અમેરિકાની ચૂંટણીમાં 3 ભારતીયોનો દબદબો, મમદાની સહિત ગઝાલા અને જે. જે. સિંહ પણ જીત્યા

US elections 2025: અમેરિકાના ન્યુયોર્ક મેયર ચૂંટણીમાં ભારતીય મૂળના મુસ્લિમ ડેમોક્રેટ 33 વર્ષીય જોહરાન મમદાનીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તેમણે પૂર્વ ગવર્નર એન્ડ્રયુ કુઓમો અને રિપબ્લિકન કર્ટિસ સ્લિવાને હરાવીને અમેરિકાના સૌથી ધનિક શહેરમાં ઇતિહાસ રચ્યો છે. તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ દક્ષિણ એશિયન અને મુસ્લિમ મેયર પણ બન્યા છે.
ટ્રમ્પનું સમર્થન છતાં હાર
જોહરાન મમદાનીને આ ચૂંટણીમાં 9,48,202 (50.6 ટકા) મત મળ્યા, જે કુલ મતદાનના 83 ટકા છે. તેઓ છેલ્લાં ઘણા મહિનાઓથી NYC મેયરની ચૂંટણીમાં સૌથી આગળ હતા. એન્ડ્ર્યુ કુઓમોએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ચૂંટણીના એક દિવસ પહેલા ટ્રમ્પનું સમર્થન મેળવ્યું હતું. આમ છતાં, મમદાનીની સરળતાથી જીત થઈ ગઈ.
આ પણ વાંચોઃ આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ
મમદાનીએ કુઓમોને હરાવ્યા
કુઓમોને 776,547 મત (41.3 ટકા) મળ્યા, જ્યારે સ્લિવાને 137,030 મત મળ્યા. ન્યુયોર્ક સિટી ચૂંટણી બોર્ડે જણાવ્યું કે, 1969 પછી પહેલી વાર બે મિલિયન મત પડ્યા હતા, જેમાં મેનહટ્ટનમાં 444,439 મતો સાથે આગળ છે, ત્યારબાદ બ્રોન્ક્સ (187,399), બ્રુકલિન (571,857), ક્વીન્સ (421,176) અને સ્ટેટન આઇલૅન્ડ (123,827) આવે છે. ન્યુયોર્ક સિટીના મેયર માટે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મમદાનીએ કુઓમોને હરાવ્યા હતા અને આ વર્ષે જૂનમાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કોણ છે મમદાની?
યુગાંડાના કંપાલામાં જન્મેલા જોહરાન સાત વર્ષની ઉંમરમાં ન્યુયોર્ક શહેરમાં રહેવા ગયા અને બાદમાં અમેરિકન નાગરિક બન્યા. તેમની માતા મીરા નાયર, એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા છે અને તેમના પિતા મહેમૂદ મમદાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
ભારતીય મૂળની ગઝાલા હાશમીની જીત
ભારતીય મૂળની ડેમોક્રેટ ગઝાલા હાશમીએ રિપબ્લિકન જૉન રીડને હરાવીને વર્જીનિયાના લેફ્ટિનન્ટ ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે. હાશમી વર્જીનિયા સેનેટમાં સેવા આપનારી પહેલી મુસ્લિમ અને પહેલી દક્ષિણ એશિયાની અમેરિકન છે, જે 15માં સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની આ જીતનો અર્થ છે કે, તેમની સેનેટ બેઠક માટે એક ખાસ ચૂંટણી યોજાશે.
આ પણ વાંચોઃ ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યુયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત
ગઝાલા હાશમીએ 2019માં રાજકારણમાં એન્ટ્રી કરી અને એક ચોંકાવનારી જીત સાથે, રિપબ્લિકનના કબ્જાવાળા સ્ટેટ સેનેટ બેઠકને જીતી લીધી અને વર્જીનિયા જનરલ એસેમ્બલી માટે પસંદ કરાઈ. પાંચ વર્ષ બાદ વર્ષ 2024માં તેમને સેનેટ શિક્ષા અને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા, જે બે મહત્ત્વપૂર્ણ ડેમોક્રેટિક પ્રાથમિકતાઓ, પ્રજનન સ્વતંત્રતા અને સાર્વજનિક શિક્ષણ માટે મહત્ત્વપૂર્ણ નેતૃત્વ પદ છે.
જે જે સિંહની શાનદાર જીત
ભારતીય મૂળના જે જે સિંહે વર્જીનિયાના Virginia House of Delegates District 26થી ચૂંટણી લડી હતી અને ત્યાં જીત હાંસલ કરી છે. આ જિલ્લો મુખ્ય રૂપે ઉત્તરી વર્જીનિયામાં સ્થિત છે.
જે જે સિંહનો જન્મ ઉત્તરી વર્જીનિયામાં એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો અને તે ફેરફેક્સ સ્ટેશનમાં મોટા થયા હતા. તેમના માતાપિતા 1970માં ભારતથી આ વિસ્તારમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમના પિતા, અમરજીત સિંહનો જન્મ બ્રિટિશ ભારત (હવે પાકિસ્તાન)ના પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં થયો હતો અને ભારતના ભાગલા પછી તેઓ ભારતના હરિયાણામાં રહેવા ગયા હતા.

