SCO સમિટમાં બે દેશોનું નામ જોઈ ભડક્યું ભારત, કહ્યું - 'આ તો આતંકવાદના સમર્થકો છે...'
SCO Summit: ચીનના તિયાનજિનમાં યોજાનારા શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનમાં પાકિસ્તાનના સાથી તૂર્કીયે અને અઝરબૈજાનના સામેલ થવાને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે. સપ્ટેમ્બરની શરુઆતમાં જ યોજાનારા શિખર સંમેલનમાં દુનિયાભરના 20 દેશોના વડા ભાગ લઈ શકે છે.
ભારતે ઉઠાવ્યો વાંધો
મળતી માહિતી મુજબ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તિયાનજિન જઈ શકે છે. જોકે, સંમેલન પહેલાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, આતંકવાદનું સમર્થન કરનારા દેશોની હાજરી SCOના હેતુ પર પાણી ફેરવી શકે છે.
આ પણ વાંચોઃ ચીનનો મુકાબલો અને ભારત સામે દબાણની રાજનીતિ, શાતિર છે ટ્રમ્પનો 'પાકિસ્તાની' ખેલ
ભારતે ચીન સાથે કરી વાત?
અહેવાલો અનુસાર, ભારત અને ચીન આ મામલે એકબીજા સાથે વાત કરી રહ્યા છે. હકીકતમાં 22 એપ્રિલે પહલગામમાં પાકિસ્તાન આયોજિત આંતકી હુમલા બાદ તૂર્કીયે અને અઝરબૈજાન પાકિસ્તાન સાથે ભાઈચારો બતાવવા લાગ્યા હતા. જ્યાં એક બાજુ બાકી મુસ્લિમ દેશોએ પણ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ઓપરેશન સિંદૂર પ્રત્યે સંતુલિત વલણ અપનાવ્યું, ત્યાં તૂર્કીયે અને અઝરબૈજાને પાકિસ્તાનનું ખુલીને સમર્થન કર્યું હતું. ત્યાં સુધી કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન ભારત પર હુમલા માટે તૂર્કીયેમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. વળી, અરજબૈજાન પાકિસ્તાનને રાજકીય રીતે પણ સંપૂર્ણ સમર્થન આપે છે.
અઝરબૈજાન અને પાકિસ્તાનની મિત્રતાનું શું છે કારણ?
અઝરબૈજાન પાકિસ્તાન સાથે ભાઈચારો એટલે પણ નિભાવે છે, કારણ કે આર્મીનિયા સાથેની લડાઈમાં પાકિસ્તાન તેનું સમર્થન કરે છે. પાકિસ્તાને આર્મીનિયાને દેશના રૂપે માન્યતા નથી આપી. એવામાં અઝરબૈજાન અને આર્મીનિયાના મામલે પાકિસ્તાનની નીતિ એકતરફી રહી છે. અઝરબૈજાન અને આર્મીનિયા વચ્ચે નાગોર્નો-બારાબાખ વિસ્તારને લઈને વિવાદ છે. ભારત આ મુદ્દે સંતુલિત વલણ આપનાવી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન અઝરબૈજાનનું એકતરફી સમર્થન કરે છે.
વ્યાપારિક સંબંધોની વાત કરીએ તો ભારત અને અઝરબૈજાન વચ્ચે પણ સારા સંબંધો છે. જોકે, રાજકીય સમર્થનના મામલે અઝરબૈજાને પાકિસ્તાનનો સાથ આપ્યો. તેનું એક કારણ અઝરબૈજાન અને તૂર્કીયે વચ્ચેની નિકટતા પણ છે.
એસ. જયશંકરે કરી સ્પષ્ટતા
ગત મહિને જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે પહોંચ્યા તો તેમણે પણ SCO બેઠક દરમિયાન સ્પષ્ટ કહી દીધું હતું કે, આતંકવાદનું સમર્થન કરનારા દેશનો સાઇડલાઇન કરવા પડશે. પહલગામ હુમલા પાછળનો હેતુ હતો કે, જમ્મુ-કાશ્મીરની પ્રવાસન અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં આવે અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત પેદા કરવામાં આવે. SCO દેશોએ મળીને આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથનો મુકાબલો કરવો પડશે.
જણાવી દઈએ કે, શંઘાઈ સહયોગ સંગઠનના 10 પૂર્ણ સભ્ય છે. તેની રચના 2001માં ચીનમાં કરવામાં આવી હતી. તેમાં પહેલાં કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, રશિયા અને તાજિકિસ્તાન સામેલ હતા. 2017માં ભારત અને પાકિસ્તાન પણ આ સંગઠનમાં સામેલ થઈ ગયા. 2021માં ઈરાનને પણ સંગઠનમાં પૂર્ણ સભ્યમાં દાખલ કરવામાં આવ્યું. બેલારૂસને 10મા પૂર્ણ સભ્યના રૂપે સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું. આ વખતે ડાયલોગ પાર્ટનરના રૂપે ચીને તૂર્કીયે, અઝરબૈજાન, કંબોડિયા, શ્રીલંકા, નેપાળ, આર્મીનિયા, ઇજિપ્ત, કતર, સાઉદી અરેબિયા, કુવૈત, માલદીવ, મ્યાનમાર, બહેરીન અને યુએઈને પણ નિમંત્રણ આપ્યું છે.