ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા એપલના COO, હવે ટિમ કૂકનું સ્થાન લે તેવી પણ ચર્ચા
Next Apple CEO : એપલે ભારતીય મૂળના સાબિહ ખાનની ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિમણૂક કરી છે. Jeff Williams નિવૃત્ત થતાં તેમની જગ્યા સાબિહ ખાન સંભાળશે. આ દરમિયાન સિલિકોન વેલીમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે એપલના નવા CEO કોણ બનશે. કારણ કે, ટિમ કૂક પણ હવે 63 વર્ષના થઈ ચૂક્યા છે. એવું કહેવાય છે કે, Jeff Williams એપલના CEO બનવાના હતા પરંતુ તે તો નિવૃત્ત થઇ ગયા. આ કારણસર એવી ચર્ચા છે કે, સાબિહ ખાન એપલના CEO તરીકેની જવાબદારી સંભાળે તેવી પણ શક્યતા છે.
સાબિહ ખાન હાલમાં 59 વર્ષના છે
જો કે, હાલમાં સીઓઓ તરીકે નિમાયેલા સાબિહ ખાન સીધા ટિમ કૂકને રિપોર્ટ કરશે. તેનો અર્થ એ થયો કે, સાબિહ ખાન કંપનીમાં અત્યંત મહત્ત્વના હોદ્દા પર છે. જો કે, તેમના CEO બનવા સામે પડકારો છે. સાબિહ ખાન હાલ 59 વર્ષના છે. એટલે કે, તેઓ જેફ વિલિયમ્સ કરતાં માત્ર બે વર્ષ નાના છે. આમ, ટિમ કૂક વધુ લાંબા સમય સુધી CEO તરીકે કામ કરે તો સાબિહ ખાનના CEO બનવાની શક્યતા ઘટી જશે. પરંતુ જો ટિમ કૂક નિવૃત્ત થાય તો એપલને નવા ભારતીય સીઈઓ મળી શકે છે.
એપલે ભારતીય મૂળના સાબિહ ખાનને કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આ મહિનાના અંતમાં જેફ વિલિયમ્સનું સ્થાન લેશે. જેફ 2015 થી આ પદ પર છે. સાબિહે મુરાદાબાદ જેવા નાના શહેરમાંથી બહાર આવીને ટેકનોલોજીની દુનિયામાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2019 માં, તેઓ એપલના ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.
સાબિહ ખાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા જેવા ભારતીય મૂળના વૈશ્વિક નેતાઓની યાદીમાં જોડાયા છે. સાબિહ વૈશ્વિક સપ્લાય ચેઈનનું સંચાલન કરે છે. આનો અર્થ એ છે કે તેઓ પ્રોડક્ટ ગુણવત્તા, આયોજન, પ્રાપ્તિ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને પ્રોડક્ટ ડિલિવરી જેવા કાર્યોની જવાબદારી સંભાળે છે. તે એપલના સપ્લાયર રિસ્પોન્સિબલિટી પ્રોગ્રામ્સ પણ જુએ છે.
લાંબા સમયથી કામ કરી રહ્યા છે ટિમ
ટિમ કૂક હાલ 63 વર્ષના છે અને આવતા મહિને તેઓ Apple CEO તરીકે 14 વર્ષ પૂર્ણ થશે. તેથી તેને જોતાં એવું લાગે છે કે Appleના આગામી CEO કોઈ યુવાન વ્યક્તિ હોઈ શકે છે.
ક્યારે નિવૃત્ત થશે ટિમ કૂક
આ સિવાય Appleના CEO ક્યારે નિવૃત્ત થશે તેને લઈને કોઈ નિયમ નથી. જો ટિમ કૂક વધુ બે વર્ષ CEO રહેશે, તો સાબિહ જેફ વિલિયમ્સની ઉંમર સુધી પહોંચશે.
આ પણ વાંચો: ઈટાલીના મિલાન એરપોર્ટ પર બની દર્દનાક ઘટના, વિમાનના એન્જિનમાં માણસ ખેંચાઈ જતાં મોત
અન્ય પણ લોકો પણ રેસમાં સામેલ
આગામી CEOની રેસમાં જોન ટર્નસનું નામ પણ સામેલ છે. જો ટિમ લાંબા સમય સુધી કામ કરશે, તો ટર્નસની શક્યતાઓ વધી શકે છે.