World

ભારતીય આઇટી કંપનીઓની H-1B પ્રોગ્રામમાંથી હકાલપટ્ટી

By GS Team
9 Oct 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: ટ્રમ્પ તંત્રએ H-1B વિઝા ફ્રોડના આરોપસર TCS, Infosys, Wipro, Microsoft સહિત 8 અગ્રણી સોફ્ટવેર કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી હાંકી કાઢી છે. મધ્યસત્ર ચૂંટણી જીતવા ટ્રમ્પ અમેરિકન કામદારોના હિતરક્ષક બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કંપનીઓ પર વિઝા ફ્રોડનો આરોપ મુકાયો છે, જેનાથી તેમને અમેરિકામાંથી ઉચાળા ભરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય આઇટી કંપનીઓની H-1B પ્રોગ્રામમાંથી હકાલપટ્ટી
  • વિઝા ફ્રોડમાં સંડોવાયેલી સોફ્ટવેર કંપનીઓને અમેરિકામાંથી ઉચાળા ભરવા પડે તેવી સ્થિતિ
  • ટ્રમ્પ તંત્રના 'હાર્ડ' વલણનો ભોગ બનેલી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ, કોગ્નિઝન્ટ, કેપજેમિની સામેલ
  • મિડ ટર્મ ચૂંટણી જીતવા માટે મરણિયા બનેલા ટ્રમ્પનો અમેરિકન વર્કરોના હિતરક્ષકની છાપ ઊભી કરવાનો પ્રયત્ન

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેમના તંત્રની ભારતીયો સામેની કિન્નાખોરી હવે છેક ભારતીય કંપનીઓ સુધી લંબાઈ છે. એચ-૧બી વિઝા ફ્રોડનું બહાનું આપીને ટ્રમ્પ તંત્રએ આઠ અગ્રણી સોફ્ટવેર કંપનીઓને અમેરિકન ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી રીતસરની હાંકી કાઢી છે. આ કંપનીઓમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સ, કોગ્નિઝન્ટ, કેપજેમિની અને માઇક્રોસોફ્ટ, એડોબનો સમાવેશ થાય છે. હવે આ કંપનીઓ પર ટ્રમ્પ તંત્રએ વિઝા ફ્રોડનો આરોપ મૂક્યો છે.
મિડ ટર્મ ચૂંટણી જીતવા માટે હવાતિયા મારી રહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દેશમાં બેરોજગારી માઝા મૂકી રહી છે ત્યારે પોતાને અમેરિકનોને રોજગારીની કેટલી ચિંતા છે તે બતાવવા માટે ભારતીય સોફ્ટવેર કંપનીઓ સહિત અમેરિકન કંપનીઓને પણ નિશાના પર લીધી છે. ટેક કંપનીઓ સામેના પગલાંના લીધે નાસ્ડેક પણ લગભગ ૪૦૦થી વધુ પોઇન્ટ તૂટયો હતો.
ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી છે ત્યારે ટ્રમ્પ કાર્ડ ઉતરતા હોય તેમ આ કંપનીઓને એચ-વન બી વિઝા પ્રોગ્રામમાંથી હાંકી કાઢીને ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતરક્ષક બનવાની છાપ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે. આ આઠેય આઇટી જાયન્ટ કંપનીઓને વિઝા કાર્યક્રમમાંથી હાંકી કાઢવાની જાહેરાત અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ, લેબર સેક્રેટરી કીથ સોન્ડરલિંગ અને એટર્ની જનરલ ટોડ બ્લાન્કે કરી હતી. યુએસ એન્ટી ફ્રોડ ટાસ્કના ઉપક્રમે આ પગલું લેવાયું છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તંત્રએ માંડ બે એક દિવસ પહેલાં જ વિઝા નિયમોનો ભંગ કરનારી કંપનીઓને અઢી લાખ ડોલર સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. હવે આ આઠેય કંપનીઓને વિઝા ફ્રોડના આરોપમાં એચ-વનબી કાર્યક્રમમાંથી જ હાંકી કાઢી છે. સોન્ડરલિંગે જણાવ્યું હતું કે હું વિશ્વની સૌથી મોટી આઇટી આઉટસોર્સિંગ કંપની કોગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, વિપ્રો, ટાટા, એચસીએલ અને કેપજેમિનીને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરું છું. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને એડોબને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
વાન્સે માઇક્રોસોફ્ટ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીએ અમેરિકન કામદારોની જ હકાલપટ્ટી કરી છે અને તેની જોબ વિદેશી કામદારોને આપી છે. માઇક્રોસોફ્ટે ૨૦૨૫માં છ હજાર અમેરિકન કામદારોની છટણી કરી હતી અને પછી તેણે પોતે જ અમેરિકામાં કોઈ ક્વોલિફાઇડ પર્સન નથી તેમ કહીને એચ-૧બી પર છ હજારથી વધુ કામદારોની ભરતી કરી હતી અને ૩,૬૮૨ની પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ અરજી કરી હતી. તેમા ૧,૦૦૦ જોબ તો આ રીતે હાંકી કઢાયેલા અમેરિકન કામદારોની જોબ હતી. આ રીતે અમેરિકન કામદારોને દૂર કરીને તે જોબ વિદેશી કામદારોને આપવાના પ્રયત્નોને અમેરિકન સરકાર સાંખી નહી લે, પછી તે અમેરિકાની માઇક્રોસોફ્ટ જેવી મહાકાય કંપની કેમ ન હોય.
૨૦૦૯ થી આ કંપનીઓએ લગભગ ૩૦ લાખ વિદેશી કામદારો માટે વિનંતી મોકલી છે. તેમને તેમાથી ૨,૩૦,૦૦૦થી વધારે એ-૧બી વિઝા માટે મંજૂરી મળી છે અને એક લાખથી પણ વધુ પરમેનન્ટ લેબર સર્ટિપિખેશન્સ મળ્યા છે. આમ અમેરિકન કામદારો પાસેથી હજારો નોકરીઓ લઈ લેવાઈ છે, એમ સોંડરલિંગે જણાવ્યું હતું.
તેના પછી વાન્સે જણાવ્યું હતું કે આ રીતે સિસ્ટમને દૂરુપયોગ કરવામાં જો અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ હશે તો તેને પણ નહી છોડાય. તેની સાથે તેમણે યેલ, હાર્વર્ડ, સ્ટેન્ફોર્ડ અને કેલટેક જેવી યુનિવર્સિટીઓએ વિદેશીઓને અમેરિકામાં અભ્યાસ માટે પ્રવેશવા દેવાના જે-૧ પ્રોગ્રામનો કેટલો દૂરુપયોગ કર્યો છે તેની ચકાસણી કરવાની પણ જાહેરાત કરી હતી.