian Students in US : અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે જતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સરકારના એક અંડરકવર સ્ટિંગ ઓપરેશન હેઠળ ચલાવવામાં આવતી નકલી 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન'નો ભોગ બનેલા 5 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી ફેડરલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ વિદ્યાર્થીઓએ પોતાની ટ્યુશન ફી પરત મેળવવા માટે કોર્ટમાં દાખલ કરેલી સામૂહિક અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

શું હતો સમગ્ર મામલો અને વિદ્યાર્થીઓની દલીલ?

5 ભારતીય વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે, તેમણે 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન'ને એક અસલી અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા માનીને તેમાં પ્રવેશ મેળવ્યો હતો અને લાખો રૂપિયાની ટ્યુશન ફી ચૂકવી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે આ યુનિવર્સિટી કોઈ શૈક્ષણિક સંસ્થા નહીં, પરંતુ અમેરિકી સરકાર દ્વારા વિઝા ફ્રોડ પકડવા માટે બિછાવવામાં આવેલી એક જાળ હતી. આથી, વિદ્યાર્થીઓએ પોતાની મહેનતની કમાણી એટલે કે ટ્યુશન ફી પરત અપાવવાની માગ કરી હતી.

જોકે, કોર્ટે આ દલીલને નકારી કાઢતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થીને નિર્દોષ પીડિત માની શકાય નહીં. કોર્ટના અવલોકન મુજબ, ઘણા વિદ્યાર્થીઓને એ વાતની સ્પષ્ટ જાણ હતી કે આ સંસ્થા માત્ર અમેરિકન સ્ટુડન્ટ વિઝા પર ગેરકાયદે રીતે દેશમાં રોકાઈ રહેવા માટેનું એક નકલી માધ્યમ છે.

સામાન્ય રીતે અમેરિકામાં એવા અનેક વિદેશી વિદ્યાર્થીઓ હોય છે, જેમનું વર્ક ઓથોરાઈઝેશન પૂર્ણ થવાના આરે હોય છે. અમેરિકામાં પોતાનું રોકાણ લંબાવવા માટે આવા વિદ્યાર્થીઓ કોઈ પણ માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ લઈ લેતા હોય છે, જેથી તેમને વધુ બે વર્ષ માટે સ્ટુડન્ટ વિઝા મળી રહે. આ સમગ્ર પ્રકરણ પણ આ જ પ્રકારની 'પે-ટુ-સ્ટે' (પૈસા ચૂકવો અને અમેરિકામાં રહો) વ્યવસ્થા સાથે જોડાયેલું છે.

કોર્ટે અરજી ફગાવતા શું કહ્યું?

યુએસ કોર્ટ ઓફ ફેડરલ ક્લેમ્સના ન્યાયાધીશે ચુકાદો આપતા નોંધ્યું કે, આ મામલો 'ક્લાસ-એક્શન' (સામૂહિક) સુનાવણી માટે બિલકુલ યોગ્ય નથી. ન્યાયાધીશના મતે, આ કેસમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે યુનિવર્સિટીમાં અરજી કરતી વખતે, પ્રવેશ મેળવતી વખતે અને ફી ચૂકવતી વખતે દરેક વિદ્યાર્થીને આ નકલી વ્યવસ્થાની જાણ હતી કે નહીં?

જજે વધુમાં જણાવ્યું કે, જો તમામ વિદ્યાર્થીઓને એક જ સામૂહિક સુનાવણી હેઠળ લાવવામાં આવે, તો નિર્દોષ અને દોષિત બંને પ્રકારના વિદ્યાર્થીઓ એક જ હરોળમાં આવી જશે. આમ કરવાથી જે લોકોએ જાણીજોઈને કાયદાનો ભંગ કર્યો છે તેમને પણ ખોટો ફાયદો મળશે, જ્યારે ખરેખર નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. કોર્ટ માટે અજાણતા ફસાયેલા વિદ્યાર્થીઓને અને જાણીજોઈને વિઝા ફ્રોડમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓને એકસાથે અલગ તારવવા અશક્ય છે.

