Get The App

ચીનનો મુકાબલો અને ભારત સામે દબાણની રાજનીતિ, શાતિર છે ટ્રમ્પનો 'પાકિસ્તાની' ખેલ

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
ચીનનો મુકાબલો અને ભારત સામે દબાણની રાજનીતિ, શાતિર છે ટ્રમ્પનો 'પાકિસ્તાની' ખેલ 1 - image


India-US Trade Deal: તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત કરી હતી, જે હેઠળ અમેરિકા અને પાકિસ્તાન પાકિસ્તાનના 'વિશાળ તેલ ભંડાર' વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. આ જાહેરાતને ઘણા નિષ્ણાતો એક વ્યૂહાત્મક પગલા તરીકે જોઈ રહ્યા છે, જેનો હેતુ પાકિસ્તાનની ચીન પર વધતી જતી નિર્ભરતા ઘટાડવા અને ભારતને ટ્રેડ ડીલ માટે ઉશ્કેરવાનો છે. આ કરારની જાહેરાતના થોડા કલાકો પહેલા ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ અને રશિયા પાસેથી હથિયારો અને તેલ ખરીદવા પર વધારાના દંડની જાહેરાત કરી હતી.

શું છે પાકિસ્તાન-અમેરિકાની ડીલ?

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, અમે પાકિસ્તાન સાથે એક ડીલ કરી છે, જે હેઠળ પાકિસ્તાન અને અમેરિકા મળીને તેમના 'વિશાળ તેલ ભંડાર'ને વિકસિત કરીશું. અમે એ તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ, જે આ ભાગીદારીનું નેતૃત્વ કરશે. કોણ જાણે, કદાચ પાકિસ્તાન એક દિવસ ભારતને તેલ વેચી રહ્યું હોય! એટલું જ નહીં, ટ્રમ્પે ભારત (25) કરતાં પાકિસ્તાન (19) પર 6 ટકા ઓછો ટેરિફ લાદ્યો છે. પાકિસ્તાનની સૌથી મોટી રિફાઈનરી કંપની Cnergyico અને Vitol વચ્ચેના કરાર હેઠળ ઓક્ટોબર 2025માં 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ પણ અમેરિકાથી કરાચી પહોંચશે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર માનતા આ સોદાને "ઐતિહાસિક" ગણાવ્યો અને આશા વ્યક્ત કરી કે તે બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવશે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ નથી કર્યું કે, તેઓ કયા વિશાળ તેલ ભંડારની વાત કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનના તેલ અને ગેસ ભંડાર મર્યાદિત છે અને હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ. 

હવે નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાકિસ્તાન પાસે ખરેખર આટલા મોટા તેલ ભંડાર છે? 2019માં તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને કરાચી નજીક સમુદ્રમાં તેલ ભંડાર મળી આવ્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રાલયે તેને નકારી કાઢ્યો હતો. 2024ના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ExxonMobil અને અન્ય કંપનીઓએ 5500 મીટર સુધી ખોદકામ કર્યું હતું, પરંતુ કોઈ મહત્ત્તવપૂર્ણ ભંડાર નહોતો મળ્યો.

ભારત દબાણ: ટેરિફ અને રશિયા-ઈરાન કાર્ડ

ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ અને સંરક્ષણ સાધનોની ખરીદી હતી. આ ઉપરાંત ઈરાન સાથે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જે ચાબહાર બંદર અને તેલ આયાત જેવા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી છે. ટ્રમ્પના આ પગલાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ પર દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારતે જવાબમાં સ્પષ્ટતા કરી દીધી છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદીને વૈશ્વિક તેલ બજારને સ્થિર રાખે છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાં રહે છે.

ટ્રમ્પના આ ખેલને ભારતને અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે મજબૂર કરવાની વ્યૂહરચનાનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે, અન્ય દેશોની જેમ ભારત પણ ઘૂંટણીયે પડી કૃષિ, ડેરી ક્ષેત્ર અને દરેક ચીજો માટે બજાર સંપૂર્ણ મુક્ત કરે અને ટેરિફમાં ઘટાડો કરે. અને રશિયાના બદલે અમેરિકન લશ્કરી સાધનો જેમ કે F-35 ફાઈટર જેટ ખરીદે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું કે તે દબાણમાં કોઈ સોદો કરશે નહીં અને તેની પાસે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર જેવા અન્ય તેલ સપ્લાયર્સ છે.

ચીનનો મુકાબલો

ટ્રમ્પની નીતિનો એક મુખ્ય ટાર્ગેટ ચીનના પ્રાદેશિક પ્રભાવને ઘટાડવાનો છે. દક્ષિણ એશિયામાં ચીનનો પાકિસ્તાન સાથે મજબૂત આર્થિક અને લશ્કરી સબંધ છે, ખાસ કરીને CPEC (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર) દ્વારા. ટ્રમ્પ વહીવટીતંત્રે મ્યાનમારના લશ્કરી શાસન પર ટેરિફ ઘટાડવા અને ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે રેર અર્થ ડિપ્લોમસી માટે ખાસ દૂતની નિમણૂક જેવા પગલાં લીધાં છે. પાકિસ્તાન સાથેના તેલ સોદાને પણ આ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે, જેથી અમેરિકા દક્ષિણ એશિયામાં પોતાની પકડ મજબૂત કરી શકે અને ચીનના પ્રભાવને સંતુલિત કરી શકે. નિષ્ણાતો માને છે કે આ સોદો ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ પાડી શકે છે.

આ પણ વાંચો: ટ્રેડ ડીલ માટે ભારતને ઉશ્કેરવા પાકિસ્તાનને કાખમાં લઇ ટ્રમ્પ ફરતા થયા

શું છે ટ્રમ્પનો શાતિર ખેલ?

ટ્રમ્પની આ વ્યૂહરચનાને અનેક નિષ્ણાતોએ 'દબાણની વ્યૂહરચના' ગણાવી છે. તેઓ ભારતને રશિયા અને ઈરાનથી દૂર રાખવાનો અને અમેરિકા સાથે વેપાર કરાર કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાકિસ્તાન સાથે તેલ કરારનો દાવો ભારત પર માનસિક દબાણનો ભાગ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર સંબંધો લગભગ 'ન' બરાબર છે. ઉપરાંત આ કરાર ચીનના પ્રભાવને ઘટાડવા અને દક્ષિણ એશિયામાં અમેરિકાની સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ છે. જોકે, પાકિસ્તાનના તેલ ભંડારની વાસ્તવિકતા શંકાસ્પદ છે. નિષ્ણાતો કહે છે કે આ ભંડારો વિકસાવવામાં વર્ષો અને અબજો ડોલરનું રોકાણ લાગશે. વધુમાં બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં સુરક્ષા પડકારો અને સ્થાનિક વિરોધ પ્રોજેક્ટને જટિલ બનાવી શકે છે.

Tags :