ઈટાલીના મિલાન એરપોર્ટ પર બની દર્દનાક ઘટના, વિમાનના એન્જિનમાં માણસ ખેંચાઈ જતાં મોત
Italy Milan Airport Accident: ઈટાલીના મિલાનમાં ગઈકાલે મંગળવારે એક ભયાવહ દુર્ઘટના બની છે. ઓરિયો અલ સેરિયો એરપોર્ટ (બર્ગામો એરપોર્ટ) પર 35 વર્ષીય એક શખ્સ ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા વિમાનના એન્જિનમાં ખેંચાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું.
ઈટાલીના ટોચના અખબારમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આ શખ્સ રનવે પર ઝડપથી દોડી રહ્યો હતો. ત્યારે ત્યાં ઉભેલા વોલોટિયા એરલાઈન્સના એરબસ A319 વિમાનની એન્જિનની ઝપેટમાં આવી ગયો હતો. દુર્ઘટના સમયે વિમાન સ્પેનના એસ્ટ્રિયાસ જવા માટે પુશબેકની પ્રક્રિયામાં હતું. પુશ બેક એવી પ્રક્રિયા છે, જેમાં વિમાનને ગેટથી ટેક્સીવે તરફ પાછળ ધકેલવામાં આવે છે.
કેવી રીતે બની દુર્ઘટના?
રિપોર્ટ્સ અનુસાર, મૃતકે એરપોર્ટ ટર્મિનલમાં ખોટી દિશામાંથી કાર સાથે પ્રવેશ કર્યો હતો. બાદમાં કાર ત્યાં જ પાર્ક કરી અરાઈવલ એરિયા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ અચાનક રનવે પર દોડવા લાગ્યો હતો, અને આ અકસ્માત સર્જાયો હતો. હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી કે, મૃતક પેસેન્જર હતો કે, એરપોર્ટનો કોઈ કર્મચારી હતો.
વોલોટિયા એરલાઈને આપ્યું નિવેદન
વોલોટિયા એરલાઈને આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યુ હતું કે, મૃતકનો ફ્લાઈટ કે એરલાઈન સાથે કોઈ સંબંધ ન હતો. વોલોટિયાની આ ફ્લાઈટમાં સવાર 154 પેસેન્જર અને 6 ક્રૂ સભ્યોને કોઈ નુકસાન થયુ નથી. હાલ તમામને સાયકોલોજિકલ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ખેડૂત નેતાઓ પર ED ત્રાટકી, ભારતીય ખેડૂત યુનિયનના સુખ ગિલ સહિત અનેકના નિવાસે દરોડા
તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરાઈ
આ ભયાવહ અકસ્માત બાદ એરપોર્ટ પર સવારે સ્થાનકિ સમય 10.20થી બપોરના 12 વાગ્યા સુધી તમામ 19 ફ્લાઈટ્સને સ્થગિત કરવામાં આવી હતી. આશરે બે કલાક બાદ એરપોર્ટ પર સામાન્ય સંચાલન ફરીથી શરૂ કર્યું હતું. આ અકસ્માતના કારણે પેસેન્જર્સે થોડા સમય માટે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની તપાસ શરૂ
SACBO (એરપોર્ટ ઓપરેટર)એ જણાવ્યુ હતું કે, ટેક્સીવે પર એક ટેક્નોલોજી સમસ્યાના કારણે વિમાન અટકાવી દેવામાં આવ્યું હતું. તપાસ શરૂ કરવામાં આવી છે. ઈટલીના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ અને સ્થાનિક પોલીસે દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે કે, એક સામાન્ય વ્યક્તિ રનવે સુધી કેવી રીતે પહોંચ્યો?