શું હતું 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન' સ્ટિંગ ઓપરેશન?

  • ઓપરેશન પેપર ચેઝ: અમેરિકાના મિશિગન રાજ્યમાં હોમલેન્ડ સિક્યુરિટી ઈન્વેસ્ટિગેશન્સ (HSI) અને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા 'ઓપરેશન પેપર ચેઝ' નામનું એક ગુપ્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન'ની સ્થાપના કરાઈ હતી.
  • નકલી સંસ્થા: આ કોઈ અસલી કોલેજ કે યુનિવર્સિટી નહોતી, પરંતુ સ્ટુડન્ટ વિઝાના નામે થતી ગેરરીતિઓ અને કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે તૈયાર કરાયેલું એક અંડરકવર સેટઅપ હતું.
  • કરોડોની ફી ઉઘરાવાઈ: કોર્ટના દસ્તાવેજો મુજબ, આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી પેટે 6.5 મિલિયન ડોલર (આશરે 60 કરોડ રૂપિયા) કરતાં પણ વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી.
  • દલાલોની ધરપકડ: વિદેશી નાગરિકોને ગેરકાયદે રીતે અમેરિકામાં આશરો અપાવવા અને વિઝા ફ્રોડ કરવાના આરોપસર આ મામલે 8 જેટલા દલાલો અને રિક્રુટર્સની ધરપકડ કરીને તેમને સજા પણ ફટકારવામાં આવી હતી.
  • 2019માં પર્દાફાશ: જાન્યુઆરી 2019માં જ્યારે અમેરિકી તપાસ એજન્સીઓએ આ સ્થળે દરોડા પાડ્યા, ત્યારે આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન દુનિયા સામે આવ્યું હતું. ત્યારબાદ સેંકડો વિદ્યાર્થીઓને અમેરિકામાંથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા હતા અથવા તો ઘણા વિદ્યાર્થીઓ સામેથી જ દેશ છોડીને જતા રહ્યા હતા.

હવે આગળ શું થશે? વિદ્યાર્થીઓ પાસે કયો વિકલ્પ બચ્યો?

અગાઉ વર્ષ 2024માં અપીલ કોર્ટે આ કેસને પુનઃ વિચારણા માટે નીચલી કોર્ટમાં મોકલ્યો હતો. અપીલી અદાલતે ત્યારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કોઈ પણ કરારને કાયદાકીય રીતે લાગુ કરી શકાય નહીં. અર્થાત્, જે વિદ્યાર્થીઓએ જાણીજોઈને 'પે-ટુ-સ્ટે' સ્કીમ હેઠળ પ્રવેશ લીધો હતો, તેઓ ફી પરત મેળવવાનો દાવો કરી શકે નહીં.

જોકે, ફેડરલ કોર્ટના આ તાજા ચુકાદાથી આ સુનાવણી સંપૂર્ણપણે સમાપ્ત થતી નથી. સામૂહિક અરજી ફગાવાયા બાદ હવે આ પાંચેય ભારતીય વિદ્યાર્થીઓએ વ્યક્તિગત સ્તરે (અલગ-અલગ) કોર્ટમાં પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે. દરેક વિદ્યાર્થીએ નક્કર પુરાવાઓ સાથે કોર્ટને ખાતરી આપવી પડશે કે તેમનો ઈરાદો માત્ર ઉચ્ચ અભ્યાસ કરવાનો જ હતો અને તેઓ જાણીજોઈને કોઈ નકલી વિઝા રેકેટનો હિસ્સો બન્યા નહોતા. જો તેઓ આ સાબિત કરવામાં સફળ રહેશે, તો જ તેમને તેમની ટ્યુશન ફી પરત મળવાની આશા જીવંત રહેશે.