'અમે કેમ અર્થતંત્રને તાળું મારીએ...' ટ્રમ્પ-નાટો ચીફની ટેરિફ ધમકી પર ભારતીય હાઈકમિશનનો જવાબ
Image: IANS |
India-Russia Oil Trade: બ્રિટનમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને પશ્ચિમી દેશોની ટીકાને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, 'કોઈપણ દેશ પોતાની અર્થવ્યવસ્થાને એક ઝટકે બંધ ન કરી શકે. અનેક યુરોપિયન દેશો તે જ સ્ત્રોતથી ઊર્જા અને દુર્લભ ખનિજની ખરીદી કરે છે, જેને તે ભારતને ખરીદવાનો ઈનકાર કરી રહ્યા છે.'
પશ્ચિમી દેશોની બેવડી નીતિ
દોરાઈસ્વામીએ પશ્ચિમી દેશોની બેવડી નીતિ પર પ્રશ્ન કરતા કહ્યું કે, 'અનેક યુરોપિયન દેશ આજે પણ એ જ સ્ત્રોત પાસેથી રેર અર્થ અને ઊર્જા ઉત્પાદન ખરીદી શકે છે, જેને તેઓ ભારતને ખરીદવાનો ઈનકાર કરી રહ્યા છે. શું આ વિરોધાભાસી નથી?'
ભારત કેમ રશિયા પાસેથી ખરીદે છે ક્રૂડ ઓઇલ?
વધુમાં તેમણે કહ્યું કે, દુનિયામાં ક્રૂડ ઓઇલની આયાત કરનારો ત્રીજો સૌથી મોટો દેશ ભારત છે. ભારત પહેલાં મિડલ ઈસ્ટ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ અને પશ્ચિમી પ્રતિબંધો બાદ, રશિયાએ વૈકલ્પિક ખરીદદારોને આકર્ષિત કરવા માટે ભારે છૂટ પર ઓઇલ વેચવાનું શરૂ કર્યું છે. ભારતે આ તકનો લાભ લીધો.
દોરાઈસ્વામીએ કહ્યું કે, 'અમારા પરંપરાગત ઊર્જા સ્ત્રોતો હવે અન્ય લોકો દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે અને કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અમે અમારી જરૂરિયાતનો 80%થી વધુ ક્રૂડ ઓઇલનો જથ્થો આયાત કરીએ છીએ. એવામાં અમારી પાસે શું વિકલ્પ છે? શું અમે અમારી અર્થવ્યવસ્થાને તાળું મારી દઇએ?'
આ પણ વાંચોઃ જર્મનીમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડી, 3ના મોત
રશિયા સાથે ભારતના સંબંધો પર સ્પષ્ટતા
રશિયા સાથે ભારતની નિકટતા પર તેમણે કહ્યું કે, 'અમારો સંબંધ ફક્ત એક નેતા અથવા સરકાર પર આધારિત નથી. આ લાંબા સમયથી ચાલી રહેલો સુરક્ષા સહયોગ છે. જ્યારે અમુક પશ્ચિમી દેશ અમને હથિયાર વેચવાનો ઈનકાર કરતા અને અમારા પાડોશીઓને એ જ હથિયાર વેચતા હતા, ત્યારે રશિયાએ અમારી મદદ કરી હતી. જેમ બીજા દેશ પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે સંબંધ બનાવે છે, તેવી જ રીતે ભારત પણ પોતાની ઊર્જા અને વ્યૂહાત્મક હિતોને ધ્યાને રાખીને નિર્ણય લે છે.
યુક્રેન પર ભારતનું વલણ
દોરાઈસ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી બંનેને આ વાત કહી ચુક્યા છે. ભારત આ યુદ્ધને જલ્દી સમાપ્ત થતા જોવા ઈચ્છે છે. અમે દુનિયાભરમાં ચાલી રહેલા સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ.'