Get The App

મુસીબતમાં ભારતનો સાથ મળતા ઈરાનને મોટી રાહત, કહ્યું- ‘થૈંક યૂ ઈન્ડિયા’

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
મુસીબતમાં ભારતનો સાથ મળતા ઈરાનને મોટી રાહત, કહ્યું- ‘થૈંક યૂ ઈન્ડિયા’ 1 - image


Indian External Affairs Minister S.Jaishankar And Iranian Foreign Minister Abbas Araghchi : File Photo

India Supports Iran at UNHRC : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 39મા વિશેષ સત્રમાં ઈરાન વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરીને ભારતે મિત્રતા નિભાવી છે. ભારતના આ નિર્ણય બદલ ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથલીએ ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

ઈરાને ભારતનો આભાર માન્યો

રાજદૂત મોહમ્મદ ફથલીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતના નિર્ણયને બિરદાવતા જણાવ્યું હતું કે, ‘હું UNHRCમાં ઈરાનના સૈદ્ધાંતિક અને દ્રઢ સમર્થન માટે ભારત સરકારનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું, જેમાં અન્યાયી અને રાજકીય રીતે પ્રેરિત પ્રસ્તાવનો વિરોધ કરવાનો પણ સમાવેશ થાય છે. આ વલણ ન્યાય, બહુપક્ષવાદ અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.’

પ્રસ્તાવની તરફેણમાં 25 મત, વિરુદ્ધમાં સાત મત

UNHRCમાં પસાર કરવામાં આવેલા આ પ્રસ્તાવની તરફેણમાં 25 મત પડ્યા હતા, જ્યારે સાત દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને 14 દેશો ગેરહાજર રહ્યા હતા. ભારત આ પ્રસ્તાવના વિરોધમાં ઊભું રહ્યું હતું. આ પ્રસ્તાવમાં ઈરાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો પર કરવામાં આવેલી હિંસક કાર્યવાહીની કડક ટીકા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારતની મુલાકાત બાદ UAEના પ્રમુખે પાકિસ્તાનને આપ્યો ઝટકો, જાણો શું થયું

UNHRC તેના ઈરાનના મિશનનો કાર્યકાળ વધાર્યો

UNHRC દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ‘પરિષદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં ઈરાન પરના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ફેક્ટ-ફાઈન્ડિંગ મિશનનો કાર્યકાળ બે વર્ષ માટે અને ઈરાનમાં માનવાધિકારની સ્થિતિ પરના વિશેષ પ્રતિવેદકનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં 28 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોના દમન સંદર્ભે તપાસ મિશન દ્વારા તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.’

ઈરાનને હિંસા રોકવા આગ્રહ

પ્રસ્તાવ દ્વારા ઈરાન સરકારને માનવાધિકારના ક્ષેત્રમાં તેની જવાબદારીઓ નિભાવવા કહેવામાં આવ્યું છે. UNHRCએ અહેવાલમાં લખ્યું છે કે, ‘ઈરાન સરકાર માનવાધિકારની જવાબદારીઓનું સન્માન કરે અને બિન-ન્યાયિક હત્યાઓ, મનસ્વી ધરપકડ, જાતીય હિંસા તેમજ અન્ય અમાનવીય વ્યવહાર અથવા દંડને રોકવા માટે તમામ જરૂરી પગલાં ભરે."

બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં બંને નેતાઓએ પ્રદેશની બદલાતી સ્થિતિ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. ભારતનું આ વલણ ઈરાન સાથેના તેના મજબૂત રાજદ્વારી સંબંધોની પુષ્ટિ કરે છે.

આ પણ વાંચો : EUના પ્રમુખ ભારતની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત