અમેરિકાના દબાણ વચ્ચે ભારત-રશિયાની અતૂટ મિત્રતા: જયશંકરે BRICS સમિટ માટે પુતિનને આપ્યું આમંત્રણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India BRICS Summit 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે 24 ઑગસ્ટે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ વિદેશ મંત્રીએ જણાવ્યું કે દિલ્હી BRICS સમિટમાં પુતિનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, 'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામનાઓ સાથે મારી વાત શરૂ કરવા માંગુ છું. તેમણે મને એક અંગત સંદેશ આપ્યો છે જે હું તમને સોંપવા માંગુ છું. અમારી ઈન્ટરગવર્નમેન્ટલ કમિશનની બેઠક યોજાઈ છે. મને લાગે છે કે એકંદરે અમારી પાસે તમને આપવા માટે એક સારો અહેવાલ છે.'
PM મોદી સાથે મુલાકાત કરવાની પુતિનની ઇચ્છા
બીજી તરફ વ્લાદિમીર પુતિને(Russia President Vladimir Putin) કિર્ગિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO) શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન સાથે રૂબરૂ મુલાકાત કરવાની ઇચ્છા દર્શાવી હતી. એસ. જયશંકર (S.Jaishankar) સાથેની આ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, 'હું મારી વાતચીતની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી શુભકામનાઓ મોકલવાના અનુરોધ સાથે કરવા માંગુ છું.'
ભારત-રશિયા વચ્ચેના આર્થિક સંબંધોમાં ધરખમ વધારો
પુતિન સાથેની મુલાકાતમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'પીએમ મોદીએ મને એક વ્યક્તિગત સંદેશ આપ્યો છે, જે હું તમને સોંપવા માંગુ છું. અમારા આંતર-સરકારી પંચની બેઠક સંપન્ન થઈ છે અને મને લાગે છે કે અમારી પાસે તમને રજૂ કરવા માટે સારો અહેવાલ છે. આર્થિક સહયોગ, વેપાર, ઊર્જા, ખાતર, પરમાણુ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ ઘણો વધ્યો છે, જેના પર મને વિગતવાર વાત કરીને આનંદ થશે. સમગ્ર રીતે અમારો આર્થિક સહયોગ ખૂબ આગળ વધ્યો છે.'
અમેરિકાના દબાણ વચ્ચે ભારતનું મક્કમ વલણ
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે ભારત પર સતત દબાણ કરી રહ્યું છે. તેમ છતાં ભારત પોતાના કૂટનીતિક વલણ પર અડગ રહ્યું છે. રશિયન રાષ્ટ્રપ્રમુખે બંને દેશો વચ્ચેના વેપાર વધારાનો મુખ્ય શ્રેય ભારતીય વડાપ્રધાનને આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, 'તમારી આજની આ યાત્રા બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલી આવતા સંબંધોની મજબૂતી દર્શાવે છે.'
પુતિન BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા દિલ્હી આવશે
રશિયન રાષ્ટ્રપ્રમુખ દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવવાના છે. આ અગાઉ ડિસેમ્બર 2025માં તેમના ભારતના પ્રવાસ દરમિયાન બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં પરસ્પર વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચેના વેપારમાં મોટો ઉછાળો આવ્યો છે અને ભારત હવે રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ બની ચૂક્યું છે.









