For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત યુદ્ધ કરશે તો પરાજિત થશે : ધૂંધવાયેલા ચીનની ડંફાસ

પૂર્વીય લદ્દાખમાં સૈન્ય વાટાઘાટો નિષ્ફળ જતાં ડ્રેગનનો રઘવાટ

ભારતની જમીન પચાવી પાડવા ચીનની નજર, નવી દિલ્હીને જોઈએ છે તેવી સરહદ તેને નહીં મળે : ડ્રેગનની લુખ્ખી ધમકી

Updated: Oct 12th, 2021

Article Content Image
બેઈજિંગ, તા.૧૨
ભારત સાથે સરહદ વિવાદ અંગે કોર કમાન્ડર સ્તરની ૧૩મા તબક્કાની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી ચીન હવે ધાક-ધમકી પર ઉતરી આવ્યું છે. ચીનની નજર ભારતની જમીન પચાવી પાડવાની છે, પરંતુ સૈન્ય વાટાઘાટોમાં ભારતે બતાવેલી મક્કમતાથી ચીન ધુંધવાયું છે. ભારત અને ચીનની સૈન્ય વાટાઘાટો નિષ્ફળ ગયાના બીજા દિવસે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ભારતને લુખ્ખી ધમકી આપતું હોય તેમ એક લેખમાં કહ્યું કે, ભારતે એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે તેને જે પ્રકારની સરહદ જોઈએ છે તે તેને મળી શકે તેમ નથી. વધુમાં ભારત યુદ્ધ શરૂ કરશે તો નિશ્ચિતપણે તેણે પરાજયનો સામનો કરવો પડશે.
ચીની અખબારે તેની સરકારને ભારત સાથે ડીલ કરવા માટે બે સૂચન કર્યા છે. પહેલી વાત તો એ કે ભારત ગમે તેટલો પ્રયત્ન કરે, ચીની ક્ષેત્ર ચીનના જ છે અને અમે તે ક્યારેય નહીં છોડીએ. ધીરજ રાખવી બીજી વાત છે. બદલાતી પરિસ્થિતિને જોતાં ચીને દરેક પ્રકારના સૈન્ય સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ શાંતી જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
ચોર કોટવાળને ધમકાવે તેવું વલણ અપનાવતાં ગ્લોબલ ટાઈમ્સે ભારતને તકવાદી ગણાવ્યું છે. તેણે લખ્યું છે નવી દિલ્હીને લાગે છે કે ચીનને ભારતની જરૂર છે, કારણ કે બેઈજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં ઘટાડો થયો છે. એવામાં બેઈજિંગ સરહદ મુદ્દે તેનું વલણ નરમ કરી શકે છે, પરંતુ ભારતે એ સમજવાની જરૂર છે કે સરહદના મુદ્દા બધા દેશોના ગૌરવ સાથે જોડાયેલા હોય છે. અખબારે કહ્યું કે સરહદ વિવાદો સાથે જ ભારત હંમેશા અન્ય મુદ્દાઓ પર અયોગ્ય માગણીઓ કરે છે.
અખબારે કહ્યું કે ગલવાન ઘાટીનો હિંસક સંઘર્ષ એ બાબતનો પુરાવો છે કે કોઈપણ દેશ તેની સંપ્રભૂતાનું રક્ષણ કરવામાંથી પીછે હઠ નહીં કરે. જો ભારત ચીનના દૃઢ સંકલ્પને ઓછો આંકતો હોય તો તેનાથી તેનો ચહેરો ખૂલ્લો પડી જશે. ભારત સરહદ પર લાંબા સમય સુધી તણાવપૂર્ણ સ્થિતિ જાળવી રાખશે તો ચીન પણ તેના માટે તૈયાર છે. ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચીને સરહદની સ્થિતિને શાંત કરવા માટે જબરજસ્ત પ્રયત્નો કર્યા છે. ચીને કહ્યું કે ભારતે અનેક એવી માગો મૂકી છે, જે વાસ્તવિક નથી. આ કારણોથી વાતચીતમાં મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ ભારતે સતત કહ્યું છે કે ચીને સરહદ પર સ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. ગલવાનમાં થયેલા હિંસક સંઘર્ષ પછી બંને દેશો વચ્ચે કોઈ હિંસક અથડામણ નથી થઈ, પરંતુ સરહદ પર લગભગ દોઢ વર્ષથી તણાવપૂર્ણ સ્થિતિ છે.
બીજીબાજુ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બની શકે છે. દેશના અગ્રણી રણનીતિ વિશ્લેષક બ્રહ્મા ચેલાનીએ લખ્યું છે કે આખા હિંદ-પ્રશાંતમાં અત્યારે હિમાલયનું ક્ષેત્ર ખતરનાક બની ગયું છે. ચીન તરફથી સરહદમાં ઘૂસણખોરી કરવાના ૧૭ મહિના પછી ભારતની ધીરજ પણ ઘટી રહી છે, કારણ કે ચીન વાટાઘાટોના બહાને જમીન પર કબજો કરવા માગે છે.ચેલાનીએ પણ કહ્યું કે ભારતે પહેલી વખત ચીનની આક્રમક્તાને યોગ્ય રીતે રજૂ કરી છે.
ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું કે વાટાઘાટોમાં અવરોધો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. વાતાવરણ ઘણું જ ખરાબ થઈ ગયું છે. ભારતે દલાઈ લામા અને તાઈવાન અંગે સમજી વિચારીને રણનીતિ સાથે આગળ વધવાની જરૂર છે. અન્ય નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ વખતે શિયાળાની ઠંડીનું વાતાવરણ ભારત અને ચીનના સંબંધોની દૃષ્ટિએ ગયા વર્ષ કરતાં વધુ ઠંડુ રહી શકે છે.
ક્વાડ જૂથની બેઠકથી પણ ચીન આક્રમક બન્યું
નવી દિલ્હી, તા. ૧૨
પૂર્વીય લદ્દાખમાં એલએસી પર દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે. આ તણાવ ઘટાડવા માટે ભારત અને ચીનના સૈન્યની કોર કમાન્ડર સ્તરની ૧૩ વાટાઘાટો થઈ પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. ઉલટાનું તાજેતરના સમયમાં ચીન આક્રમક બન્યું છે. ભારત અને ચીન વચ્ચે ૧૩મા તબક્કાની બેઠક પૂર્વે ચીની સૈનિકોએ ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી. ભારતીય નિષ્ણાતોનું માનવું છે કે ચીનના અચાનક આક્રમક બનવાનું એક કારણ ક્વાડ જૂથ હોઈ શકે છે. તાજેતરના સમયમાં ક્વાડ જૂથની પ્રવૃત્તિઓ વધી છે. ગયા મહિને જ વોશિંગ્ટનમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેનના નેતૃૃત્વમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રમુખોની આમને-સામને સૌપ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં એકીકૃત સૈન્ય નીતિ અંગે પણ ચર્ચા થઈ હતી. ચીની પ્રમુખ શી જિનપિંગ આંતરિક રાજકારણમાં તેમની છબી મજબૂત બતાવવા માટે ભારત સાથે એએલસી પર તણાવ દૂર કરવા સંમત નહીં થાય. સંભવતઃ આથી જ જિનિપિંગના નિર્દેશોથી રવિવારે યોજાયેલી કોર કમાન્ડર સ્તરની ૧૩મા તબક્કાની વાટાઘાટોમાં ચીની અધિકારીઓનું વલણ મૈત્રીપૂર્ણ નહોતું.

Gujarat