World

ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ વધતા, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભીતિ વચ્ચે ભારતે રશિયા પાસેથી રેકોર્ડબ્રેક તેલ આયાત કરી છે. જૂન મહિનામાં ભારતે 4.5 અબજ યુરોનું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી, કુલ રશિયન અશ્મિભૂત બળતણ આયાતમાં 34%નો ઉછાળો નોંધાવ્યો. CREAના રિપોર્ટ મુજબ, ભારત ચીન પછી રશિયન બળતણનો બીજો સૌથી મોટો ખરીદદાર બન્યો છે. રિલાયન્સ, IOCL જેવી રિફાઇનરીઓએ રશિયન સપ્લાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ

India Russian Oil Import Hits Record High : અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના (US-Iran War) કારણે વૈશ્વિક તણાવ ફરીથી ચરમસીમાએ પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના (Hormuz Strait Closure) કારણે દુનિયાના તમામ દેશો સામે તેલ અને ગેસનું સંકટ ઘેરાવા લાગ્યું છે. બીજી તરફ ભારતની વાત કરીએ તો, મિડલ ઈસ્ટના દેશોમાં તણાવ વચ્ચે ભારતે પોતાની તેલ આયાતમાં વિવિધતા લાવવાનું જે પગલું 'પ્લાન-બી' હેઠળ ઉઠાવ્યું હતું, તેનો મોટો ફાયદો મળી રહ્યો છે. મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે પણ ભારત સતત રશિયન તેલ ખરીદવામાં (India's Russian Oil Import) વ્યસ્ત છે. તાજા આંકડા જોઈએ તો, જૂન મહિનામાં ભારતની રશિયન તેલ આયાત રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે, અને તેમાં 34 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.

CREAના રિપોર્ટમાં મોટો ખુલાસો

પીટીઆઈ (PTI)ના અહેવાલમાં સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયાની કુલ તેલ નિકાસની આવકમાં ઘટાડો થયો હોવા છતાં, ભારતની રશિયન ક્રૂડ ઓઇલની આયાત વીતેલા જૂનમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે તેના અગાઉના મે મહિનાની સરખામણીએ 34% વધુ છે. આંકડા પર નજર કરીએ તો, ભારતે જૂન મહિનામાં 4.5 અબજ યુરોની કિંમતનું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, જે તેની કુલ 5.5 અબજ યુરોની રશિયન અશ્મિભૂત બળતણ (Fossil Fuel) આયાતના 83% છે. આ આંકડા સાથે ભારત ચીન પછી રશિયન બળતણનો બીજો સૌથી મોટો ખરીદદાર બન્યો છે. જૂન મહિનામાં ચીન રશિયાનું સૌથી મોટું ગ્રાહક રહ્યું હતું, જેણે 7.3 અબજ યુરોની ખરીદી કરી હતી.

રિફાઇનરીઓના પુરવઠામાં ઉછાળો

ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં મહિના-દર-મહિના 5.4 ટકાનો વધારો જોવા મળ્યો છે, અને આ ઉછાળો મુખ્ય રિફાઇનરીઓને રશિયન સપ્લાયમાં થયેલા વધારાને કારણે જોવા મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીને જૂનમાં રશિયન સપ્લાય મે મહિનાની સરખામણીએ 150% વધી ગઈ હતી, જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ની પારાદીપ રિફાઇનરીમાં આયાત 126% વધી હતી. CREAના જણાવ્યા અનુસાર, BPCLની કોચ્ચિ રિફાઇનરીમાં 82% અને નાયરા એનર્જીની વડીનાર રિફાઇનરીમાં 45% નો વધારો થયો છે.

રશિયન ઓઇલની ખરીદી અને ત્યારબાદ નિકાસ
રશિયન ક્રૂડ ઓઇલમાંથી તૈયાર થતા ઇંધણના વૈશ્વિક વેપારમાં ભારત મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. રશિયાથી તેલની આયાત કરીને ભારત, તુર્કી, બ્રુનેઈ અને જોર્જિયાની રિફાઇનરીઓએ જૂન મહિનામાં રશિયા પર પ્રતિબંધ લગાવનારા દેશોને પણ મોટા પાયે ઓઇલ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી. યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને 814 મિલિયન યુરોની કિંમતના તેલ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.

જો અમેરિકામાં નિકાસની વાત કરીએ તો, તેમાં ભારતની જામનગર રિફાઇનરી, તુર્કીમાં SOCARની માલિકીની STAR રિફાઇનરી અને તુપ્રાસ ઇઝમિટ રિફાઇનરી મોખરે છે. CREAના આંકડા મુજબ, વીતેલા ત્રણ મહિનામાં તુપ્રાસ ઇઝમિટ રિફાઇનરીના ક્રૂડ ઓઇલનો 60% ભાગ અને જામનગર રિફાઇનરીના ક્રૂડ ઓઇલનો 27% ભાગ રશિયાથી આવ્યો હતો, જેમના દ્વારા ઉત્પાદન તૈયાર કરીને અમેરિકાને નિકાસ કરવામાં આવ્યું હતું.