- ભારતની આર્થિક શક્તિ સાત સમંદર પાર પહોંચે છે
- અમેરિકી દૂતાવાસે કહ્યું : 'ભારતીય ઉદ્યોગ જગત હવે અમેરિકાના આર્થિક વિકાસનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે'
નવી દિલ્હી : ભારતની આર્થિક શક્તિનો ડંકો હવે સાત સમંદર પાર વાગી રહ્યો છે. અમેરિકામાં ભારતીય કંપનીઓએ કુલ મળી ૧.૭૧ લાખ કરોડ રૂપિયાનાં નિવેશ સાથે ઇતિહાસ રચી દીધો છે.
'૨૦૨૬ : સીલેક્ટ યુ.એસ.ઇન્વેસ્ટમેન્ટ-સમિટ' માં અમેરિકી દૂતાવાસે દાવો કર્યો છે કે જેથી દરેક ભારતીયની છાતી ગજ-ગજ ફૂલી રહે છે.
ભારતની વિવિધ કંપનીઓએ અમેરિકામાં હજી સુધીમાં કુલ મળી ૨૦.૫ બિલિયન ડોલર્સ (આશરે રૂ. ૧.૭૧ લાખ કરોડ)નું મુડી રોકાણ કર્યું છે. આથી ભારત સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું છે કે, હવે અમેરિકાના આર્થિક વિકાસમાં ભારતી ઉદ્યોગ-જગત એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.
આ પૈકી સૌથી મોટો હિસ્સો ફાર્માસ્યુટિકલ કંપનીઓનો છે. તેમણે રીસર્ચ અને ડેવલોપમેન્ટ (આર એન્ડ ડી) મળીને ૧૯.૧ અબજ ડોલર્સનું રોકાણ કર્યું છે. જે અમેરિકામાં દવા ઉત્પાદનમાં મજબૂતી આપશે. આ ઉપરાંત સ્ટીલ સેક્ટરમાં ૨૫૫ મિલિયન ડોલર્સનું નિવેશ કરવામાં આવ્યું છે. તે રોકાણ દ્વારા અમેરિકાની જૂની ઔદ્યોગિક ક્ષમતાને આધુનિક બનાવવામાં આવશે. જયારે ૧૨ કંપનીઓ ગ્રીન-ફીલ્ડ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. તેમાં ભારતીય કંપનીઓએ ૧.૧ અબજ ડોલર્સનું બજેટ રાખ્યું છે.
ફાર્મા અને સ્ટીલ ઉપરાંત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર તથા ઇમર્જિંગ ટેકનોલોજી (એઆઈ/ કવોન્ટમ)માં પણ ભારતીય કંપનીઓ નિવેશ કરી રહી છે.
આ નિવેશ માત્ર પૈસા જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચે મજબુત થતા વ્યાપારી સંબંધોનું પ્રતીક છે. ભારતીય કંપનીઓ અમેરિકામાં હજ્જારો નવા રોજગાર પણ ઉત્પન્ન કરશે તેમ વિશ્લેષકોનું કહેવું છે.


